________________
૫૪૬-ગુરુકુલવાસ ત્યાગમાં] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ગુરુકુલવાસ ત્યાગમાં દોષો
उज्झिअगुरुकुलवासो, एक्को सेवइ अकजमविसंको । ता कूलवालओ इव भट्ठवओ भमइ भवगहणे ॥ ३४८॥
ગુરુકુલવાસનો ત્યાગ કરનાર સાધુ એકલો થઇને નિઃશંકપણે અકાર્યને સેવે છે. તેથી કૂલવાલક મુનિની જેમ વ્રતોથી ભષ્ટ થઈને ભવરૂપ ગહનવનમાં ભમે છે.
વિશેષાર્થ– ગુરુકુલવાસનો ત્યાગ કર્યો છતે અન્યની શંકાથી રહિત બનેલો એકલો સાધુ જેનાથી સર્વવ્રતોનો નાશ થાય તેવું અકાર્ય કરે છે અને મરણાંત પણ વિનાશને પામે છે, અર્થાત્ એવી આપત્તિ આવે છે કે જેથી તેનું મરણ થાય. કહ્યું છે કે- “જેમ સાગરમાં સાગરના ક્ષોભને સહન નહિ કરનારા સુખાભિલાષી મસ્યો સમુદ્રમાંથી બહાર નીકળી જાય છે, અને નીકળતાં જ મરી જાય છે. તે રીતે ગચ્છરૂપ સમુદ્રમાં સારણાદિરૂપ તરંગોથી ઘેરાયેલા સુખાભિલાષી મસ્યો જેવા સાધુઓ ગચ્છરૂપ સમુદ્રમાંથી નીકળી જાય છે, અને વિનાશ પામે છે સંયમથી ભ્રષ્ટ થાય છે.” (ઓ. નિ.ગા.૧૧૭-૧૧૮) “એકલા ભિક્ષા જનારને સ્ત્રી, શ્વાન, શત્રુ, ભિક્ષાવિશુદ્ધિ અને મહાવ્રત સંબંધી દોષો લાગે છે. માટે બીજાની સાથે ભિક્ષાએ જવું જોઈએ.” (પંચાશક ૧૧-૩૧)
પ્રશ્ન- એકલાને સર્વમહાવ્રતોનો નાશ કેવી રીતે સંભવે ?
ઉત્તર- એકી સાથે ત્રણ ઘરોમાંથી ભિક્ષા વહોરાવવા આવે ત્યારે બે સાધુઓ સુખપૂર્વક જ ભિક્ષાની શુદ્ધિ કરી શકે છે= દોષ લાગે છે કે નહિ તે જોઈ શકે છે. એકલો તે કરવા માટે સમર્થ ન બને. આથી તે ભિક્ષાને લેવામાં તેમણે કરેલા જીવવિનાશની અનુજ્ઞાથી સાધુ જીવવધમાં પ્રવર્તે છે. એકલો મંત્રવાદ વગેરે નિઃશંકપણે કરે. તેમાં બીજા મૃષાવાદદ્ગતનો નાશ થાય. ઘરોમાં ગૃહસ્થોની (સોનાની) સાંકળી અને વીંટી વગેરે છૂટું છૂટું પડ્યું હોય, હમણાં કોઈ છે નહિ એમ જોઇને એકલો સાધુ તેને પણ લે. ચોરી થવાથી ત્રીજાવ્રતનો નાશ થાય. વિધવા, જેનો પતિ પરદેશ ગયો છે તેવી સ્ત્રી, જે સ્ત્રીને બહાર જવા ન દે=ઘર આદિમાં જ રાખે તેવી સ્ત્રી, આ ત્રણ પ્રકારની સ્ત્રીઓમાંથી કોઈ સ્ત્રી સાધુને ઘરમાં એકલો આવેલો જોઇને બારણું બંધ કરી દે, અને વિષયસેવનની માગણી કરે. આ વખતે જો સાધુ વિષયસેવન કરે તો તેના ચોથા વ્રતનો ભંગ થાય અને શાસનની હીલના થાય. અનેષણીય(=દોષિત) આહાર લેવામાં મૂર્છા વગેરે થવાનો સંભવ છે. આથી પાંચમા વ્રતનો નાશ થાય. ભિક્ષાચર્યા માટે ગયેલાને આ વ્રતનાશ કહ્યો. આ ઉપલક્ષણ છે. કારણ કે એકલાને ઉપાશ્રય વગેરેમાં પણ વ્રતનાશ સંભવે છે.
તથા ગીતાર્થની નિશ્રાથી રહિત ઘણા પણ અગીતાર્થ સાધુઓ એકલા જ છે. કહ્યું છે કે-“જિનેશ્વરોએ એક ગીતાર્થ વિહાર અને બીજો ગીતાર્થનિશ્રિત વિહાર એમ બે વિહાર કહ્યા છે. આ બેથી ત્રીજા વિહારની અનુજ્ઞા આપી નથી.”