________________
૬૮૮-ધર્મથી અચિંતિત સુખપ્રાપ્તિમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનમિત્રનું દૃષ્ટાંત ધર્મની સિદ્ધિ પહેલાં જ વિમલયશાના દૃષ્ટાંતમાં વિસ્તારથી કહી છે, આથી અહીં વિસ્તારવામાં આવતી નથી. હવે પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરવા દ્વારા દિષ્ટાંતને બતાવતા ગ્રંથકાર કહે છે
ता जइ मणोरहाणवि, अगोयरं उत्तमं फलं महसि ।। ता धणमित्तो व्व दढं, धम्मे च्चिय आयरं कुणसु ॥ ४७२॥
જો તું મનોરથોના પણ વિષય ન બનેલા (=નહિ ચિંતવેલા પણ) ઉત્તમ ફળને ઇચ્છે છે તો ધનમિત્રની જેમ ધર્મમાં જ દઢ આદર કર. વિશેષાર્થ– આ ગાથાનો અક્ષરાર્થ સુગમ જ છે. કથાનક તો કહેવાય છે
ધનમિત્રનું દૃષ્ટાંત આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિશ્વમાં વિખ્યાત તથા ઘણી ઋદ્ધિ અને ગુણોથી યુક્ત એવું વિનયપુર નામનું નગર છે. ત્યાં વસુ નામનો શેઠ છે. તેનાં રત્નો જોઇને રોહણપર્વતનું અને સમુદ્રનું રત્નાકરપણું નાનું જણાય છે, અર્થાત્ શેઠની પાસે રહેલા રત્નસમૂહને જોઇને રોહણ પર્વતનો અને સમુદ્રનો રત્નસમૂહ નાનો-ઓછો જણાય છે. તેની ભદ્રા નામની પત્નીથી સેંકડો મનોરથોથી પુત્ર થયો. અવસરે તેનું ધનમિત્ર એવું નામ કર્યું. પછી તેના માતા-પિતા અવસાન પામ્યા. તે બાળક હોવા છતાં તેના પાપોદયના કારણે તેનો સઘળો ય વૈભવ જતો રહ્યો. દુઃખથી મોટા થતા એવા તેનો સ્વજનોએ પણ ત્યાગ કર્યો. ધનરહિત હોવાના કારણે અન્યલોક પણ તેને અવજ્ઞાથી જુએ છે. લગ્ન કરવા માટે તેને કોઈ કન્યા આપતું નથી. તેથી દુઃખી થયેલો તે લજ્જાના કારણે નગરમાંથી નીકળીને એકદિશા તરફ ચાલ્યો. પછી ક્રમે કરીને તે એક મોટી અટવામાં આવ્યો. ધનને મેળવવાના લાખો વિકલ્પોને કરતો તે કયાંક મોટા વૃક્ષની છાયામાં બેઠો. ત્યાં ખેદ પામેલો અને ધનની પ્રાપ્તિમાં વ્યાકુલ બનેલો તે જેટલામાં દિશાઓનું નિરીક્ષણ કરે છે તેટલામાં પલાશ વૃક્ષની શાખામાં અંકુરો ( ફણગો) નીકળેલો જુએ છે. તેણે ખનનવાદ વિષે પૂર્વે જે સાંભળ્યું હતું તે યાદ કરે છે. તે આ પ્રમાણે- ખીર (=દૂધ) વિનાના વૃક્ષમાં જો અંકુરો દેખાય તો તેની નીચે કંઇપણ નિધાન છે એમ તું જાણ. તેમાં પણ બિલાના અને પલાશના વૃક્ષની નીચે અવશ્ય નિધાન હોય. જો અંકુરો સ્થૂલ હોય તો નિધાનમાં ઘણું દ્રવ્ય છે તેમ તું જાણ. જો અંકુરો સૂક્ષ્મ હોય તો નિધાનમાં થોડુંક જ ધનસમૂહ છે તેમ તું જાણ. જો તે અંકુરો રત્નના કિરણોની જેમ પ્રજવલિત થતો હોય તો ઘણા ધનવાળું દ્રવ્ય(=નિધાન) જાણ. જો ઉષ્ણસૂર્યના સંગથી રત્નનાં કિરણોની જેમ પ્રજ્વલિત થતો હોય તો નિધાનમાં અલ્પ જ ધનસમૂહ જાણ. જો અંકુરમાં રાતું ડીટું નીકળ્યું હોય તો નિધાનમાં રત્નો છે તેમ તું જાણ.