________________
૪૫૮-ચક્ષુઇંદ્રિયના અનિગ્રહમાં ઉપદેશમાલા (પુષ્પમાલા)
[લોલાક્ષનું દૃષ્ટાંત શુભ પરિણતિ પત્ની, ભવિતવ્યતા પુત્રવધૂ, સ્વભાવ મંત્રી અને કાલપરિણામ સ્વમિત્ર વગેરે કુટુંબીજનથી કહેવાયેલો કર્મપરિણામ રાજા તેને શુભ પરિણામ નામના સ્વપુત્રના હાથમાં રાખીને ખુશ થયેલો તે જ્યારે પ્રવૃત્તિ કરાવે ત્યારે તેની (=જિનવચનના રહસ્યરૂપ અંજરનરસની) પ્રાપ્તિ થાય, અન્યથા ઉત્તમદેવોને પણ તેની પ્રાપ્તિ ન થાય. હવે દીર્ઘ નિસાસો નાખીને શ્રેષ્ઠીએ કહ્યું: જો એમ છે તો અમે હણાયા છીએ. કારણ કે પુણ્યહીન જીવોને આ અસાધ્ય છે. પછી શેઠે લક્ષણપાઠકોને સન્માન કરીને રજા આપી.
શેઠનો પુત્ર બાલ્યાવસ્થાથી આરંભી સદા જે જે મનોહરરૂપને જુએ છે ત્યાં લાંબા કાળ સુધી દૃષ્ટિ બાંધીને રહે છે. તેથી તેનું લોલાક્ષ એવું નામ લોકમાં પ્રસિદ્ધિને પામ્યું. પછી તેને ક્રમશઃ કળાઓ ભણાવવામાં આવે છે. દૃષ્ટિવિકારોની સાથે દરરોજ વધતો તે યૌવનને પામ્યો. વિષયોમાં ઉત્કંઠિત તે ઉન્મત્ત બનીને સ્ત્રીઓનાં અંગ-ઉપાંગોને જોતો આખી નગરીમાં ભમે છે. કોઈક રૂપવતી સુંદર રમણીઓને બલાત્કારથી ભેટે છે. મૂઢ તે કોઈક સ્ત્રીઓને પ્રાર્થના કરે છે, બીજી કોઈક સ્ત્રીઓની સાથે રમત કરે છે. સ્ત્રીઓના પ્રસંગમાં ક્યાંક તે તાડન કરાય છે, ક્યાંક બંધાય છે, ક્યાંક સજા વગેરે દુઃખોને સહન કરે છે. એકવાર મગધ દેશની સ્ત્રીઓ રૂપવતી છે એમ સાંભળીને વેપાર કરવાના બહાને મગધદેશમાં જવા માટે માતા-પિતાની રજા લે છે. કંટાળેલા માતા-પિતાએ રજા આપી. પછી ઘણા દ્રવ્યસમૂહને લઈને ઘણા પરિવારથી યુક્ત તે ક્રમશ: રાજગૃહમાં આવ્યો. ત્યાં દુકાન લઈને વેપાર કરતો દિવસો પસાર કરે છે.
હવે લોલા કોઈક પ્રિય રાજાની રૂપવતી રાણીને શિબિકામાં બેસીને પોતાની દુકાન પાસેથી જતી જોઇ. તેથી તેના અંગ-ઉપાંગોમાં દૃષ્ટિને કરતો તે જાણે ચિતરેલો હોય, પથ્થરમાં ઘડાયેલો હોય, ખીલાથી જકડાયેલ હોય, ધન લૂંટાઇ ગયું હોય, મૂછિત થઈ ગયો હોય, તેવો ક્ષણવાર થયો. પછી અનેક પ્રકારના લાખો વિકલ્પોને કરતો, આકુલ હૃદયવાળો અને પરવશ થયેલો તે દોડીને તેના ગળામાં લપેટાયો. તેથી સૈનિકપુરુષ વર્ગે તેને મારીને બાંધ્યો, અને રાજાને સોંપવા માટે બજાર માર્ગે ચાલ્યો. આગળથી આવતા ઠાકોરે આ વૃત્તાંત જાણીને તેનું સારભૂત સઘળુંય લઈ લીધું. રાજાને સોંપવા માટે લોલાક્ષ જેટલામાં ચાલ્યો તેટલામાં વિદ્ગમ નામના નગરશેઠ, કે જે લોલાક્ષના પિતાના મિત્ર થાય, તેમણે લોલાક્ષને જોયો. તેથી નગરશેઠે પોતાનું ઘણું ધન આપીને અને દબાણ કરીને કરુણાથી અને સ્નેહથી તેને કોઇપણ રીતે છોડાવ્યો. પછી તે તેને પોતાના ઘરે લઈ ગયો. તેની પત્ની ધનવતીને કહ્યું: આ મારો ભત્રીજો છે. તેથી તેને ઘણા આદરથી જોવો. તેથી તે તેમના ઘરે તેવી રીતે ગૌરવથી જોવાય છે કે જેથી તે ગયેલા પણ કાલને જાણતો નથી. પણ ફરતી, બેઠેલી, સૂતેલી કે કામ કરતી ધનવતીના અંગોપાંગોને નિરંતર જ જોતો રહે છે. આ પ્રમાણે સદાય તેનો કામવિકાર વધતો ગયો.
૧. લોલાસ એટલે લંપટ (=આસક્ત) આંખોવાળો.