________________
તત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪) અધ્યાય-૮ | સૂત્ર-૧ (૫) યોગ -
કર્મબંધનું પાંચમું કારણ મન-વચન-કાયાના યોગો છે, જેનું વર્ણન પૂર્વમાં છઠ્ઠા અધ્યાયમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. જ્યાં સુધી મન-વચન-કાયાનો વ્યાપાર છે ત્યાં સુધી યોગકૃત કર્મબંધ થાય છે. આથી જ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કષાયથી રહિત એવા કેવલીને પણ યોગકૃત બંધ રહે છે. સંસારી જીવો પોતાના મન-વચન-કાયાના યોગોને જિનવચનથી નિયંત્રિત કરીને પ્રવર્તાવે છે ત્યારે તેમના યોગો જ ધૈર્યભાવને અભિમુખ કંઈક કંઈક અંશથી જાય છે અને યોગનિરોધ કાળમાં તે યોગનો સંપૂર્ણ અભાવ થાય છે. તેથી યોગકૃત બંધનો સંપૂર્ણ અભાવ ૧૪મા ગુણસ્થાનકે અને પૂર્વનાં ગુણસ્થાનકોમાં જેટલો જેટલો યોગનો સ્થિરભાવ થાય છે તેટલો તેટલો યોગકૃત કર્મબંધ અલ્પ-અલ્પતર થાય છે. જ્યારે મન-વચન-કાયાના યોગો જિનવચનથી નિયંત્રિત પ્રવર્તતા નથી ત્યારે યોગના અત્યંત અસ્થર્યને કારણે યોગકૃત કર્મબંધ અધિક થાય છે.
વળી આ મિથ્યાત્વાદિ પાંચ બંધના હેતુઓમાં પૂર્વ-પૂર્વનો બંધનો હેતુ હોતે છતે ઉત્તર-ઉત્તરનો બંધનો હેતુ અવશ્ય હોય છે અને ઉત્તર ઉત્તરના ભાવમાં પૂર્વનો અનિયમ છે. જે જીવમાં મિથ્યાદર્શન વિદ્યમાન હોય તેનામાં અવિરતિ, પ્રમાદ આદિ બંધના હેતુઓ અવશ્ય હોય છે, પરંતુ તે જીવ જેવો મિથ્યાદર્શનની મંદતા કરવાનો પ્રયત્ન પ્રારંભ કરે ત્યારથી આરંભીને મિથ્યાદર્શન આદિ પાંચે બંધના હેતુઓ મંદ થવા માંડે છે; આમ છતાં મિથ્યાદર્શનનો અભાવ થાય ત્યારે અવિરતિ આદિ બંધ હેતુઓનો અભાવ પ્રાપ્ત થતો નથી, મિથ્યાદર્શનની નિવૃત્તિ પછી અવિરતિના નિવર્તન માટે વિશેષ યત્ન થાય છે ત્યારે દેશથી અવિરતિની અને સર્વથી અવિરતિની ક્રમશઃ નિવૃત્તિ થાય છે. અવિરતિના નિવર્તન માટે કરાતો યત્ન પ્રમાદને કાંઈક નિવર્તન કરે છે, તોપણ અવિરતિની નિવૃત્તિ થવા છતાં અને સર્વવિરતિની પ્રાપ્તિ થવા છતાં પ્રમાદનું નિવર્તન સર્વથા થતું નથી, પરંતુ જ્યારે નિર્વિકલ્પદશાની પ્રાપ્તિ થાય છે, ત્યારે પ્રમાદનું સર્વથા નિવર્તન થાય છે. મહાત્મા પ્રમાદના નિવર્તન માટે યત્ન કરે છે ત્યારે કષાયોનું નિવર્તન પણ કંઈક કંઈક અંશથી થાય છે તોપણ નિર્વિકલ્પદશાવાળા પ્રમાદ રહિત સાધુમાં કષાયોનો સર્વથા અભાવ નથી. તેથી અપ્રમત્ત સાધુ પણ કષાયના નિવર્તન માટે યત્ન કરીને જ્યારે સર્વથા કષાય વગરના થાય છે ત્યારે પણ યોગનો સર્વથા અભાવ નથી; પરંતુ કષાયના નિવર્તનકાળમાં બંધના હેતુ એવા યોગનો કાંઈક સ્થિરભાવ સતત વધે છે. અકષાયવાળા એવા કેવલી યોગનિરોધ કરે છે ત્યારે બંધના સર્વ હતુઓનો અભાવ પ્રાપ્ત થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જેઓમાં મિથ્યાદર્શન છે તેઓમાં ઉત્તરના સર્વ બંધના હેતુઓ વિદ્યમાન છે અને જેઓમાં ઉત્તરના બંધના હેતુ વિદ્યમાન છે, તેમાં પૂર્વના બંધહેતુ હોઈ પણ શકે. જેઓએ બંધના હેતુના નિવારણ માટે યત્ન કરીને પૂર્વના બંધના હેતનું નિવારણ કર્યું છે અને ઉત્તરનો બંધનો હેતુ નિવર્તન પામ્યો નથી એવા જીવોમાં ઉત્તરના બંધના હેતુની પ્રાપ્તિમાં પૂર્વના બંધના હેતનો અભાવ છે. જેઓએ કોઈ બંધના હેતુનું નિવારણ કર્યું નથી તેવા ઉત્તરના બંધના હેતુવાળા જીવમાં પૂર્વના બંધના હેતુ પણ વિદ્યમાન છે. II૮/પા