________________
૫૮૪- પ્રેમના વિપાકમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ભરત ચક્રવર્તીની કથા પુત્રની યોગ્યતા પ્રમાણે અંગ- વંગ વગેરે બહુ સમૃદ્ધ દેશો આપ્યા. બાહુબલિને તક્ષશિલા નગરીનું અતિશય મોટું રાજ્ય આપ્યું. પછી દેવેન્દ્રો અને નરેન્દ્રોથી પૂજાયેલા ઋષભદેવે ચાર હજાર ક્ષત્રિયોની સાથે ચૈત્રવદ આઠમના દિવસે ઘણા આડંબરથી દીક્ષા લીધી. હજારવર્ષ પછી તેમને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ભરતરાજાએ ભરતક્ષેત્રને સાધીને બાહુબલિ સિવાય (અટ્ટાણું) ભાઇઓની પાસે દૂત મોકલીને બધાને કહેવડાવ્યું કે તમે બધા મને
સ્વીકારો=મારી આજ્ઞાને માનો, અથવા પૃથ્વીઓને છોડી દો. જો તમે આ સ્વીકારવા તૈયાર ન હો તો જલદી યુદ્ધ માટે તૈયાર થાઓ. આ પ્રમાણે કહેવાયેલા તેમણે પણ ભરતને પ્રત્યુત્તર આપ્યો કે, ભારતના કહેવાથી આ વિકલ્પોમાંથી એક પણ વચનને અમે નહિ કરીએ. કારણ કે પિતાએ જ અમને પૃથ્વીઓ આપી છે. તેથી ત્રિલોકનાથ તેમને જ પૂછીને પછી તેઓ જ જે આદેશ આપશે તે આદેશને અમે કરીશું.
આ પ્રમાણે કહીને બધા બંધુઓએ અષ્ટાપદપર્વત ઉપર જઈને શ્રી ઋષભનાથના ચરણોમાં અંજલિ જોડીને વિનયપૂર્વક તે સઘળો વૃત્તાંત કહ્યો. પછી તેમણે પ્રભુજીને પૂછવું છે પિતાજી! તેથી આ વિષે અમારે શું કરવા યોગ્ય છે? જેમને પરમ કરુણા ઉત્પન્ન થઈ છે એવા સ્વામીએ તેમને આ પ્રમાણે કહ્યું: હે વત્સ! તૃષાતુર બનેલો એક અંગારદાહક સ્વપ્નમાં સઘળા સમુદ્રોનું પાણી પી ગયો. તો પણ તેની તૃષા દૂર ન થઈ. આથી તે સઘળી નદીઓનું પાણી પી ગયો. તો પણ તેની તૃષા દૂર ન થઈ. પછી તે સઘળા સરોવરનું પાણી પી ગયો. પછી વાવડીકૂવા વગેરે સઘળાય જલાશયોનું પાણી પી ગયો. તો પણ તેની તૃષા દૂર ન થઈ. પછી સ્વપ્નમાં જ જલાશયોને જોતો તે વિશ્વમાં ભમે છે. પછી તેણે જંગલમાં ક્યાંક એક ઊંડો કૂવો જોયો. તેના તળિયામાં અતિશય અલ્પ કંઈક પાણી હતું. હવે તેણે ઘાસના એક પૂળાને દોરીથી બાંધીને કૂવામાં નાખ્યો. પછી કષ્ટથી તે પૂળાને ખેંચીને જેટલામાં કૂવાના કાંઠે લઈ આવ્યો તેટલામાં તેમાંથી સઘળુંય પાણી ગળી ગયું. પછી પ્રયત્નપૂર્વક એ પૂળાને દબાવીને પાણીના બિંદુઓને મોઢામાં નાખે છે. હે વત્સ! જે પૂર્વે સઘળા જલાશયોનું પાણી પી ગયો, તો પણ તૃપ્ત ન થયો તે અલ્પ તે જલબિંદુઓથી કેવી રીતે તૃપ્ત થશે?
એ પ્રમાણે ભવસાગરમાં દેવભવ આદિમાં ભમતા તમોએ પણ અનંતભોગો ભોગવ્યા. તો પણ જો કોઈપણ રીતે તૃપ્તિને પામ્યા નહિ, તો બીજાની સેવા કરીને અથવા બંધુની સાથે યુદ્ધ કરીને તમને અલ્પકામભોગોથી સંતોષ કેવી રીતે થશે? હે વત્સ! જો રાજ્યને પાળવાથી કોઈ લાભ થતો હોય તો મેં સ્વાધીન પણ રાજ્યને કેમ છોડ્યું? જીવન વસ્ત્રના છેડા જેવું ચંચલ છે. યૌવન પણ ત્રણ દિવસમાં નાશ પામે છે. ભવસમૂહમાં ભમતા જીવોને જિનધર્મની સામગ્રી દુર્લભ છે. કોઈપણ રીતે એ સામગ્રીને મેળવીને તુચ્છ ભોગો માટે એ સામગ્રીને કોણ હારી જાય? તમે ઘરમાં રહેશો તો મનુષ્યના રાજાને પણ પ્રણામ કરશો.