________________
તત્ત્વાર્થાધિગમસૂત્ર ભાગ-૪ | અધ્યાય-૮ / સૂત્ર-૧
(i) સ્મૃતિઅનવસ્થાન આત્મક પ્રમાદ :
આશય એ છે કે જેઓ તત્ત્વાતત્ત્વનો વિચાર કરતા નથી, એવા મિથ્યાદ્દષ્ટિ જીવોમાં તો પ્રમાદ છે જ; કેમ કે કુશલમાં આદર નથી; પરંતુ જેઓએ મિથ્યાદર્શનનો ત્યાગ કર્યો છે, અવિરતિનો ત્યાગ કર્યો છે અને શક્તિ અનુસાર સર્વવિરતિમાં ઉદ્યમ કરી રહ્યા છે તેવા મુનિઓએ પણ સદા સ્મૃતિમાં ઉપસ્થાપન કરવું જોઈએ કે મારે સર્વ વિકલ્પોથી અસંગ પરિણતિરૂપ નિર્વિકલ્પ દશામાં જ યત્ન કરવો જોઈએ. જ્યાં સુધી તેવી શક્તિનો સંચય ન થાય ત્યાં સુધી તેવી નિર્વિકલ્પદશાની પ્રાપ્તિને અનુકૂળ એવાં કુશલ કૃત્યોમાં આદર ધા૨ણ ક૨વો જોઈએ તથા અપ્રમાદભાવથી મન-વચન-કાયાના યોગોને તે રીતે પ્રવર્તતાવા જોઈએ જેથી અસંગભાવને અનુકૂળ શક્તિનો સંચય થાય. કોઈક સાધુ ભાવથી વિરતિના પરિણામવાળા હોય અને સર્વવિરતિની સર્વ ઉચિત ક્રિયાઓ કરતા હોય છતાં તે ક્રિયાઓ દ્વારા પોતાને અસંગ ભાવને અનુકૂળ શક્તિનો સંચય કરવો છે તેવી સ્મૃતિ સતત ન રહે તો પોતાની સંયમની ક્રિયા દ્વારા પણ અસંગભાવને અનુકૂળ બળનો સંચય થાય નહીં, જેથી સ્મૃતિના અનવસ્થાનરૂપ પ્રમાદદોષની પ્રાપ્તિ થાય, જે કર્મબંધનો હેતુ છે.
૫
(ii) કુશલમાં અનાદર આત્મક પ્રમાદ :
વળી કોઈ સાધુને સતત સ્મૃતિમાં રહે કે મારે વિરતિની ક્રિયા દ્વારા અસંગભાવમાં જવા માટે યત્ન કરવો જરૂરી છે, આમ છતાં તે પ્રકારનો અંતરંગ ઉદ્યમ કરવામાં કષ્ટસાધ્યતા જણાવાથી શક્તિ અનુસાર તે પ્રકારનાં ઉચિત કૃત્યોમાં અનાદર થાય અર્થાત્ શક્તિ અનુસાર પ્રયત્ન કરવાનો ઉત્સાહ ન થાય તે વખતે કુશલમાં અનાદર નામનો પ્રમાદ દોષ પ્રાપ્ત થાય છે. કુશલમાં આદર ઉત્પન્ન ક૨વાર્થે જ શાસ્ત્રમાં કહેલ છે કે સાધુએ જ્યારે જ્યારે અવકાશ મળે, ત્યારે ત્યારે પરમ ઉપેક્ષામાં જવા ઉદ્યમ ક૨વો જોઈએ, જેથી સાધુનું ચિત્ત સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવો પ્રત્યે અપ્રતિબદ્ધ ભાવવાળું બને. કુશલ અનુષ્ઠાનના પ્રવર્તન માટે જરૂરી શક્તિ હોવા છતાં તેમાં યત્ન કરવાનો ઉત્સાહ ન થાય તે કુશલમાં અનાદરરૂપ પ્રમાદ નામનો દોષ છે.
(iii) યોગદુપ્રણિધાન આત્મક પ્રમાદ :
વળી કોઈ સાધુને સતત સ્મૃતિમાં હોય કે મારે સંયમની ક્રિયા દ્વારા અસંગભાવમાં જવા માટે યત્ન કરવો જોઈએ. તે સ્મૃતિને કારણે અસંગભાવને અનુકૂળ શક્તિનો સંચય થાય તેવાં કુશલ કૃત્યોમાં આદરપૂર્વક યત્ન કરે છે. આથી જ તે સાધુ જ્યારે જ્યારે અવકાશ મળે ત્યારે પરમ ઉપેક્ષા તરફ યત્ન થાય તે રીતે અપ્રમાદથી યત્ન કરે છે; આમ છતાં અનાદિના ભવ અભ્યાસને કારણે કોઈક નિમિત્તને પામીને મન-વચન-કાયાના યોગ દુષ્પ્રણિધાનવાળા બને ત્યારે પ્રમાદ દોષની પ્રાપ્તિ થાય છે. જેમ સાધુ યતનાપૂર્વક ઈર્યાસમિતિના પાલન અર્થે દયાળુ ચિત્ત નિષ્પન્ન થાય, અને અતિશય વૃદ્ધિ પામે તે પ્રકારના ઉપયોગપૂર્વક ગમનાદિ ક્રિયા કરતા હોય અને સહસા કોઈ નિમિત્તને પામીને ચિત્ત તે પ્રકારના દયાળુ ચિત્તમાં વૃદ્ધિને અનુકૂળ યતનાપૂર્વક ગમનની ચેષ્ટામાં સ્ખલના પામે ત્યારે મનોયોગના દુપ્રણિધાનની પ્રાપ્તિ થાય છે.