________________
પ૭૪-આલોચના દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [આલોચનાથી થતા લાભો
પ્રશ્ન- આલોચના કરવાથી કયો જીવ મોક્ષમાં ગયો છે?
ઉત્તર- આલોચના કરવાથી અનંતા જીવો મોક્ષમાં ગયા છે. જો કોઈ એક જીવ આલોચના કરવાથી મોક્ષમાં ગયો હોય તો અમે તેને વિશેષથી જણાવીએ. પણ જે કોઈ જીવો સિદ્ધ થયા છે તે બધાય આલોચનપ્રતિક્રમણ કરીને જ સિદ્ધ થયા છે. તે જીવો અનાદિકાળથી સિદ્ધ થતા રહેતા હોવાથી અનંતા જ સિદ્ધ થયા છે. આ જ વિષયને ગ્રંથકાર કહે છે
निट्ठवियपावपंका, सम्मं आलोइउं गुरुसयासे । पत्ता अणंतजीवा, सासयसोक्खं अणाबाहं ॥ ३७६ ॥
ગુરુની સમક્ષ સમ્યક્ આલોચના કરીને જેના પાપરૂપ કાદવનો સર્વથા નાશ થઈ ગયો છે તેવા અનંતા જીવો દુઃખથી રહિત શાશ્વત સુખને પામ્યા છે. [૩૭૬]
આ જગતમાં જે પ્રાણનો નાશ થવા છતાં કોઈપણ રીતે દોષનું સેવન કર્યું નથી, અને એથી નિંદાને પામ્યો નથી તે ધન્ય છે. જે પોતે કરેલા સઘળા દોષોને સ્વીકારીને એ દોષોની (આલોચના દ્વારા) વિશુદ્ધિને કરે છે તે પણ સુગતિમાં જનારો થાય છે. [૧]
આ પ્રમાણે શ્રી હેમચંદ્રસૂરિવિરચિત ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં દોષવિકટના (= આલોચના)રૂપ પ્રતિદ્વાર પૂર્ણ થયું.
આ પ્રમાણે ઉપદેશમાલા વિવરણમાં ભાવનાદ્વારમાં આલોચનારૂપ પ્રતિદ્વારનો રાજશેખરસૂરિકૃત ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો.
리고