________________
રાજહૃદય ભાગ-૧૩ જિનેશ્વરદેવનું એવું વિધાન છે કે આત્મા અસંગ છે. ત્યાં તો નયજ્ઞાનનો પ્રયોગ છે એટલે નયનું કથન છે કે પરમાર્થનવથી આત્મા અસંગ છે. સંસારદશામાં પણ પરમાર્થનયથી આત્મા અસંગ છે. અત્યારે એને પરસંગના પરિણામ છે, ત્યારે તે વ્યવહારનયથી સંગી પણ છે. સંગવાળો પણ છે અને છતાં મૂળ સ્વરૂપે પરમાર્થનયથી અસંગ પણ છે.
વેદાંત કહે છે કે આત્મા અસંગ છે, જિન પણ કહે છે કે પરમાર્થનયથી આત્મા તેમ જ છે. એટલે અસંગ છે. “એ જ અસંગતા સિદ્ધ થવી,...” એ અસંગતા પર્યાયની અંદર, અવસ્થાની અંદર પ્રાપ્ત થવી, એની પ્રાપ્તિ થવી, અવસ્થામાં પણ અસંગતાની પ્રાપ્તિ થવી. એને સિદ્ધ થવી કહે છે. પરિણત થવી. પ્રાપ્ત થવી, સિદ્ધ થવી, પરિણતિ થવી તે મોક્ષ છે.” મોક્ષ એટલે ભાવ પ્રતિબદ્ધતાનો અભાવ. એને મોક્ષ કહ્યો. જે ભાવ પ્રતિબદ્ધતા છે તે ભાવબંધ છે. પછી દ્રવ્યબંધ તો એના ફળસ્વરૂપે છે. એટલે ત્યાં ભાવે આત્મા બંધાયો. એને બંધ કહે છે. અને એ બંધ થયો ક્યારે ? કે સ્વરૂપમાં ન રહ્યો ત્યારે. પોતાનો ભાવ પોતાના સ્વરૂપઆશ્રિત ન રહ્યો એટલે સ્વરૂપથી સર્યો તે સંસરણ એટલે સંસાર. એ સંસાર અથવા બંધ. અહીંયાં કહે છે કે એ જ દશા અસંગપણે, અસંગ સ્વરૂપમાં લિન થતાં પરિણત થઈ ગઈ, પ્રાપ્ત થઈ ગઈ તેને મોક્ષ કહેવામાં આવે છે.
પરભારી તેવી અસંગતા સિદ્ધ થવી ઘણું કરીને અસંભવિત છે, અને એ જ માટે જ્ઞાની પુરુષોએ, સર્વ દુઃખ ક્ષય કરવાની ઇચ્છા છે જેને એવા મુમુક્ષુએ. સત્સંગની નિત્ય ઉપાસના કરવી એમ જે કહ્યું છે, તે અત્યંત સત્ય છે. જુઓ ! કાલનો ચર્ચાનો વિષય આવ્યો. કાલે પૂજ્ય બહેનશ્રી સાથેની ચર્ચામાં (એક મુમુક્ષુએ) પ્રશ્ન કાઢ્યો હતો. ૨૬૯ ઉપરથી કાઢ્યો હતો ને ? પાનું-૨૯૯ લ્યો. મોક્ષથી અમને સંતની ચરણ–સમીપતા બહુ વહાલી છે;” બહુ વ્હાલી છે. એમ કેમ લેવું? એનો ઉત્તર આવી ગયો. જુઓ? મોક્ષ તો મુમુક્ષુનું ધ્યેય છે તોપણ એવું મોક્ષરૂપ અસંગતા પરભારી એટલે સીધેસીધી સિદ્ધ થવી એટલે પ્રાપ્ત થવી એ અસંભવિત છે. તેવું બનતું નથી. કે સીધેસીધો કોઈ જીવ મોક્ષમાં ચાલ્યો જાય છે. ઘણું કરીને એટલે કોઈ એક જીવને બાદ કરીને.
કોઈ એક જીવને બાદ કરીને એટલે શું છે? કે કોઈ તીર્થકર જેવા પુરુષ હોય, તો એ જ્ઞાન લઈને તો આવ્યા છે. એ કોઈનો સંગ કરે ત્યારે આગળ વધે એવું કાંઈ નથી હોતું. પોતે જગદ્ગુરુ છે. ગમે તેવા રાજકાજમાં ચક્રવર્તી, ભરત, શાંતિનાથ,