________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
સાધક એક સંનિષ્ઠ વૈજ્ઞાનિકની અદાથી એકાકાર થઈ આંતરશોધન કરે છે. અંતરમાં લગીર વાસના રહે તો સાધકને – નીવડેલા સાધકને – એનું પરિશોધન કર્યા વિના જંપ વળતો નથી. પૂર્ણ નિર્દોષતાનો જેને પ્રબળ ખપ છે એનાથી કોઈ દોષ દરગુજર કેમ થાય ? ન જ થાય.
કેટલીક એવી ગૂઢ સમસ્યાનું સમાધાન તાકીદે આવતું નથી. ત્યાં સાધકના પૈર્યની કસોટી થાય છે. હૃદયમાં એ સમાધાન પામવાની ખટક રહે છતાં, ઠરેલ હેયે સ્વભાવરમણતા જાળવી; અજ્ઞાનના આતંકને જીરવી જાણવો એને પ્રબુદ્ધ પુરૂષો મહાન તપ કહે છે.
કોઈ ઉલઝનનું સમાધાન ન મળે તો કાળક્ષેપ કરવો યોગ્ય છે. સાધકે એથી ડામાડોળ થઈ માર્ગસ્થિરતા ગુમાવવાની નથી. પ્રશમભાવ ધરી પ્રતિક્ષા કરવાની છે. આજે નહીં તો જરૂર કાલે કે કાળાંતરે પણ તમામ ઉલઝનનું સુખદ સમાધાન લાધવાનું જ છે. એવી અચલ શ્રદ્ધા રાખવી.
વસ્તુસ્થિતિના સમસ્ત પાસાઓ નિહાળ્યા વિના મોહ ઓસરતો નથી. કોઈ એકલ દોકલ પાસું જ ન જોતા, વસ્તુના તમામ ગુણદોષ પ્રામાણિકપણે ગoષવામાં આવે તો મોહ વિલીન થઈ જાય છે. અથવા મંદ પડી કાળાનુક્રમે ક્ષીણ થાય છે. અધુરૂ દર્શન જ વ્યામોહ ઊપજાવનાર છે.
પૂર્વના-પરાપૂર્વના નિબદ્ધ થયેલા સંસ્કારો જો જોર ન મારતા હોત તો કોઈ વસ્તુમાં એવું કાંઈ ઠોસ તથ્ય નથી કે મોહ કરવાપણું હોય. પણ અનાદિપૂર્વના એવા સંસ્કારોની પ્રબળતા એવી છે કે આત્મા જો જાગૃત ન હોય તો એના પ્રભાવમાં તણાય રહે. જાગૃત આત્મા એ પ્રભાવમાં આવતા નથી.
ON વસ્તુસ્થિતિનું યથાર્થ દર્શન – સવગી દર્શન આત્મામાં વિવેક ઉત્પન્ન કરે છે. આંતર સંગ્રામમાં મોહનો સજ્જડ મુકાબલો ‘વિવેક' કરે છે. આત્મા સિવાય અન્ય કોઈને કોઈ પદાર્થને આપેલું ખોટું મૂલ્ય – ખોટું મહાત્મય, ‘વિવેક” દૂર કરે છે. આત્માનું પણ યથાર્થ મૂલ્ય વિવેક વડે જ અંકાય છે.
વૃત્તિઓનું ઉત્થાન થાય એ વખતે વિવેકના દીપને વિશેષ પ્રદિપ્ત કરવો ઘટે. વિવેકી જીવ એવી વેળાએ ખૂબ સાવધ થઈ જાય છે. અંતરજ્ઞાન – અંતરસૂઝ ઊઘાડવા એ અંતરમાં સ્થિત થઈને સબળ પ્રયાસ કરે છે. આખરે પ્રદિપ્ત વિવેક પાસે મોહને પરાભૂત થવું જ પડે છે.