Book Title: Atma Siddhi Shastra Vivechan Part 2
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૪૬
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર' વિવેચન
કરી જેઓ અપવર્ગાદિ સુખની લિપ્સાથી છેતરાઈને શિરમુંડન, તપશ્ચરણ વગેરે કરે છે તે મહામોહમાં ભમે છે અને પોતાનો જન્મ વ્યર્થ ગુમાવે છે. અગ્નિહોત્રાદિ કર્મ તો માત્ર બાળ ક્રીડા છે, જુદા જુદા દર્શનકારોએ જે વિધિ-નિષેધ બતાવ્યાં છે તે તો માત્ર તેમની પોતાની આજીવિકા માટે જ છે, તેથી તેમાં જ જીવન બરબાદ કરવા કરતાં જિવાય ત્યાં સુધી વિષયસુખ માણવું જોઈએ. શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી યથેચ્છ સાંસારિક સુખ ભોગવવા યોગ્ય છે. આ ભવમાં જે યૌવન, ધન, સંપત્તિ આદિ મળ્યાં હોય તેને સ્વચ્છંદપણે ભોગવી લેવાં જોઈએ. દેહવ્યતિરિક્ત આત્મા ઇન્દ્રિયગોચર નહીં હોવાથી આ મતવાળા દેહસુખને જ સત્ય પુરુષાર્થ માને છે. જીવન દરમ્યાન લૂંટાય તેટલું સુખ લૂંટવું એ જ જીવનનું લક્ષ્ય છે. ચાર્વાક દર્શન મુજબ જીવનનું લક્ષ્ય ભૌતિક સુખ છે. આમ, ભારતીય દર્શનોમાં એકમાત્ર ચાર્વાક દર્શન ભૌતિકવાદી છે.
‘શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર'ના શિષ્ય ઉપર ચાર્વાક દર્શનનો પ્રભાવ પડેલો જણાય છે અને તેથી તેને આત્મા જેવું કંઈ છે કે નહીં એવી શંકા જાગી છે. આત્મતત્ત્વને જાણવાની આવી ભાવના જાગવી અત્યંત દુર્લભ છે. સંસારના અનેક મનુષ્યો માટે તો ખાવું-પીવું, ધન કમાવવું, દીકરા-દીકરી પરણાવવાં એ જ જીવનનું ધ્યેય છે. તેઓ વિષયભોગોમાં જ રચ્યાપચ્યા રહે છે. ‘હું કોણ છું?’, “મારું સ્વરૂપ શું છે?' એવા પ્રશ્ન જ તેમને ઉદ્ભવતા નથી. તેઓ પોતાને મળેલ વિવેકશક્તિનો ઉપયોગ કરતા નથી. કોઈ વિરલ જીવને જીવંત શરીર અને મૃતદેહ વચ્ચેનો ફરક સમજવાની ઇચ્છા થાય છે. આત્મા છે કે નહીં? એવી શંકા તેને જાગે છે. તેના ઉપર તે વિચાર કરે છે. આત્મતત્ત્વના અસ્તિત્વનું પ્રમાણ મેળવવા માટે તે પ્રયત્ન કરે છે. શિષ્યને પણ આવી શંકા જાગી છે. શિષ્ય જિજ્ઞાસુ છે, સત્ય સમજવાનો અભિલાષી છે, તેથી તે શ્રીગુરુને વિનયપૂર્વક આત્માના અસ્તિત્વ વિષે પ્રશ્નો કરે છે. સત્ય સમજવાના પવિત્ર હેતુથી શિષ્ય આત્માના અસ્તિત્વ સંબંધી કેટલીક દલીલો સદ્ગુરુ સમક્ષ પ્રગટ કરે છે.
શિષ્ય કહે છે કે આત્મા છે એવું અનેક વાર સાંભળ્યું છે, પણ જગતના પદાર્થોની જેમ આત્મા દૃષ્ટિગોચર થતો નથી. દેહાદિ પદાર્થો જેમ જોઈ શકાય છે તેમ આત્મા જોઈ શકાતો નથી, તેનું કોઈ રૂપ કે આકૃતિ આંખ વડે જોઈ શકાતાં નથી; માટે આત્માના હોવાપણા અંગે શંકા ઉદ્ભવે છે. જગતના પદાર્થો આંખ વડે દેખાતા હોવાથી તેનાથી શિષ્ય સુપરિચિત છે અને તેથી તે તેનું અસ્તિત્વ માને છે; પરંતુ આત્મા દેખાતો ન હોવાથી તેના અસ્તિત્વ વિષે તેને શંકા છે. આત્મા દેખાતો નથી, માટે આત્માનું અસ્તિત્વ નથી એમ તે દલીલ કરે છે.
આત્માના અસ્તિત્વ વિષેની વિચારણા લંબાવતાં શિષ્યને જણાય છે કે જે વસ્તુ દેખાય તેનું જ માત્ર અસ્તિત્વ છે એ વાત યોગ્ય નથી. આંખે દેખાતું ન હોય પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org