________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
નિર્મળ જ્ઞાનાનંદ જેવો લોકોત્તર આનંદ ત્રણભૂવનમાં અન્ય કોઈ નથી. સ્વર્ગ –ઇન્દ્રલોકના સુખ પણ એની પાસે તુચ્છ છે. તત્વજ્ઞાનનો તો આનંદ છે જ પણ, આત્મજ્ઞાનના આનંદની તુલનામાં આવે એવો આનંદ બીજો કોઈ નથી. આત્મા સ્વયં જ્ઞાનાનંદનો મહોદધી છે.
જ્ઞાનાનંદની સ્થાયી પરિણતિ પેદા કરવા... હે જીવ! તું જ્ઞાનીની ગોઠડી કરજે. જ્ઞાનીજનની ગોઠડી (મંત્રી) ઘડી-બે ઘડીમાં જીવના તમામ વિકારો ધોઈ એને નિર્મળ જ્ઞાનાનંદમાં મસ્ત બનાવી દે છે. કોઈ પણ ભોગેય જો જ્ઞાનીનો સત્સંગ મળતો હોય તો એ દિવ્ય તક ચૂકવા જેવી નથી.
આધિ-વ્યાધિ-ઉપાધિના ત્રિવિધ તાપને ઠારવા સત્સંગ અમૃતના મેહ સમાન છે. પ્રાણ ટકાવવા જેટલી પ્રાણવાયુની અનિવાર્યતા છે . એમ પવિત્ર આનંદરૂપી પ્રાણ ટકાવવા સત્સંગની અનિવાર્યતા છે. ઝાઝું શું કહેવું? – સત્સંગ એ મુક્તિમહેલની સીડી છે.
જે જ્ઞાન વડે કર્તવ્યની વિશુદ્ધ ભાળ ન મળે એવા જ્ઞાનનો સંચય કરવાનો કોઈ અર્થ નથી. સાધકનું અગ્રીમ કર્તવ્ય સ્વભાવમાં ઠરવાનું છે. આત્મવિશુદ્ધિ સાધવાનું છે. જે સમયે સમયે આત્મવિશુદ્ધિ વધારી વધુ ને વધુ નિર્દોષતાનો – પવિત્રતાનો અનુભવ કરાવે તે જ્ઞાન ઉપાદેય છે.
સાધકના બાહ્ય આચરણમાં પણ એવી જ અનુપમ નિર્દોષતા ઝળકે છે. કોઈ જીવ, નાનામાં નાના જંતુને પણ પોતાથી લેશ દુઃખ કે હાની ન પહોંચે એવી સાધકહૃદયની જીવંત કાળજી હોય છે. અહિંસાનો પરમાર્થ ઘણો ગહનગંભીર છે.
સાધક કદીયેય મનથી પણ કોઈનું બુરું ઇચ્છે નહીં તેમ જ વાણી પણ એવી વિવેકપૂર્ણ જ વદે કે એ વડે સામો આત્મા લેશ દુભાય નહીં. સર્વ જીવો પ્રત્યે એને આત્માતુલ્ય સભાવ હોય છે. બીજો જીવ લેશ દુભાય તો એને પોતાનો આત્મા દુભાયાની લાગણી થાય છે.
ભીતરમાં ઉઠતી ઉલઝનોને સુલઝાવવા સાધક પારાવાર મનોમંથન પણ કરતો હોય છે. ક્યારેક કોઈ એવી બાધારૂપ ઉલઝનને સુલઝાવવા સાધક ગંભીર અને ગમગીન બની આંતરમંથનમાં એવો ઊંડો ઊતરી જાય છે કે સ્થળ અને કાળનું સુદ્ધાં ભાન રહેતું નથી.