________________
૫૭૦-ભાવશલ્યના વિપાકમાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ઇલાપુત્રનું દૃષ્ટાંત
આ તરફ રાજાની પટ્ટરાણી પણ નટનૃત્ય જોવા માટે રાજાની પાસે બેઠેલી હતી. તે પણ દૃષ્ટિવિકાર આદિથી રાજાના ભાવને જાણીને આ પ્રમાણે વિચારે છે- અહો જો કામથી ચંચળ કરાયેલ મનવાળા મોટાઓની પણ મૂઢબુદ્ધિ અતિશય વિરુદ્ધને પણ જાણતી નથી. અન્યથા ક્યાં આ રાજા અને ક્યાં આ નટપુત્રી? નજીકમાં રહેલા અમને ગણકાર્યા વિના ક્યાં આ ચિંતન? તેથી સંસાર વિડંબનાફલવાળો અને આવી અવસ્થાવાળો હોવા છતાં હજીપણ વિષયો પ્રત્યે આસક્તિ કરવી એ મહામોહ છે. આવી ભાવના ઉત્કૃષ્ટ બનતાં રાણીએ પણ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
રાજા પણ લોકવિચારને જાણીને આ પ્રમાણે વિચારે છે– અમારું પ્રભુત્વ હણાયું, અમારું વિવેક માહાત્મ્ય હણાયું, કારણ કે અમે આ પ્રમાણે લોકવિરુદ્ધ પણ અકાર્યોને ઇચ્છીએ છીએ. જેવી રીતે સમુદ્રને પાણીથી પૂરવાનું અશક્ય છે, અગ્નિને કાષ્ઠોથી સંતોષ પમાડવાનું અશકય છે, તેવી રીતે આ આત્માને સઘળાય વિષયસુખોથી તૃપ્ત કરવાનું અશક્ય છે. ઇલાપુત્ર કુલનો ત્યાગ કરીને નટપુત્રી પ્રત્યે અનુરાગવાળો થયો, પછી ધનની તૃષ્ણાવાળો થઇને મારી પાસે આવ્યો, અને મેં આવું કર્યું. તેથી વધારે કહેવાથી શું? બુદ્ધિશાળી કોણ આ સંસારરૂપ કેદખાનામાં રહે? કે જ્યાં અમારી પણ બુદ્ધિ અસ્થાને સ્ખલના પામે છે. ઇત્યાદિ ભાવનાથી રાજાને પણ ક્રમે કરીને ચારિત્રની પ્રાપ્તિ થઇ ક્ષપકશ્રેણિ થઇ અને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. (૭૫)
પછી કેવલજ્ઞાની ઇલાપુત્રે પોતાને રીતે પત્ની પ્રત્યે અનુરાગ થયો, અને આલોચના નહિ કરાયેલો એ અનુરાગ જે રીતે દુઃખ આપનારો થયો તથા પત્નીના આલોચન-પ્રતિક્રમણ નહિ કરાયેલો જાતિમદ જે રીતે નીચકુલમાં જન્મનો હેતુ બન્યો, તે બધું લોકને કહ્યું. ઘણા લોકોને પ્રતિબોધીને અને બાકીના કર્મોને ખપાવીને ચારેય જેમાં અનંતસુખ છે તેવા મોક્ષમાં ગયા. [૩૬૭]
આ પ્રમાણે વણિકપુત્ર ઇલાપુત્રનું દૃષ્ટાંત પૂર્ણ થયું.
હવે જો લજ્જા આદિથી પોતાનું દુચરિત્ર ગુરુને ન કહે તો તેમાં થતા દોષને કહે છે–
लज्जाए गारवेण य, बहुस्सुयमएण वावि दुच्चरियं ।
जे न कहंति गुरूणं, न हु ते आराहगा हुंति ॥ ३६८ ॥
જેઓ લજ્જાથી, અભિમાનથી કે બહુશ્રુતના મદથી પોતાનું દુશ્મરિત્ર ગુરુને ન કહે તેઓ આરાધક બનતા નથી. [૩૬૮]