________________
ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનમિત્રનું દૃષ્ટાંત-૬૮૯ જો તેમાંથી દૂધ નીકળતું હોય તો ચાંદીનું નિધાન જાણ. જો પીળો રસ નીકળતો હોય તો માટી યુક્ત સુવર્ણનું નિધાન જાણ. જે વૃક્ષમાં અંકુરો વિસ્તારવાળા હોય તે વૃક્ષની નીચે સફેદ દૂધ જેટલા પ્રદેશમાં હોય, તેટલા પ્રદેશમાં નીચે નિધાન છે તેમ તું જાણ. અંકુરો ઉપર પાતળો હોય અને નીચે પહોળો હોય તો તે વૃક્ષની નીચે નિધાન છે. જો અંકુરા આનાથી ઉલટા હોય તો વૃક્ષની નીચે નિધાન નથી તેમ તું જાણ. હવે તુષ્ટ થયેલો ધનમિત્ર જલદી પલાશવૃક્ષની નીચે ગયો. અંકુરને બરોબર જોઇને આની નીચે નિધાન છે એવો નિર્ણય કર્યો. પછી નમો ધરણેન્દ્રાય, નમો ધનવાય, નમો ધનપાનાય એ પ્રમાણે મંત્રને બોલતો તે જેટલામાં તે પ્રદેશને ખોદે છે તેટલામાં અર્ધીક્ષણમાં પોતાના અશુભના ઉદયથી કેવળ અંગારાથી ભરેલા તામ્રના બે કળશોને જુએ છે. હવે ગભરાયેલો તે વિચારે છે કે, અહો! જો મારા પાપનું માહાત્મ્ય! અંકુરના પીળા રસને જોવાથી સુવર્ણ નિશ્ચિત થવા છતાં કેવળ અંગારાઓને જ જોઉં છું. અથવા કાર્યના આરંભો કેટલા કાળ સુધી નિષ્ફળ થશે? તેથી ઉદ્યમ કરું. આમ વિચારીને ખનનવાદના વચનોને યાદ કરીને દ્રવ્યમાં લુબ્ધ તે આગળ પણ ઘણા પ્રકારના પૃથ્વીભાગોને ખોદે છે. પણ કોઇ ઠેકાણે કાણી કોડી પણ પામતો નથી. પછી અતિશય દીન બનેલો તે ધાતુવાદીઓને (=ઔષધિના યોગથી તામ્ર આદિ ધાતુને સુવર્ણ વગેરે રૂપે બનાવી દેનારા કીમીયાગરોને) મળીને ધાતુના બિલોને ધમે છે. ત્યાં પણ પાપના કારણે કેવળ ક્લેશને જ અનુભવે છે. પછી સમુદ્રને પણ તરીને અન્ય દ્વીપોમાં જાય છે. ત્યાં પણ ક્યાંક થોડુંક ધન મેળવે છે. તે ધન પણ સમુદ્રમાં ડૂબી જાય છે. ક્યાંક વારંવાર ધનને ચોરો અપહરણ કરે છે. પછી દુઃખી થયેલો તે ક્યાંક પાખંડીઓની પાસે જાય છે. તે બધા ય પણ તેને કહે છે કે ધર્મથી રહિત જીવોને ફલની પ્રાપ્તિ થતી નથી. તો પણ તે કર્મગુરુતાના કારણે ધર્મમાં મતિને કરતો નથી. હવે સમુદ્રને તરવાનું છોડીને સ્થલમાર્ગે વેપાર કરે છે. ત્યાં પણ પર્વતો, નદીઓ, વૃક્ષો અને વિષમ માર્ગોમાં ભમતો તે ઘણા લાખો દુઃખોને સહીને ક્યારેક કંઇક ધન મેળવે છે. (રપ) તેને પણ કોઇપણ રીતે ચોરો અપહરણ કરે છે. ક્યાંક અગ્નિથી ધન બળી જાય છે. ક્યાંક રાજાઓ ખોટું બહાનું બતાવીને ઝુંટવી લે છે. ત્યાં પણ અતિશય ઘણા પ્રકારોથી મહાન દુ:ખ સહન કરવા છતાં ક્યારેક એક રૂપિયા જેટલું પણ ધન પ્રાપ્ત થતું નથી. કંટાળેલા, ધનની આશાથી વ્યાકુળ થયેલા, અને ગભરાયેલા તેણે તે વેપારને પણ મૂકીને રાજાઓ વગેરેની સેવા શરૂ કરી. ત્યાં પણ શક્તિ પ્રમાણે ભક્તિથી પ્રયત્નપૂર્વક તેમની આરાધના (=સેવા) કરે છે. તો પણ તેના પાપોદયના કારણે તેમને તે આરાધના વિપરીતપણે પરિણમે છે. મેળવેલું પણ કંઇક અલ્પધન કોઇપણ ક્ષણે ગુપ્તપણે જતું રહે છે. આ પ્રમાણે ઘણી રીતે કેવલ ક્લેશને સહન કરવા છતાં અલ્પ પણ ધનથી રહિત તે ભિક્ષાવૃત્તિથી જીવન જીવે છે.