________________
જિનાજ્ઞાથી પ્રતિષિદ્ધ કરવામાં]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[કાલિકસૂરિનું દૃષ્ટાંત-૪૨૯ નથી. સઘળાં તપોવનો રાજાથી રક્ષાયેલાં સંભળાય છે. તેથી આ બધું વિચારીને તમે સ્વયમેવ મારી બહેનને છોડી દો. ઇત્યાદિ યુક્તિયુક્ત રાજાને આચાર્યે કહ્યું. છતાં મિથ્યાજ્ઞાનવાળો રાજા સાધ્વીને કોઇપણ રીતે મૂકતો નથી. તેથી સંઘે ભેગા થઇને રાજાને કહ્યું: રાજાએ સંઘને પણ અવજ્ઞાથી જોયો. તેથી સૂરિ કોપ પામ્યા. (૨૫) જો હું તત્પર થઇને જેનાં મૂળિયાં પૃથ્વીમાં બંધાયેલાં છે તેવા આ ગર્દભિલ્લનૃપરૂપ વૃક્ષને ન ઉખેડું તો, જેઓ સંઘના શત્રુ છે, જેઓ પ્રવચનનો ઉપઘાત કરનારા છે, જેઓ સંયમના ઉપઘાતમાં તત્પર છે, અને જેઓ તેમની (=સંઘના શત્રુ વગેરેની) ઉપેક્ષા કરનારા છે, તેમની ગતિમાં હું પણ જાઉં. આચાર્યે આ (=રાજાને ઉખેડવાની) પ્રતિજ્ઞા કરી. પછી આચાર્ય વિચારે છે કે આ રાજા ગર્દભીવિદ્યાથી મહાબલવાન છે તેથી ઉપાયથી પકડવો.
આ પ્રમાણે વિચાર્યા પછી કપટથી જાણે પોતે ગાંડા હોય તેવો વેશ કરીને નગરમાં આ (=હવે કહેવાશે તે) અસંબદ્ધ પ્રલાપ કરતા પરિભ્રમણ કરે છે. જો ગર્દભિલ્લરાજા છે તો આનાથી (બીજું) શ્રેષ્ઠ શું? જો ૨મણીય અંતઃપુર છે તો આનાથી (બીજું) શ્રેષ્ઠ શું? અથવા જો દેશ રમણીય છે તો આનાથી (શ્રેષ્ઠ) બીજું શું? અથવા જો હું ભિક્ષાટન કરું છું તો આનાથી (શ્રેષ્ઠ) બીજું શું? જો શૂન્યઘરમાં શયન કરું છું તો આનાથી (બીજું) શ્રેષ્ઠ શું? આચાર્યનું ઇત્યાદિ ઉન્મત્ત આચરણ જોઇને અત્યંત દુઃખી થયેલ અને બાલ-વૃદ્ધ સહિત વ્યાકુલ થયેલ આખું નગર કહે છે કે, આ રાજાનું પતન ચોક્કસ નજીકમાં છે, જેથી મુનિઓના વ્રતનો ભંગ કરે છે, અને ગુણસમુદ્ર આ આચાર્યનો વ્રતભંગ કરે છે. આચાર્યની ઉન્મત્તતાનું કારણ નિર્દય અને પાપી તે જ છે. અતિશય સંક્લિષ્ટ મનવાળો તે મુનિજનોના વચનને પણ કોઇપણ રીતે ગણકારતો નથી. આ પ્રમાણે લોકોના અવર્ણવાદને અને આચાર્યને ઉન્મત્ત જાણીને સામંત-મંત્રીવર્ગ પ્રયત્નથી રાજાને કહે છે: હે દેવ! સાધ્વીનો આ પરિભોગ વિરુદ્ધ છે. અને તમારાથી અપમાનિત થયેલા આચાર્ય ઉન્મત્ત થયા એ તો અતિશય વિરુદ્ધ છે. તથા ઘણા લોકોનો તિરસ્કાર અતિશય વિરુદ્ધ છે. તેથી આટલું પણ પ્રાપ્ત થયે છતે આ સાધ્વીને છોડી દો. કારણ કે સંપૂર્ણ નગરમાં આપની અપકીર્તિનો પટહ વાગે છે. આ કાર્યમાં આ લોક-પરભવની આપત્તિઓ દેખાય છે. આ પ્રમાણે સાંભળીને ગુસ્સે થયેલો રાજા આ બધાની અવગણના કરે છે. મોહરૂપ ગ્રહથી પરાભવ પામેલો તે ઉપદેશેલા હિતને પણ ગણકારતો નથી.
આચાર્યે લોકો પાસેથી આ જાણ્યું. તેથી રાજાને નિશ્ચયથી દંડસાધ્ય-(=દંડથી જીતી શકાય તેવો) જાણીને નગરીમાંથી બહાર નીકળી ગયા. ક્રમે કરીને સિંધુનદીના સામા કિનારે સગકૂલ નામના કિનારે આવ્યા. ત્યાં જે સામંતરાજાઓ હતા તે ‘સાહિ' કહેવાતા હતા, અને તે બધાનો અધિપતિ રાજા સાહાનુસાહિ' એવા નામથી કહેવાતો હતો.