________________
૨૦
સાધનાપથ અને આત્મજ્ઞાન
હે જીવ! તું વિચારોની સામું પણ જોવાનું મૂકી દે. એની સાવ ચિંતા છોડી દે. અને વિચારોના ઉદ્ભવ સ્થાનમાં જે શાંતિનું અમૃત-સરોવર લહેરાઈ રહ્યું છે ત્યાં જ તમામ લક્ષ જોડઃ તને અનિર્વચનીય શાંતિનો અનુભવ લાધશે.
જ્ઞાનીજનને પોતાનું અજ્ઞાન ઘણું અમાપ દેખાય છે. નવાઈ લાગશે, પણ એ હકીકત છે. કારણ કે જ્ઞાનીની દષ્ટિ એટલી વ્યાપક હોય છે કે એ હજારો વિષયને એના હજારો પાસાથી જોવે છે. અને સમગ્ર પાસાઓનું પરિજ્ઞાન પોતાને નથી.
એક પોતાના અચેતન મનમાં પડેલી ચીજોનો તલસ્પર્શી અભ્યાસ કોઈ કરવા જાય તો જીવન ઘણું ટુંકુ પડે એવું છે. પોતાની વૃત્તિઓ વિષે માણસ અભ્યાસ કરે તો એક જ વૃત્તિને અનેકવાર અભ્યાસતા એમાંથી નિતનવું પરિજ્ઞાન લાધે તેવું છે.
વૃત્તિનું ઉત્થાન થાય એ વેળા સંયમિત રહી જો વિવેક ઝળહળતો કરવામાં આવે તો એ જ વૃત્તિના અભ્યાસની સાચી વેળો છે. ધમધમતો ક્રોધ ઉત્પન્ન થાય એ જ વેળા ‘સામેવાળાને ભૂલી જાતનો અભ્યાસ થાય - વૃત્તિ કેમ ઊઠે છે તેનું સંશોધન થાય તો બેહદ સુંદર પરિણામ આવે.
વૃત્તિને કચડી નાખવાની કે એની સરિયામ ઉપેક્ષા કરવાની વાત વ્યાજબી નથી. કોઈ પણ વૃત્તિને એક કુશળ વૈજ્ઞાનિકની અદાથી સમજવા – સંશોધવા પ્રયત્ન કરવો જોઈએ. હીન વૃત્તિને પણ ઉચ્ચ વૃત્તિમાં - આત્મ વૃત્તિમાં પરિવર્તિત કરતાં શીખવું ઘટે.
કહેવાની જરૂર નથી કે, હીન વૃત્તિઓને સમજવા – સંશોધવા – પરિશોધવા તમે સમર્થ થશો અને એનું વિજ્ઞાન સમજી એનું ભગવચેતનામાં રૂપાંતરણ કરવાં પામશો ત્યારે તમને કેવી અપૂર્વ તૃપ્તિ અને આનંદ મસ્તી લાધશે.
ભાઈ, કામવૃત્તિનો ઉદય થાય ત્યારે ગભરાવાની – મુંઝાવાની કે ડામાડોળ થઈ જવાની જરૂર નથી. પહેલા તો પોતાનામાં એ પ્રબળ વૃત્તિ છે એનો સહજ સ્વીકાર કરો અને ઉપર દર્શાવ્યું તેમ એ જ વેળા વિવેકદીપને ઝળહળાવી એનું પરિશોધન અને ભગવચેતનામાં રૂપાંતરણ કરો.