________________
ગુરુકુલવાસ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
ગુરુકુલવાસ ત્યાગમાં દોષો-૫૪૫ પણ જેનું મુખ જોવા લાયક નથી એવા પાપી મારો આવો વિનય હજી પણ આ મહાત્મા પણ કેવી રીતે કરે? (છતાં કરે છે.) અથવા લોકમાં અધમ અને ઉત્તમસ્થિતિ હદ વિનાની હોય છે. વળી બીજું જે દ્રવ્ય આ લોક અને પરલોકથી વિરુદ્ધ હોય અને આસક્તિનું મહાકારણ હોય તે દ્રવ્યનો અમારા શાસ્ત્રમાં ગ્લાનના કાર્યમાં પણ નિષેધ છે. આ પણ મૂઢ હૃદયવાળા કોઇપણ રીતે પહેલાં વિચાર્યું નહિ. છતાં પણ હજીપણ નિષ્કારણબંધુ એવા આ શિષ્યથી હું ધન્ય છું. કારણ કે હજીપણ તેણે મને મૂક્યો નથી. તેથી કંઇપણ મારું શુભ પણ છે, અર્થાત્ મારો શુભોદય પણ વર્તે છે. અન્યથા આનાથી રહિત હું મહાનરકમાં પડત.
ઇત્યાદિ વિચારીને તેમણે પંથકમુનિને આ પ્રમાણે કહ્યું: હે વત્સ! તને મૂકીને વિશ્વમાં બીજા કોનું સુશિષ્યપણું છે. હે ધી૨! આવી પણ અવસ્થાને પામેલા મને તેં મૂક્યો નહિ, અને હાથનું આલંબન આપીને ભવરૂપ અંધારા કૂવામાંથી મારો ઉદ્ધાર કર્યો. અથવા તું મારો શિષ્ય નથી, કિંતુ ધર્મનું દાન કરવાથી ગુરુ જ છે. હે ધી૨! સ્વ-૫૨ને તારનારા તારા ચરિત્રોને નમસ્કાર હો! આ પ્રમાણે પંથકમુનિની પ્રશંસા કરીને, પાટલો વગેરે પાછા આપીને, રાજાને કહીને ઉદ્યત વિહારનો સ્વીકાર કર્યો. ગુરુદેવશ્રીએ ઉદ્યત વિહારનો સ્વીકાર કર્યો છે એમ જાણીને પાંચસો શિષ્યો પણ ભેગા થઇ ગયા. પછી હર્ષ પામેલા ઉત્તમ શૈલકમુનિએ ત્યાં આલોચના-પ્રતિક્રમણ કરીને ઘણા કાળ સુધી ઉગ્રતપ કર્યો. પછી (અંતસમયે) સઘળા શિષ્યોની સાથે શત્રુંજય ગિરિરાજ ઉપર જઇને (બે માસનું અનશન કરીને) નિત્ય અને સર્વશ્રેષ્ઠ મોક્ષને પામ્યા. આ પ્રમાણે ગુરુકુલવાસનું સેવન કરતા કેટલાક ઉત્તમ સ્વભાવવાળા પુરુષો પોતાને અને બીજાને ભવદુઃખથી છોડાવે છે. [૩૪૬] આ પ્રમાણે પંથકસાધુનું કથાનક પૂર્ણ થયું.
કેવળ પંથકમુનિએ જ નહિ, કિંતુ શ્રીગૌતમસ્વામી વગેરેએ પણ ગુરુકુલવાસનું જ સેવન કર્યું હતું એમ કહે છે–
सिरिगोयमाइणो गणहरावि नीसेसअइसयसमग्गा । तब्भवसिद्धीयावि हु, गुरुकुलवासं चिय पवन्ना ॥ ३४७॥
સઘળા અતિશયથી સંપૂર્ણ અને તે જ ભવમાં મોક્ષે જનારા હોવા છતાં શ્રી ગૌતમસ્વામી વગેરે ગણધરોએ પણ ગુરુકુલવાસનું સેવન કર્યું હતું. [૩૪૭]
ગુરુકુલવાસના ત્યાગમાં શો દોષ છે એવી આશંકા કરીને છેલ્લા દ્વારનું પ્રતિપાદન કરવા માટે કહે છે–