________________
સાધનાપથ અને આત્મજ્ઞાન
અંતરના શુદ્ધ ચૈતન્યની ભાળ મેળવ્યા વિનાના વ્રત-તપ-જ૫ ઈત્યાદિ પરમાર્થ દ્રષ્ટિએ જોતા લગીર સાર્થક નથી. કારણ કે આત્માનું ભવભ્રમણ મીટાવવામાં એ ખાસ કારગત નીવડી શકતા નથી. માટે પ્રથમમાં પ્રથમ શુધ્ધચૈતન્યની ભાળ મેળવવા જેવી છે.
ચેતનને પિછાણ્યો નહીંતો વ્રત ધરવાથી શું? સ્વચતન્યમાં સ્થિતિ થતી નથી ત્યાં સુધી સંસાર પરથી મતી હટતી નથી. આત્મરતી પેદા થતા જ સંસારરતી, સૂર્ય ઊગતા તિમિર પલાયન થઈ જાય એમ સ્વતઃ પલાયન થઈ જાય છે.
સ્વભાવની તન્મયતામાં કયારેકતો અમૃતના મેહ વરસે છે. સાધક તન-મન થી નિથલ થઈ એ અમૃત પીવા રસમાધિ લગાવી દે છે. સાધક પ્રતિમા જેવો અચલ બની અમૃત રસને આસ્વાદે છે. સ્વભાવ લીનતા આવી નિરવધિ સુખદાયી છે.
સ્વભાવ રમણતામાં સમય વહેતો જાણે થંભી ગયો હોય અને આખી સૃષ્ટિ પણ જાણે થંભી ગઈ હોય એવા અનુભવનું નામ સામાયિક છે. સામાયિક એટલે આખાને આખા અર્થાત સમગ્રપણે સ્વરૂપમાં જ સંપૂર્ણપણે સમાય જવું.
સ્વરૂપ લીનતામાં ઓતપ્રોત થતાં સમયનું ભાન મુદ્દલ ન રહેવા પામે એનું નામ ખરૂં સામાયિક છે. નિર્દિષ્ટ બે ઘડીનું સામાયિક પણ આવો અભ્યાસ પાડવા અર્થે છે. પોતાના સિદ્ધસમા સ્વરૂપની ઝલક પમાડી આપે તેનું નામ સામાયિક.
સામાયિકમાં સાધક ખરેખર નિJથમુનિ તુલ્ય બની જાય છે. અર્થાત મોહ, માયા, મમતાની તમામ ગ્રંથીથી એ વિમુક્ત બની જાય છે અને સ્વરૂપમાં જ ઓતપ્રોત બની જાય છે. એથી સંસાર સમગ્રથી એના તમામ જોડાણો એ સમય પુરતા તદ્દન છૂટી જવા પામે છે.
એવી આત્મસ્થિરતા ઉત્પન્ન થાય કે ચૈતન્યની સમગ્ર ગતી ચૈતન્યમાં જ થંભી જાય ત્યારે સિદ્ધમાં અને એવા સાધકમાં તમયે કોઈ જ અંતર નથી એમ કહેવાય. આવી આત્મસ્થિરતાને નિર્વિકલ્પસમાધિ પણ કહે છે. જે મહામુનિઓને લભ્ય હોય છે.