________________
ભાવશલ્યના વિપાકમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ઇલાપુત્રનું દૃષ્ટાંત-પ૬૯ પહેર્યો છે. ઉત્તમગતિ કરતી વખતે હાલતા સ્તનરૂપ પટ્ટ ઉપર હાર હાલી રહ્યો છે. સંભ્રમના કારણે લલાટ ઉપરથી વસ્ત્ર અર્થે ખસવાના કારણે લલાટ ઉપર રહેલું તિલક કંઈક પ્રગટ થયું છે. આવી સુંદરીઓ ભેગી મળીને સાધુઓને ભક્તિથી વહોરાવતી તેણે જોઈ. તે મુનિઓ શુદ્ધ ભિક્ષાની તપાસ કરવામાં ઉપયોગવાળા છે. ઉપશાંત ઈદ્રિયોવાળા, પ્રસન્ન, વિકારથી લેશ પણ નહિ સ્પર્શાવેલા છે.
(આ જોઇને) સંવેગને પામેલો ઈલાપુત્ર આ પ્રમાણે વિચારે છે– અહો! જીવલોકમાં મોહના વિલાસને જો. જેથી કરીને હું ગુણયુક્ત અને સમૃદ્ધકુળમાં ઉત્પન્ન થયો હોવા છતાં અને અનુરૂપ ઘણી કન્યાઓ પ્રાર્થના કરતી હોવા છતાં, (૫૦) તેનામાં અનુરાગી બન્યો કે જેનો સંગ કરવાના મનોરથોથી પણ આ ભવસંબંધી અને પરભવસંબંધી સર્વ અનર્થો પ્રાપ્ત થાય છે. અકાર્યમાં તત્પર અને અજ્ઞાનથી અંધ બનેલા જે મેં માતા-પિતા વગેરેને પણ અગણિત દુઃખ આપ્યું, તે મારું મુખ કોણ જુવે? મેં મિત્રવચનને ગણકાર્યું નહિ, પોતાની પણ લઘુતા વિચારી નહિ, લોકાપવાદનો ભય ન કર્યો, કુલના કલંકની શંકા ન કરી. પાણીના પ્રવાહની જેમ નીચે જનારા મેં સર્વથા ન કરવા યોગ્ય આ કર્યું. અહીં રાજા મારું પણ અહિત કરનારો થયો. મોટા રાજાઓની અનેક પુત્રીઓને પરણીને તેમની સાથે વિષયસુખોને ભોગવતો આ રાજા સંતોષ ન પામ્યો, અને હમણાં અસ્પૃશ્ય આ નટી ઉપર અનુરાગ ધારણ કરે છે કે જેથી તે જલદી જ રાજ્યથી ભ્રષ્ટ બને અને અકીર્તિને પામે. અથવા જે સાધુઓએ શૃંગારયુક્ત સ્ત્રીઓ જોવામાં આવી હોવા છતાં વિકારના અંશને પણ દૂર કર્યો છે, જેમણે પાપોને શાંત કર્યા છે ત્યજી દીધા છે, જેઓ ક્ષમાશીલ, મન-ઇન્દ્રિયોનું દમન કરનારા અને પ્રશાંત-મનવાળા છે, તે સાધુઓને છોડીને, મોહરાજાથી લાલન કરાયેલ બીજો કોઈ જીવ સંપૂર્ણ વિશ્વમાં વિષયોની કામનાથી રહિત નથી. તેથી આ સાધુઓ જ ધન્ય છે કે જેઓ આ પ્રમાણે વજસમાન નિર્મલવ્રતને ધારણ કરે છે. તે સાધુઓ જે માર્ગમાં રહેલા છે તે માર્ગ મારે પણ પ્રમાણ છે. આ પ્રમાણે ભાવના ભાવતા તેનાં પાપ કર્મો ક્રમશ: હટવા લાગ્યા, ક્રમશ: તે વિશુદ્ધ બનતો ગયો, અને તેને ચારિત્ર પરિણમ્યું. તેના મોહનો ક્ષય થયો. જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયનો ક્ષય થયો. જેમાં લોક-અલોક પ્રગટ દેખાય તેવું કેવલજ્ઞાન પ્રગટ થયું.
નટપુત્રી પણ રાજાના તેવા મનોગત ભાવને જાણીને આ પ્રમાણે વિચારે છે-મારા રૂપ, યૌવનને અને જન્મને ધિક્કાર થાઓ, કે જેના કારણે એકે પોતાના કુલની સઘળીય મર્યાદાઓ છોડી, અને બીજો આ રાજા મારા કારણે તે કંઈપણ કરવાની ઇચ્છા રાખે છે કે જે કહી પણ ન શકાય. તેથી સ્થિરમતિથી વિચારાતો સઘળો સંસાર સર્વ અનર્થોનું ઘર છે. આ પ્રમાણે ભાવના ભાવતી તેને પૂર્વોક્ત પ્રમાણે જ ઘાતકર્મોનો ક્ષય થતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું.