________________
પ૮૬-એમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભરત ચક્રવર્તીની કથા આ (અનુચિત) પણ વર્તન કરે છે, તો પણ સામર્થ્ય હોવા છતાં પણ બંધુને હણવા માટે મારાથી યુદ્ધ ન કરાય. સામર્થ્યથી યુક્ત પણ પુરુષો અપરાધી હોવા છતાં કુતરાને કરડતા નથી. મારા તે ભદ્રિક પણ બંધુઓએ યોગ્ય કર્યું. આ પ્રમાણે રસહીન સંસારમાં મારે પણ તે જ કરવું યોગ્ય છે.
આ પ્રમાણે વિચારીને બાહુબલિએ ભરતને કહ્યું: તારા પુરુષપણાને ધિક્કાર થાઓ, કે જે રાજ્યરૂપ આહારમાં લુબ્ધ બનીને પોતાની પ્રતિજ્ઞાને પણ યાદ કરતો નથી. તમારી આગળ) તું વળી કોણ છે? અન્યલોકને ઉપદ્રવ કરનારું આ ચક્ર કોણ છે? ચક્રની સાથે તને યમનો મહેમાન કરી નાખું. (તેટલી શક્તિ મારામાં છે.) પણ લોક કહેશે કે શ્રી ઋષભદેવનો પુત્ર પણ આવું વર્તન કરે છે. જીવન ચંચલ છે. યૌવન અસાર છે. કામો(=વિષયસુખો) તુચ્છ છે. તેથી બંધુઓની જેમ ક્ષણવાર બુદ્ધિમાં વિપર્યાસ કરનારું રાજ્ય તું જ ગ્રહણ કર. હું તો દીક્ષા લઉં છું. (૫૦) પછી આ મહાત્મા હાથમાંથી દંડ મૂકીને અને પંચમુષ્ટિ લોચ કરીને ત્યાં જ દીક્ષા લે છે. પછી પોતાની નિંદા કરતો ભરતરાજા પણ બાહુબલિના ચરણોમાં પડ્યો. તેને ઘણું બનાવે છે, પણ ધ્યાનમાં રહેલા બાહુબલિ બોલતા નથી. હવે બાહુબલિના પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને ભરત પોતાના સ્થાને ગયો.
બાહુબલિ લઘુબંધુઓને વંદન કરવું પડશે એવા ભયથી જિનની પાસે ન ગયા. ઘોર પરીષહસમૂહને સહન કરતા તે ત્યાં જ એક વર્ષ સુધી કાયોત્સર્ગમાં રહ્યા. દાઢી મૂછ લાંબા થઈ ગયા. સર્પોએ સંપૂર્ણ શરીરને વીંટી દીધું. વેલડીઓ અને લતાઓના સમૂહ અને ઘાસે શરીરને વીંટી દીધું તેથી પ્રભુએ બ્રાહ્મી અને સુંદરીને તેમની પાસે મોકલી. તેમણે બાહુબલિને વંદન કરીને વિનયથી કહ્યું કે ભગવાન કહે છે કે આ પ્રમાણે હાથી ઉપર આરૂઢ થયેલાઓને કેવલજ્ઞાનની ઉત્પત્તિ ન થાય. આ પ્રમાણે કહીને તે બંને જતી રહી. તર્કને કરતા બાહુબલિ તેમણે કહેલા અર્થને સમજી ગયા. તેથી અહંકારને છોડીને બંધુઓને વંદન કરવા માટે કેટલામાં ચાલ્યા તેટલામાં જ પગ ઉપાડતાં જ કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જો સંજવલન પણ અહંકારથી કેવલજ્ઞાન આટલો કાળ રોકાયું તો અન્ય (=સંજવલનથી અન્ય) વિપાકને કોણ જાણે? પછી બાહુબલિ પ્રભુની પાસે કેવલીઓની પર્ષદામાં જાય છે. ભરતરાજા પણ સિત્તોત્તેર (૭૭) લાખ પૂર્વ કુમાર અવસ્થામાં પસાર કરીને, છ લાખ પૂર્વ રાજ્ય કરીને, એકલાખ પૂર્વ દીક્ષા પાળીને, મુક્તિમાં ગયા.
તેથી ચરમશરીરી(તે જ ભવમાં મોક્ષમાં જનાર) હોવા છતાં, ઉત્તમપુરુષ હોવા છતાં, ઋષભદેવના પુત્ર હોવા છતાં, ભરતરાજા પણ રાજ્યના લોભથી બંધુઓ પ્રત્યે આવું વર્તન કરે છે, તો પછી અન્યલોકોના પ્રેમને કાર્યની અપેક્ષાએ (સ્વાર્થ માટે) જાણ. તેથી તે પ્રેમ ક્ષણવારમાં ખોટો ઠરે છે. તેથી આવા પ્રેમ વિષે શો આગ્રહ રાખવો?
આ પ્રમાણે ભરત ચક્રવર્તીનું દૃષ્ટાંત પૂર્ણ થયું.