________________
૪૪૨-ચરણશુદ્ધિ દ્વાર]. ઉપદેશમાલા (પુષ્પમાલા) [સંપ્રતિરાજાનું દાંત
ને પરિપૂર્ણ ચારિત્રથી રાજ્યાદિ સમૃદ્ધિની પ્રાપ્તિ દૂર રહો, અવ્યક્ત સામાયિકરૂપ એક દિવસ થનારા પણ ચારિત્રથી પરલોકમાં રાજ્યાદિ સમૃદ્ધિ પ્રાપ્ત કરાય જ છે એ વિષયને કહે છે
अव्वत्तेणवि सामाइएण, तह एगदिणपवनेण । संपइराया रिद्धिं, पत्तो किं पुण समग्गेण? ॥ २५५॥
અવ્યક્ત અને એક દિવસ સ્વીકારેલા પણ સામાયિકથી સંપ્રતિરાજા ઋદ્ધિને પામ્યો, તો પછી સંપૂર્ણ ચારિત્રથી ઋદ્ધિ પામે એમાં શું કહેવું? વિશેષાર્થ- ભાવાર્થ કથાનકથી કહેવાય છે
સંપ્રતિરાજાનું દૃષ્ટાંત કોસાંબી નામની નગરી છે, કે જે નગરી મુનિગુણોથી પવિત્ર થયેલી હોવાના કારણે પોતાને સતત દેવોથી યુક્ત ઇદ્રનગરીથી પણ મહાન જ માને છે. હવે એકવાર ભયંકર દુકાળ પ્રવર્યો ત્યારે વિહાર કરતા મહાત્મા શ્રી આર્યસુહસ્તિસૂરિવર તે નગરીમાં પધાર્યા. હવે એક દિવસ ભિક્ષા માટે ભમતા તેમના સાધુઓ કોઇપણ રીતે બહુઋદ્ધિવંત સાર્થવાહના ઘરમાં ગયા. તેણે પણ અભુત્થાન કરીને પરિવારસહિત ભક્તિથી અતિશય ઘણી ખાદ્ય-પેય વસ્તુઓથી સાધુઓને પ્રતિલાવ્યા, અર્થાત્ ખાવા લાયક અને પીવા લાયક વસ્તુઓ વહોરાવી. દરવાજા પાસે રહેલા એક રંકપુરુષે આ જોયું. સાધુના પ્રસંગથી તેને અનિષ્ટ કંઈક ભિક્ષા મળી. આથી તેણે વિચાર્યું અહો! જો, ભિક્ષાજીવન તુલ્ય હોવા છતાં એકાંતે નિઃસ્પૃહ અને સિંહવૃત્તિથી ભમતા એમને લોક સેંકડો પ્રાર્થનાઓ કરીને ભક્તિથી સ્નિગ્ધ અને મધુર દ્રવ્યો આપે છે. પણ પાપી એવા મને દરેક ઘરે દીન બનીને પ્રાર્થના કરવા છતાં અપ્રિય અને રૂક્ષ આહાર એક કોળિયા જેટલો પણ અવજ્ઞાથી પણ કોઈ આપતું નથી, કેવળ આક્રોશ કરે છે. તેથી આ સાધુઓએ (પૂર્વે) સારું કાર્ય કર્યું છે. સ્નિગ્ધ ભિક્ષામાંથી હું કંઈક માગું એમ વિચારીને તેણે સાધુઓની પાસે ભિક્ષા માગી. સાધુઓએ કહ્યું. આ ભિક્ષાના અને સ્વામી નથી. આ વિષે ગુરુજન જાણે. સાધુઓએ આ પ્રમાણે કહ્યું એટલે તે સાધુઓની પાછળ લાગ્યો અને ગુરુની પાસે ગયો. ગુરુની પાસે તેણે ભિક્ષા માગી એટલે સાધુઓએ આમ કહ્યું: આણે અમારી પાસે પણ ભિક્ષા માગી હતી. સાધુઓએ આમ કહ્યું એટલે ગુરુએ શ્રુતજ્ઞાનથી ઉપયોગ મૂક્યો. આ શાસનપ્રભાવનાનું કારણ બનશે એમ જાણીને તેને કહ્યું: અમે તને સારું ભોજન આપીએ, પણ તું દીક્ષા લે. તેણે સ્વીકાર્યું એટલે આર્યસુહસ્તિસૂરિએ તેને દીક્ષા આપી, અવ્યક્ત સામાયિક આપ્યું. પછી ભોજન કરાવ્યું. તેણે પણ સ્નિગ્ધ-મધુર દ્રવ્યો તૃપ્ત થયા વિના વધારે ખાધા. વિસૂચિકા (=પેટ પીડા) થઇ. તે વેદનાથી તે કાલ પામ્યો.