________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ | સૂત્ર-૧ વળી સંયમના પ્રયોજન અર્થે વચનગુપ્તિપૂર્વક ભાષાસમિતિની મર્યાદાનુસાર કોઈ સાધુ કોઈક પ્રકારના વચનપ્રયોગને કરતા હોય અને સહસા નિમિત્તને પામીને ભાષાસમિતિમાં સ્ખલના થાય તો ભગવાનના વચનના પ્રણિધાનથી અનિયંત્રિત વાગ્ પ્રયોગ થાય; જે વચનયોગનું દુષ્પ્રણિધાન છે.
૬
વળી કોઈ સાધુ કાયાને અત્યંત સ્થિર રાખીને ધ્યાનાદિમાં ઉદ્યમ કરતા હોય તે વખતે સહસા કાયાને મચ્છરાદિના સ્પર્શને કારણે તેની સાથે ચિત્તનું યોજન થાય અને પોતાના લક્ષ્યને અનુરૂપ ચિત્તના ગમનમાં સ્ખલના થાય ત્યારે કાયદુપ્રણિધાનની પ્રાપ્તિ થાય છે, જે કાયયોગના દુપ્રણિધાનરૂપ પ્રમાદ છે.
જે જીવો સંસારની પ્રવૃત્તિમાં રહેલા છે તેઓને તો પોતાના અસંગભાવની પ્રાપ્તિરૂપ મુખ્ય પ્રયોજનની સ્મૃતિ જ નથી, તેથી સ્મૃતિ અનવસ્થાનરૂપ પ્રમાદ દોષવાળા છે; વળી અસંગભાવને અનુકૂળ કોઈ પ્રકારના કુશલમાં યત્ન કરનારા નથી, તેથી કુશલમાં અનાદરવાળા છે અને મન-વચન-કાયાના યોગો બાહ્ય પદાર્થને આશ્રયીને જ પ્રવર્તે છે, તેથી તેઓ યોગદુપ્રણિધાનવાળા પણ છે.
વળી જે જીવો મિથ્યાત્વમાં છે, છતાં તત્ત્વને જાણવા અભિમુખ થયા છે અને જેઓને આત્માનું હિત શું છે ? તે જાણવાની અત્યંત ઇચ્છા વર્તે છે તેઓને સ્વભૂમિકાનુસાર સ્મૃતિના અનવસ્થાનરૂપ પ્રમાદ દોષ નથી.
વળી જે જીવો આત્માના હિતને જાણવા માટે અને જાણીને તેને સ્થિર કરવા માટે નિર્મળ બુદ્ધિથી યત્ન કરે છે એવા જીવોને કુશલમાં અનાદરરૂપ પ્રમાદદોષ નથી. આવા જીવો જ્યારે મન-વચન અને કાયાના યોગો તત્ત્વને જાણવા માટે સ્થિરતાપૂર્વક પ્રવર્તાવતા હોય અને જાણીને તે તત્ત્વથી આત્માને ભાવિત કરતા હોય ત્યારે તેઓના મન-વચન-કાયાના યોગો આત્માના હિતને અનુકૂળ પ્રવર્તતા હોવાથી યોગદુપ્રણિધાનરૂપ પ્રમાદ નથી.
(૪) કષાય :
કષાયો મોહનીયકર્મના અધિકારમાં ગ્રંથકારશ્રી કહેવાના છે. ૧૬ કષાયોમાંથી કોઈપણ કષાયનો ઉદય સંસારના ભાવોમાં પ્રવર્તતો હોય ત્યારે કર્મબંધનો હેતુ બને છે, જ્યારે કોઈ મહાત્મા તત્ત્વાતત્ત્વના વિભાગને અનુકૂળ ઉચિત યત્ન કરતા હોય અને તત્ત્વ તરફના વલણપૂર્વક તત્ત્વથી આત્માને ભાવિત કરતા હોય ત્યારે તેમના આત્મામાં ઉદયમાનકષાય ક્ષયોપશમભાવરૂપે પ્રવર્તતો હોવાથી કર્મબંધનું કારણ બનતો નથી, પરંતુ કષાયોના ઉન્મૂલનનું જ કારણ બને છે. ફક્ત જ્યાં સુધી સર્વથા કષાયોનો ઉચ્છેદ થયો નથી ત્યાં સુધી તે ગુણસ્થાનકના કષાયો કૃત બંધ પણ છે, છતાં તે બંધ ક્ષયોપશમભાવના કષાયને કારણે ક્ષીણ-ક્ષીણતર થાય છે.
જેમ અનંતાનુબંધીકષાયના ઉદયવાળા જીવો જ્યારે તત્ત્વને અભિમુખ પરિણામવાળા હોય અને તત્ત્વનું સમ્યગ્ આલોચન કરતા હોય ત્યારે તેમનો અનંતાનુબંધીકષાય મિથ્યાત્વની મંદતાને કરવામાં વ્યાપારવાળો છે અને અનંતાનુબંધીકષાયને પણ ક્ષીણ ક૨વાના વ્યાપા૨વાળો છે. તેથી જે જે અંશથી તે ઉપયોગ દ્વારા અનંતાનુબંધીકષાય મંદ-મંદતર થાય છે તે તે અંશથી કર્મબંધ અલ્પ-અલ્પતર થાય છે.