________________
૧૨
ધર્મસંગ્રહ ભાગ-૩ / દ્વિતીય અધિકાર / બ્લોક-૩૧
કેટલા પ્રમાણમાં ગ્રહણ કરીશ તેનું પરિમાણ કરવું જોઈએ અર્થાત્ બે વસ્તુના મિશ્રણથી થયેલ કેટલી વસ્તુ ગ્રહણ કરીશ તેનું પરિમાણ કરવું જોઈએ. સચિત્ત કેટલી વસ્તુ ગ્રહણ કરીશ તેનું પ્રમાણ કરવું જોઈએ. તેથી ભોજનની વસ્તુમાં સંખ્યાના પરિમાણથી પણ ભોજનને આશ્રયીને ઉપભોગ-પરિભોગમાં સંવરભાવની પ્રાપ્તિ થાય છે. તેમાં સાક્ષીપાઠ આપે છે તેનો અર્થ આ પ્રમાણે છે –
શ્રાવક આત્માના અનુસંધાનપર હોય છે અર્થાત્ આત્માના શુદ્ધ ગુણોને પ્રગટ કરવા માટે તત્પર હોય છે. તેવા સુશ્રાવકે નિરવદ્ય આહારથી જીવન જીવવું જોઈએ, જે ઉત્સર્ગમાર્ગ છે. કદાચ સંપૂર્ણ નિરવદ્ય આહારથી જીવન જીવી શકે તેવા સંયોગી ન હોય તો નિર્જીવ વસ્તુથી જીવન જીવવું જોઈએ અર્થાત્ સચિત્તના પરિહારથી જીવન જીવવું જોઈએ. સચિત્તના ત્યાગ માટે પણ સામર્થ્ય ન હોય તો પરિત્ત મિશ્રથી જીવન જીવવું જોઈએ=અનંતકાયાદિના ત્યાગપૂર્વક પરિમિત સંખ્યાથી યુક્ત એવા આહારથી જીવન જીવવું જોઈએ. આવા પ્રકારના શ્રાવકો સુશ્રાવક કહેવાય છે અર્થાત્ સર્વવિરતિ અનુકૂળ શક્તિનો સંયમ કરનારા કહેવાય છે.
વળી, જેમ શ્રાવકે આરંભના વિષયમાં નિયમન કરવું જોઈએ એ રીતે ઉત્સવ આદિ વિશેષનો પ્રસંગ ન હોય તો અત્યંત ચિત્તની વૃદ્ધિના કારણે ઉન્માદજનક અને લોકમાં નિંદાદિના કારણ એવા ઉદ્ભટવેશનો ત્યાગ કરવો જોઈએ. વાહનનો ત્યાગ કરવો જોઈએ. અલંકારાદિનો ત્યાગ કરવો જોઈએ. આથી જ અતિ સંવર તરફ યત્ન કરનારા શ્રાવકો વિકાર ઉત્પન્ન કરે તેવા વેશને પહેરતા નથી, વાહનનો પણ પ્રાયઃ ઉપયોગ કરતા નથી અને અલંકારાદિને ધારણ કરીને રાગની વૃદ્ધિ કરતા નથી. તેમાં સાક્ષી આપે છે –
અતિ રોષ, અતિ તોષ, અતિ હાસ્ય, દુર્જનની સાથે સંવાસ અને ઉદ્ભટવેશ, તેમજ ઉપલક્ષણથી વાહનાદિનો ઉપયોગ અને અલંકારાદિનું ધારણ કરવું તે પાંચ વસ્તુ મોટા માણસને પણ હલકા કરે છે.
તેથી એ ફલિત થાય કે શ્રાવક સર્વવિરતિને અનુકૂળ શક્તિ સંચિત કરનાર હોવાથી મહાન છે તોપણ વસ્ત્રાલંકાર અતિશય વાપરે કે વાહનોમાં ફરતા રહે તો તેઓનો અવિરતિ અંશ અતિઅધિક થાય છે. માટે શ્રાવકે જેમ અતિ રોષ, અતિ તોષ, અતિ હાસ્ય, દુર્જનનો સહવાસ ત્યાગ કરવો જોઈએ તેમ વેશભૂષા પણ વિકારોને કરે તેવી કરવી જોઈએ નહિ.
વળી, કોઈ શ્રાવક અતિ મલિન વસ્ત્ર ધારણ કરે, અતિ સ્કૂલ વસ્ત્ર ધારણ કરે અથવા અતિ ટૂંકાં વસ્ત્ર ધારણ કરે અથવા સચ્છિદ્ર વસ્ત્ર ધારણ કરે, આ પ્રકારે દરિદ્ર જેવા વેશને ધારણ કરે તો દુર્વસ્ત્ર ધારણ કરવાને કારણે આ કૃપણ છે, તે પ્રકારે લોકમાં નિંદા થાય અને હાસ્યાસ્પદ બને. આથી શ્રાવકે પોતાનાં ધન, વય, અવસ્થા, પોતાનું નિવાસસ્થાન અને કુલાદિને અનુરૂપ વેશ ધારણ કરવો જોઈએ.
વળી શ્રાવક પોતાની ભૂમિકા પ્રમાણે જે ઉચિત વેશ ધારણ કરે તેમાં પણ સંખ્યાના પ્રમાણનું નિયતપણું કરવું જોઈએ જેથી વસ્ત્રોના ઉપભોગમાં પણ સંવરભાવ પ્રાપ્ત થાય. વળી અન્ય પણ ભોગોપભોગ વસ્તુના