________________
૧૨
સાધનાપથ અને આત્મજ્ઞાન
ધ્યાનના બહાને ઘણા લોકો ખોટા વિચારતરંગે ચઢી જાય છે. જ્યાં સુધી ચિત્તમાં ‘આત્મા' સિવાય અન્ય કોઈ વ્યક્તિ વા પદાર્થનું સ્મરણ-ચિંતવન છે, ત્યાં સુધી આત્મધ્યાન નથી. બેદરકારપણે ધ્યાન કરવાથી મન સ્વભાવને બદલે વિભાવમાં પરોવાય ઉલ્ટે હાનિ નોતરે છે.
સ્વ-લક્ષ અને પર-લક્ષ બંને સારી રીતે સમજી લેવા ઘટે છે. માત્ર પરિભાષાથી નહીં પણ પ્રયોગ દ્વારા પિછાણી પિછાણીને સમજી લેવા ઘટે છે. - કારણ, ‘આત્મલક્ષ આપણે સાવ વિસરી ગયા છીએ. સ્વલક્ષ્યની નિપુણતા આવ્યા પછી જ આત્મયોગનો પ્રારંભ થાય છે.
સ્વલલ્ય આત્માનું જેટલું હિત કરે છે – પરલક્ષ્ય એટલી જ આત્માની હાનિ કરે છે. પરલક્ષ જ ખૂબ આત્મઘાતક છે. આરંભમાં કઠણ જણાય તો બહુ થોડો થોડો પણ સ્વલક્ષનો અભ્યાસ ખચીત કેળવવા લાયક છે. એ વિના ગહન શાંતિ-સમતા ઉપલબ્ધ થવાની નથી.
ચિત્તમાં પોતાના શુદ્ધચેતન્ય' સિવાય કોઈનું પણ સ્મરણ એ પરમાર્થથી ધ્યાન નથી. જીવ ! અન્ય પરમાત્માના સ્મરણ તો અપરંપાર કર્યા; હવે તારા જ ભીતરના પરમાત્માને ઓળખ તારી ભીતર કલ્પનાતીત મહાન એવું ભગવસ્વરૂપ રહેલું છે એને ઓળખી ધ્યાન કર.
જીવ! તું નિશ્વયે જાણ કે, આત્માને ઓળખી એમાં જ તલ્લીન તદાકાર થઈ જવું એ જ ખરું ધ્યાન છે. બાકી કહેવાતા અન્ય ધ્યાનોમાં કોઈ માલ નથી. એકવાર આત્મતન્મયતા જામશે તો તું એવા ગહન સુખને – એવી ગહન શાંતિને - પામીશ કે જેનું વર્ણન અસંભવ છે.
ચિત્તનું સંપૂર્ણપણે ચૈતન્યમાં થંભી જવું એનું નામ સદેહે મુક્તિ છે. સાધક અહીં સાક્ષાતપણે મુક્તિનો પરમાનંદ અનુભવે છે. સાથોસાથ અહીં યુગોયુગોના સંચિત કર્મો સ્વતઃ ખરવા લાગે છે, એથી ક્ષણે ક્ષણે અમાપ ‘આત્મવિશુદ્ધિ પણ નિષ્પન્ન થાય છે.
ભાઈ ! કરતાં-કરતાં તમે કુશળ ધ્યાન શીખી શકશો – બાકી, સકળકર્મથી વિમુક્ત થઈ પોતાની જ ભગવદ્દચેતનાને સાક્ષાત પામવી – સંવેદવી હોય તો “ધ્યાન' સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. હાં. ધ્યાન ‘સ્વનું જ કરવાનું છે – પર કોઈનું નહીં એ લગીર ભૂલવું ન ઘટે.