________________
સાધુ ધર્મ માટે અસમર્થનો] ઉપદેશમાલા (પુષ્પમાલા) [શ્રાવકધર્મ વિના જન્મ નિષ્ફળ-૬૮૫ તે બધા ય દાન આપીને, શીલનું સંરક્ષણ કરીને, તપ તપીને, અંતે એકમાસનું અનશન કરીને, પોતપોતાના આયુષ્યની સમાપ્તિ થતાં કાળ કરીને, જિનપૂજાના પ્રભાવથી એક સાતમા દેવલોકમાં જ સત્તર સાગરોપમ આયુષ્યવાળા અને સાથે રહેનારા દેવ થયા. ત્યાં આ પ્રમાણે વિશ્વને આનંદ ઉત્પન્ન કરનારા રૂપ-ગંધ-આકૃતિ આદિ ગુણસમૂહને પામ્યા. પછી અવધિજ્ઞાનથી પૂર્વના વૃત્તાંતને જાણીને અમને વંદન કરવા માટે અહીં આવ્યા. આયુષ્યનો ક્ષય થતાં અહીંથી Aવીને પૂર્વોક્ત પ્રમાણે સિદ્ધ થશે. આ પ્રમાણે જિનપૂજાના અનુપમ પ્રભાવને સાંભળીને અને જોઇને ચક્રવર્તી વગેરે ઘણા લોકો વિવિધ રીતે પૂજાસંબંધી અભિગ્રહો યત્નથી લે છે, પરમશ્રદ્ધાથી યુક્ત બનીને પાળે છે અને પરમફલને પામે છે.
આ પ્રમાણે પૂજાફલનું દૃષ્ટાંત પૂર્ણ થયું. પ્રશ્ન- અહીં ધન નામના શેઠનો મોટો પુત્ર પુષ્પપૂજામાં ઉદાહરણ સ્વરૂપ હોવા છતાં પૂર્વે પુષ્પોમાં જ પોપટયુગલનું દૃષ્ટાંત કેમ કહ્યું?
ઉત્તર– તેવા પ્રકારના વિશિષ્ટ વિવેકથી અને ધનસમૃદ્ધિ આદિ સામગ્રીથી રહિત તિર્યંચોના બોધ માટે પુષ્પોમાં પોપટ-યુગલનું દૃષ્ટાંત કહ્યું છે, અર્થાત્ વિશિષ્ટ વિવેકથી અને વિશિષ્ટ પૂજા સામગ્રીથી રહિત તિર્યંચો પણ પૂજાના પ્રભાવથી સ્વર્ગાદિ સુખને પામે છે એ જણાવવા માટે પુષ્પોમાં પોપટયુગલનું દૃષ્ટાંત કહ્યું છે.
પ્રશ્ન- ગાથામાં પુષ્પપૂજામાં પોપટયુગલનું દૃષ્ટાંત સૂચવ્યું છે અને ધનનું દૃષ્ટાંત લીધું નથી. છતાં ટીકામાં પુષ્પો વિષે ધનનું ઉદાહરણ કેમ કહ્યું?
ઉત્તર- પ્રસ્તુત કથાના પાત્ર આઠ બંધુઓ છે. એથી જો ધનનો ઉલ્લેખ ન કરવામાં આવે તો કથા અપૂર્ણ ગણાય. કથામાં અપૂર્ણતા ન રહે એ માટે ધનનું દૃષ્ટાંત કહ્યું છે એમ જાણવું. [૪૬૩]
હવે જિને કહેલી દીક્ષાને પાળવા માટે અસમર્થ ગૃહસ્થ જો જિનપૂજા કરવી વગેરે દ્વારા શ્રાવકપણાને પણ ન આરાધે તો તે જન્મને હારી ગયો છે એમ જણાવવા માટે ગ્રંથકાર કહે છે
अन्नो मोक्खम्मि जओ, नत्थि उवाओ जिणेहिं निद्दिट्ठो । तम्हा दुहओ चुक्का, चुक्का सव्वाणवि गईणं ॥ ४६४॥
તેથી વિશિષ્ટ સાધુધર્મ અને શ્રાવકધર્મ એ બે પ્રકારોથી જેઓ ભ્રષ્ટ થયા છે તેઓને ધર્મના બધા ય પ્રકારોથી ભ્રષ્ટ થયેલા જ જાણવા. કારણ કે જિનોએ વિશિષ્ટ સાધુધર્મ અને શ્રાવકધર્મ એ બે સિવાય બીજો કોઇપણ મોક્ષનો ઉપાય કહ્યો નથી. [૪૬૪] .