________________
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ રાજસ્થાનના નાગોર જિલ્લામાં મેડતા સિટી ગામમાં પરમ વંદનીય શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલું છે. મેડતા સિટી રેલ્વે સ્ટેશન છે. સ્ટેશનથી આ ગામ ૧૪ કિ. મી. દૂર છે. અહીંના ચૌદ જિનાલયો અત્યંત દર્શનીય છે અહીં ઉપાશ્રય અને ધર્મશાળાની ઉત્તમ સગવડ છે. બાજુમાં શ્રી ફલવૃધ્ધિ પાર્શ્વનાથ પ્રભુનું તીર્થ આવેલું છે.
અધ્યાત્મ યોગી, મહાપુરુષ શ્રી આનંદઘનજી મહારાજની જન્મ અને સ્વર્ગવાસ ભૂમિ છે.
આ સ્થળે અનેક મહાપુરુષોના આગમન થતાં ભૂમિ અત્યંત પવિત્ર છે.
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું મુખ્ય જિનાલય મેડતા ગામની બહાર શ્રી પાર્શ્વનાથ વાડીમાં છે. આ સિવાય ખંભાતમાં વાઘમાસીની ખડકી સામે, અમદાવાદમાં કાળશાની પોળમાં પણ શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથના જિનાલયો આવેલા છે. તદુપરાંત મુંબઈના સાંતાક્રુઝમાં શ્રી કલિકુંડ પાર્શ્વનાથ જિનાલયની ભમતીમાં પણ શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથની એક દેરી છે.
શંખેશ્વરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહારના જિનાલયની ભમતીમાં ઓગણચાલીસમી દેરીમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુ બિરાજીત છે.
| રાજસ્થાનના મેડતા સિટીમાં પદ્માસનસ્થ, સપ્તફણાથી યુક્ત શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ પ્રભુનું પ્રાચીન જિનાલય આવેલું છે. પ્રતિમાજીની ઊંચાઈ ૧૯ ઈંચ અને પહોળાઈ ૧૫ ઈંચની છે.
મેડતા સિટી પૂર્વે મેદિનીપુર કે મેડતાપુર તરીકે ઓળખાતું હતું. આ નગરી બારમા સૈકાથી પણ વધારે પ્રાચીન છે. એ સમયમાં જૈન શાસનનો વિજય ધ્વજ ફરકતો હતો. આ નગરીમાં સમર્થ જૈનાચાર્યોના આગમન થતા રહેતાં. તેમની પ્રેરક વાણીથી અહીંના લોકો ધર્મ-આરાધનામાં વધારે પ્રગાઢ બન્યા. આ નગરમાં શ્રી અભયદેવસૂરિએ શાસન પ્રભાવનાના મહાન કાર્યો કર્યા હતા. તેમણે હજારો બ્રાહ્મણો અને કડમડ નામના યક્ષરાજને પ્રતિબોધ્યા હતા. તેમના ઉપદેશથી અહીં શ્રી મહાવીર સ્વામીનું દર્શનીય જિનાલય આકાર પામ્યું હતું.
શ્રી વિજયચિંતામણિ પાર્શ્વનાથ