________________
૬૯૬-પરિજ્ઞાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમાધિમરણની દુર્લભતા
પરિજ્ઞાનહાર
હવે પરિજ્ઞાન' દ્વાર કહેવાય છે. તેમાં પરિજ્ઞાન એટલે પરિજ્ઞા. પરિજ્ઞા જ્ઞાનથી અને ફલથી એમ બે પ્રકારે છે. તેમાં વસ્તુઓના હેયપણાનું અને ઉપાદેયપણાનું (આ વસ્તુ હેય છે અને આ વસ્તુ ઉપાદેય છે એમ વસ્તુઓના હેયપણાનું અને ઉપાદેયપણાનું) જ્ઞાન તે જ્ઞાનથી પરિજ્ઞા છે. વિરતિની આરાધના તે ફલથી પરિજ્ઞા છે. કેમ કે “જ્ઞાનનું ફલ વિરતિ છે” એવું વચન છે. વિરતિની આરાધના પણ પર્યાયના પાલનકાળે થનારી અને અંત સમયે થનારી એમ બે પ્રકારે છે. તેમાં અંત સમયની આરાધનાને આશ્રયીને પૂર્વોક્ત ગ્રંથની સાથે સંબંધવાળા ઉપદેશને કહે છે
इय सव्वगुणविसुद्धं, दीहं परिवालिऊण परियायं । तत्तो कुणंति धीरा, अंते आराहणं जम्हा ॥ ४७३॥
આ પ્રમાણે સર્વગુણોથી વિશુદ્ધ એવા દીક્ષા પર્યાયને ઘણા કાળ સુધી પાળ્યા પછી ધીરપુરુષો અંતે આરાધનાને કરે છે.
વિશેષાર્થ- પૂર્વોક્ત પ્રકારના ધર્મસ્થિરતા સુધીના સઘળાય ગુણોથી વિશુદ્ધ એવા દીક્ષાપર્યાયને ઘણા કાળ સુધી પાળ્યા પછી હવે મારું મરણ નજીકમાં છે એમ જાણીને અંતસમયે મહાસત્ત્વવંત તીર્થકરો અને ગણધરો વગેરે સંલેખનાપૂર્વક પાદપપગમન આદિ રૂપ આરાધનાને કરે છે. આથી ધર્મસ્થિરતા સુધીના લારોને કહીને તેમના અંતે પરિજ્ઞાનદ્વારનું કથન કર્યું છે.
ધીરપુરુષો અંતે આરાધના શા માટે કરે છે તેના જવાબમાં અહીં કહે છે- કારણ કે આગમમાં આ (નીચેની ગાથામાં કહેવાશે તે) કહ્યું છે. [૪૭૩]
આગમમાં શું કહ્યું છે તે કહે છેसुचिरंपि तवो तवियं, चिन्नं चरणं सुयं च बहु पढियं । अंते विराहयन्ता, अणंतसंसारिणो भणिया ॥ ४७४॥
લાંબા કાળ સુધી તપ કર્યો હોય, ચારિત્ર પાળ્યું હોય, ઘણું શ્રુત ભર્યું હોય, આમ છતાં અંતસમયે વિરાધના કરનારાઓને આગમમાં અનંતસંસારી કહ્યા છે. [૪૭૪]