________________
પરિજ્ઞાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંલેખનાનો વિધિ-૬૯૯ ઉત્પન્ન થાય. ગણમાં અતિપરિચય થઈ ગયો હોવાથી (કેટલાક સાધુઓ) તેવા પ્રકારની આજ્ઞાનું પાલન ન પણ કરે. પરગણમાં તો આગંતુક હોવાથી પ્રાયઃ આજ્ઞાનું પાલન કરે. ઇત્યાદિ કારણસમૂહ શાસ્ત્રરૂપ સાગરમાંથી જાણી લેવો.
૩. શ્રેણિ- શ્રેણિ દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારની છે. તેમાં દ્રવ્યથી શ્રેણિ પણ અધોગતિ હેતુ અને ઊર્ધ્વગતિ હેતુ એમ બે પ્રકારની છે. તેમાં ભોંયરા વગેરેમાં પ્રવેશ કરવા માટે લાકડા(વગેરેની) નીસરણી દ્રવ્યઅધોગતિ હેતુ શ્રેણિ છે. માળ વગેરે ઉપર ચઢવા માટે લાકડા(વગેરે)ની નીસરણી દ્રવ્ય ઊર્ધ્વગતિ હેતુ શ્રેણિ છે. ભાવથી શ્રેણિ પણ બે પ્રકારની છે. તે આ પ્રમાણે એક નરક વગેરે અધોગતિનું કારણ એવી અપ્રશસ્ત અધ્યવસાયોની શ્રેણિ અને બીજી સ્વર્ગ વગેરે ઊર્ધ્વગતિનું કારણ એવી પ્રશસ્ત અધ્યવસાયોની શ્રેણિ. તેમાં મુમુક્ષુઓએ સદાય પ્રશસ્ત અધ્યવસાયની પરંપરારૂપ ભાવશ્રેણિનો જ સ્વીકાર કરવો જોઈએ. અંતિમ આરાધના સમયે તો વિશેષથી જ આવી ભાવશ્રેણિનો સ્વીકાર કરવો જોઈએ. આથી અહીં શ્રેણિદ્વારનો ઉલ્લેખ કર્યો છે.
૪. સંલેખના- સંલેખના એટલે શરીર વગેરેને પાતળું કરવું. સંલેખના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારની છે. છમાસની સંલેખના જઘન્ય, એક વર્ષની મધ્યમ અને બાર વર્ષની ઉત્કૃષ્ટ છે. બાર વર્ષની સંખના આ પ્રમાણે છે– (૧) પહેલા ચાર વર્ષ સુધી ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ અને ચાર ઉપવાસ વગેરે તપ કરે. પારણામાં વિગઈ લે કે ન પણ લે. એટલે તેમાં વિગઇનો નિયમ નથી. (૨) બીજા ચાર વર્ષ તે જ પ્રમાણે વિવિધ જ તપ કરે. પારણામાં તો સર્વથા વિગઈનો ત્યાગ કરીને સ્નિગ્ધ ન હોય તેવો આહાર વાપરે. (૩) બીજા બે વર્ષ સુધી એકાંતરે આયંબિલ કરે, એટલે કે એક ઉપવાસ કરીને આયંબિલથી પારણું કરે, ફરી ઉપવાસ કરીને આયંબિલથી જ પારણું કરે. (૪) અગિયારમાં વર્ષો પહેલા છમાસ સુધી અતિવિકૃષ્ટ (=અતિગાઢ) તપ ન કરે, અર્થાત્ ઉપવાસ કે છઠ્ઠ કરે, પણ અટ્ટમ વગેરે ન કરે, પારણે તો (પરિમિત=) કંઈક ઊણોદરી કરવાપૂર્વક આયંબિલ કરે, (૫) પછીના છમાસ સુધી વિકૃષ્ટતપ કરે, એટલે કે અટ્ટમ, ચાર ઉપવાસ વગેરે તપ કરે. પારણે તો ઊણોદરી વિના આયંબિલ કરે, અર્થાત્ પેટ ભરીને વાપરે, (૬) બારમા વર્ષે કોટિસહિત તપ કરે, અર્થાત્ દરરોજ આયંબિલ કરે.
બારમા વર્ષે ઉપવાસ કરીને આયંબિલથી પારણું કરે, ફરી ઉપવાસ કરીને આયંબલિથી પારણું ઇત્યાદિ પણ મતાંતરો છે.
બારમા વર્ષે ભોજન કરતા તે મહાત્મા દરરોજ અધિક અધિક ઊણોદરી તેવી રીતે કરે કે જેથી છેલ્લે એક કોળિયા જેટલો આહાર કરે. તેમાંથી પણ એક-બે વગેરે દાણા જેટલો આહાર દરરોજ ઘટાડતા જાય, કે જેથી છેલ્લે કેવળ એક જ દાણા જેટલો આહાર કરે.