________________
૧૮
સાધનાપથ અને આત્મજ્ઞાન
મોહની સલ્તનતને ધરમૂળથી હચમચાવી નાખનાર વિવેક જ છે. સત્સંગ-સ્વાધ્યાય-ધ્યાન આદિ વડે સુદઢ બનેલા વિવેકની પાસે પ્રબળ મોહને પણ પરાસ્ત થવું જ પડે છે. થોડો ઘણો કાળ ઉભય વચ્ચે સંગ્રામ ચાલે તો પણ વિવેકનો જ જવલંત વિજય નિશ્ચિત છે.
અજ્ઞાન, મોહ અને પ્રમાદને જીતવાના સુદઢ સંકલ્પ સાથે નીકળેલો સાધક હામ હારતો જ નથી. કેટલીયવાર ટુંકા ગાળા માટે શત્રુ માથે ચડી ગયા જેવો ઘાટ દેખાય – પણ જિતવાનો કુતસંકલ્પી સાધક મનથી જરાય હામ હારતો નથી. – આથી જ આખરે એ વિજયને વરે છે...
નવા નવા સાધકના પથમાં અંધારું ઘણું અવગાઢ છે અને એનો વિવેક દીપ પણ ઘણો ઝાંખો છે. ઠોકરો ખાતાં ખાતાં... પડતાં પડતાં એને આગળ વધવાનું છે. મરીને પણ મંઝીલે પહોંચવું જ છે એવો સંકલ્પ અને અંતરની પિપાસાને પ્રકૃતિ જરૂર ન્યાય આપશે એવો વિશ્વાસ એનું અજેય બળ છે.
કોઈ સાધક ગમે તેવો પ્રબળ પિપાસાવાન હોય અને સુદઢ સંકલ્યવાન હોય; તેમ છતાં એ ઘઊં કે ચોખામાંથી તેલ કાઢવાની પિપાસા ઘરે તો કદીયેય તેમ બની શકવાનું નથી. માટે કાર્ય સંપન્ન થવા અર્થે વસ્તુનું વિજ્ઞાન શું છે એ એના નિપુણ ગુરુવરથી સમજવું ઘટે.
અમારો કથનાશય એ છે કે મન બેલગામપણે મનોરથો કર્યા કરે છે. અને સાધનાના પ્રભાવથી એ બધા મનોરથ પૂર્ણ થશે એમ કલ્પના કરે છે; પણ વસ્તુનું જે વિજ્ઞાન છે તદ્અનુસાર જ કાર્ય તો થાય છે. એવા કોટી અરમાનો કેવળ મનની ઉર્જાનો દુર્વ્યય માત્ર છે.
કેટલાય સાધકો અવાંતર સિદ્ધિની ભરમારથી પ્રભાવિત થઈ જઈને પોતાના પરમ પ્રયોજનને વિસારે પાડી દે છે. અનંતકાળે મળેલી અણમોલ તક એ શુદ્ર ધ્યેયની પુષ્ટિ ખાતર ગુમાવી બેસે છે. અને અનંત ભવભ્રમણમાં જ ભટકી જાય છે. હોનહાર – બીજું શું ?
સાધકે પ્રારંભમાં જ પોતાના પ્રયોજનનું ભાન ઘૂંટી ઘૂંટીને ચિત્તમાં દઢ કરી લેવું ઘટે. એ પરમ પ્રયોજનને લગીરેય હાની પહોંચે એવું કોઈ કાર્ય સ્વપ્ન પણ નથી કરવું એવો દઢ સંકલ્પ કરી લેવો ઘટે. દિનરાતે પોતાનું પરમ પ્રયોજન નજર સમક્ષ તરવરતું રહેવું જોઈએ.