________________
૪૮૮-કષાયનિગ્રહદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[માન વિનાશનું મૂળ છે.
વિશેષાર્થ વર્તમાનકાળ પાંચમા આરાના પ્રભાવથી યુક્ત હોવાથી હમણાં જ્ઞાનાદિ એક પણ ગુણ સંપૂર્ણ પ્રાપ્ત થતો નથી. જેની પાસે જ્ઞાનાદિ ગુણ છે તેની પાસે પણ ગુણલેશ જ છે. એ ગુણલેશ પણ ક્રોધ અને ઇર્ષ્યા વગેરે ઘણા દોષોથી વ્યાપ્ત છે, અર્થાત્ ગુણલેશની સાથે ઘણા દોષો રહેલા છે. ઘણા દોષોથી યુક્ત માત્ર ગુણલેશમાં પણ વિવેકી કોણ અભિમાની બને? અર્થાત્ વિવેકી કોઇ અભિમાની ન બને.
શું કરીને અભિમાની ન બને એ પ્રશ્નના ઉત્તરને કહે છે–
તીર્થંકર, ગણધર અને ચક્રવર્તી વગેરે પૂર્વપુરુષોના દોષરહિત ગુણસમૂહને સાંભળીને અભિમાની ન બને. અહીં તાત્પર્ય આ છે-. પૂર્વપુરુષોમાં જ્ઞાન અને ઐશ્વર્ય વગે૨ે અનંતાગુણો હતા. એ પ્રત્યેક ગુણો ક્રોધ અને ઇર્ષ્યા વગેરે દોષના અંશથી પણ કલંકિત ન હતા. તેથી પૂર્વપુરુષોને તેવા પ્રકારના સાંભળીને હમણાં અનેક દોષોથી યુક્ત ગુણલેશમાત્રમાં પણ ગર્વનો શો અવકાશ છે? વળી− ઉપર ઉપર જોનારાઓનું અભિમાન અવકાશરહિત જ છે, અર્થાત્ જે જીવ પોતાનાથી અધિક-અધિક ગુણસંપન્ન જીવો તરફ દૃષ્ટિ કરે છે તે જીવમાં અભિમાનને આવવાનો અવકાશ રહેતો જ નથી. [૨૯૬] વૈભવવાળાએ અને ગુણવાને વિશેષથી જ અહંકાર ન કરવો જોઇએ એમ બતાવે છે– सोहइ दोसाभावो, गुणोव्व जड़ होइ मच्छरुत्तिन्नो । विहवेसु तह गुणेसु य, दूमेइ ठिओ अहंकारो ॥ २९७ ॥
જો મત્સરથી ઉત્તીર્ણ હોય=અહંકારથી મિશ્રિત ન હોય તો દોષાભાવ ગુણની જેમ શોભે છે. વૈભવમાં અને ગુણોમાં રહેલો અહંકાર દુ:ખી કરે છે.
વિશેષાર્થ– જો કોઇ જીવમાં તેવા પ્રકારનો ત્યાગ અને ગંભીરતા વગે૨ે કોઇ ગુણ પ્રાપ્ત થતો નથી, પ્રાયઃ કેવળ દોષાભાવ જ છે, તો તે દોષાભાવ પણ ગુણની જેમ શોભે છે, પણ જો તે દોષાભાવ અહંકારથી મિશ્રિત ન હોય તો, અર્થાત્ અહંકારથી રહિત દોષાભાવ પણ ગુણની જેમ શોભે છે. વૈભવમાં અને ગુણોમાં રહેલો અહંકાર શિષ્ટજનને ઘણી માનસિક વ્યથા ઉત્પન્ન કરે છે. બીજાએ (વૈભવ અને ગુણથી રહિતે) પણ અહંકાર ન ક૨વો જોઇએ. વૈભવવાળાએ અને ગુણવાને વિશેષથી અહંકાર ન કરવો જોઇએ. [૨૯૭]
હવે દૃષ્ટાંત દ્વારા માનવિપાકને બતાવવા માટે સૂત્રકાર કહે છે– जाइमणिक्केणवि, पत्तो डुंबत्तणं दियवरोऽवि । सव्वमएहिं कहं पुण होहिंति न सव्वगुणहीणा ? ॥ २९८ ॥
૧. અહીં શબ્દાર્થ આ પ્રમાણે છે- જેની પાસે જ્ઞાનાદિગુણ છે તેની પાસે પણ ગુણલેશ જ પ્રાપ્ત કરી શકાય છે.