________________
શ્રી વિશેષાવશ્યક ભાષ્યમ્
પ્રશ્ન-૭૨૬ – જો અનુપયુક્ત પુરુષ સ્ત્રીનો નિર્દેશ કરે તો તે પુરુષ સ્ત્રીરૂપતા પ્રાપ્ત નહિ કરે એમ થાય ને?
ઉત્તર-૭૨૬ – ખોટી વાત, જો એમ હોય તો એ અનુપયુક્તભાષક ઘડા વગેરેની જેમ ઉપયોગ રહિત હોવાથી અજ્ઞાની છે. તેથી તેનું વચન નિર્દેશ નથી. તેથી ઉન્મત્તાદિ મનુષ્યના વચનની જેમ તેનું વચન ઉપયોગ રહિત હોવાથી નિર્દેશ ન કહેવાય. આ મત બુદ્ધિમાનોને માન્ય છે કે ઉપયોગ પૂર્વકતાથી નિશ્ચય કરીને દેશના ભાષણ હોય તે નિર્દેશ, અથવા નિશ્ચિત દેશ-ભાષણ છે જ્યાં તે નિર્દેશ કહેવાય છે. તે નિરૂપયોગભાષકને ન સંભવે. કારણ કે નિશ્ચિત દેશ-નિર્દેશ માનો તો તદ્વાન દેવદત્તાદિ અનુપયુક્ત ઘટી ન શકે. જો અનુપયુક્ત હોય તો તેનો નિર્દેશ નથી. તેથી આ શબ્દનયનું તાત્પર્ય છે કે-જે પુરુષાદિ વક્તા જે જે સ્ત્રીઆદિ અર્થને તદુપયુક્ત નિર્દેશ કરે છે. તે તન્મય-વાચ્યાર્થાત્મક થાય છે. કેમકે, વાચ્યમાં ઉપયુક્ત વચનીયથી અનન્ય જ હોય છે. તેથી વક્ત અને વાચ્ય અર્થ સમાનલિંગ છે. આ એનો નિર્દેશ છે એમ સિદ્ધ થયું.
હવે પ્રસ્તુતમાં યોજના....નિર્દેશ્ય ઉપયુક્ત નિર્દેષ્ટા જીવ સામાયિક જ થાય છે. તેથી એ સામાયિકને નિર્દેશ કરતો પોતાને જ બતાવે છે. કારણ કે સ્ત્રી-પુરુષ-નપુંસક રૂપ એ નિર્દિષ્ટા તેમાં ઉપયુક્ત હોવાથી તે નિર્દેશ્ય સામાયિકના સમાનલિંગવાળો થાય છે. સામાયિકાર્ય રૂઢિથી નપુંસક છે. સ્ત્રી-પુરુષ કે નપુંસકને (સામાયિક કહેનાર) નપુંસક નિર્દેશ જ થાય છે. એ પ્રમાણે સર્વનયના અભિપ્રાયો એકેક અંશગ્રાહી છે અને એ સર્વે સમુદિત હોય તો બાહ્ય અને અત્યંતર નિમિત્તનો સંગ્રહ કરનાર સંપૂર્ણ વસ્તુઝાહી જૈનમત થાય છે.
પ્રશ્ન-૭૨૭– જો ભાવ બે પ્રકારનો છે તો નિર્દેશ્ય-નિર્દેશક બંને રીતે પણ નિર્દેશ થાય તો શું દોષ? જેમકે, બે પ્રકારનો ભાવ-અર્થનું વિજ્ઞાન અને પરિણતિ અને ભાવને કહેનારા શુદ્ધનયો છે. ત્યાં જ્યારે ઉપયુક્ત પુરુષ સામાયિકને નપુંસક કહે ત્યારે વક્તા નપુંસક વિજ્ઞાનાનન્ય હોવાથી નપુંસક નિર્દેશ થાય અને નિર્દિષ્ટા મુખરોમાદિ પુરુષપરિણતિમય હોવાથી પુરુષ નિર્દેશ પણ થાય શું વાંધો છે?
ઉત્તર-૭૨૭ – ભાવ ભલે ૨ પ્રકારના હોય પણ અહીં વસ્તુવિજ્ઞાન જ ઉપયોગરૂપ અધિકૃત છે તેની પરિણતિ નહિ, તેથી અહીં વિજ્ઞાનરૂપ નિર્દેષ્ય જ માન્ય છે.
પ્રશ્ન-૭૨૮– જે નિર્દેશાય તે નિર્દેશ, તો પછી શબ્દ પણ પુદ્ગલદ્રવ્યરૂપ નિર્દિશ્યતે એ રીતે નિર્દેશ જ કહેવાય છે તો તદુપયોગરૂપ જ નિર્દેશ શા માટે આગળ કરાય છે?