________________
શુભઅધ્યવસાયમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) પ્રિસન્નચંદ્રઋષિનું દૃષ્ટાંત-૪૧૫
પ્રસન્નચંદ્રઋષિનું દૃષ્ટાંત પોતનપુર નામનું નગર છે, કે જ્યાં જાણે કે શ્રુતરૂપલક્ષ્મી વસે છે એમ જાણીને સમુદ્ર મોકલ્યા હોય તેમ શ્રેષ્ઠરત્નના સમૂહો દેખાય છે. તેમાં બંધુરૂપ કુમુદો માટે ચંદ્રસમાન સોમચંદ્ર નામનો રાજા હતો. તેની ધારિણી નામની રાણી હતી. ઝરૂખામાં બેઠેલા રાજાના કેશોને સમારતી રાણી પલિતને જોઈને રાજાને કહે છે: હે દેવ! દૂત આવ્યો છે. સંભ્રાન્ત થયેલો રાજા નજર કરે છે. તેથી દેવીએ હસીને કહ્યું: ‘તમે કહેશો કે મને ન કહ્યું, આ હું આવી ગઇ છું, એથી ધર્મ કર,’ એમ કહેવા માટે વૃદ્ધાવસ્થાએ દૂતના જેવો પલિત મોકલ્યો છે. રાજાએ વિચાર્યું. આ નક્કી છે કે આ દૂત વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસીનો છે. વૃદ્ધાવસ્થારૂપ રાક્ષસી પણ મરણની ધાડનું મુખ જ છે. તે પરાભવ નથી કે જે પરાભવને વૃદ્ધાવસ્થાથી પકડાયેલા જીવો પામતા નથી. ધર્મ-અર્થ-કામથી રહિત જીવો જીવતા પણ મરેલા જ છે. આથી જ અમારા પૂર્વ પુરુષોએ સ્વમસ્તકમાં પલિતને જોયા પહેલાં જ વ્રતગ્રહણ કર્યું હતું. સત્ત્વહીન મારો આટલો કાળ એમ જ ગયો, અને પોતાનો પલિત જોયો. મારો પુત્ર પ્રસન્નચંદ્ર આજે પણ હજી પણ બાળક છે. તેથી હું શું કરું? ઇત્યાદિ વિચારતા અને અતિ ઘણા વિષાદથી વ્યાકુલ મનવાળા એની આંખોમાંથી આંસુ ગળવા લાગ્યા. તેથી રાણીએ ઉત્તરીય વસ્ત્રના છેડાથી આંસુઓને લૂછીને કહ્યું: હે દેવ! જો તમને વૃદ્ધાવસ્થાથી લજ્જા આવે છે તો હું આ રહસ્ય કોઈને નહિ કહું. પછી રાજાએ કહ્યું: હે દેવી! જે મનુષ્યોન જે ભાવો નિશ્ચિત છે તેમાં લજ્જા શી? તુચ્છ એવા મારી લજ્જાનું મહાન કારણ એ છે કે પોતાના પૂર્વપુરુષના નિર્મલ માર્ગે હું ગયો નથી. તેથી પ્રસન્નચંદ્ર જ્યાં સુધી પ્રજાનું પાલન કરવા સમર્થ થાય ત્યાં સુધી તું એનું પાલન કર. હું તો દીક્ષા સ્વીકારું છું. રાણીએ રાજાને કહ્યું: ચાંદની શું ચંદ્ર વિના પણ રહે? સૂર્યની પ્રભા સૂર્યથી જુદી ક્યાંય કોઇએ જોઈ છે? તેથી પુત્રનું પ્રયોજન નથી. તમને જે અનુમત છે તે મારે પણ કરવું જોઇએ. આ પ્રમાણે રાણીના આગ્રહને જાણીને, પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને, રાજા ધારિણીની સાથે તાપસ દીક્ષાનો સ્વીકાર કરે છે. તે વખતે રાણીને થોડા દિવસનો ગર્ભ હતો. તેથી સમયે પુત્ર થયો. પુત્રને જન્મ આપ્યા બાદ તે મરીને જ્યોતિષ્ક દેવોમાં દેવરૂપે ઉત્પન્ન થઈ. વનની ભેંસનું રૂપ કરીને સ્નેહથી કુમારના મુખમાં દૂધ નાખે છે. આ પ્રમાણે કુમાર વૃદ્ધિને પામ્યો. તેનું શરીર વલ્કલથી (=વૃક્ષની છાલથી) ઢાંકવામાં આવ્યું હતું માટે તેનું વલ્કલચીરિ એવું નામ પડ્યું. (ચીર=વસ્ત્રનો ટુકડો વલ્કલ એ જ જેનું ચીર છે તે વલ્કલચીરિ.)
૧. કુમુદ=ચંદ્રવિકાસી કમળ. ૨. પલિત=સફેદ વાળ.