________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
રાજાએ મહેલમાં આવી દાસી કપીલાને આજ્ઞા કરી કે – “તારે આજે મુનિરાજને દાન આપવું પડશે.” તેણીએ કહ્યું – “હું આપની ચાકર છું. કહો તો વિષ ખાઉં, જીવતી બળી મરૂં પણ આ સાધુઓને દાન આપવાનું મારાથી નહીં બને અને ધરાર કપીલા ન માની એટલે કાલસૌરિકને બોલાવી રાજાએ કહ્યું કે - “આજે આઠે પ્રહરમાં તું એક પાડો ન મારીશ આ મારી આજ્ઞા છે.” તેણે કહ્યું- “મહારાજ ! એ કેમ બની શકે? જ્યારથી સમજણો થયો ત્યાંરથી બરાબર પાડા મારતો આવ્યો છું, એક દિવસનો ખાડો પાડ્યો નથી. બાવડે દરિયો તરી ખાબોચિયામાં ડૂબવા જેવું-આખો જન્મારો જે કર્યું તે એક દિવસ પણ કેમ પડતું મૂકું? મારે બધાં વગર ચાલે પણ મારા વ્યવસાય વિના તો ન ચાલે.' આખરે કોઈ રીતે ન માન્યો એટલે રાજાએ તેને પાણી વગરના કૂવામાં ઉતરાવી મૂક્યો. બીજે દિવસે પ્રભાતમાં જ પ્રભુ પાસે જઈ વંદન કરી કહ્યું-“પ્રભુકાલસૌરિકે ગઈ કાલે પાડા માર્યા નથી, તો હવે હું નરકગતિથી બચી ગયો?' પ્રભુ બોલ્યા-તેણે કૂવામાં કાદવના પાડા બનાવીને પણ માર્યા તો ખરા જ, માટે તારી ગતિમાં કશો ફેર પડ્યો નથી.'
આ જાણી રાજાને ઘણો આઘાત અને રંજ થયો. તેણે કહ્યું-“આપના જેવા કરુણાનિધાન નાથ મળવા છતાં મારે નરકે જવાનું એ મહાદુઃખ ને ખેદની વાત છે.' ભગવંતે કહ્યું-“શ્રેણિક, ખેદથી કશો ફાયદો નથી. બળવાન ભાવિને કોઈ અન્યથા કરી શકતું નથી. એનો ઉપાય પણ હોતો નથી છતાં તને હું એક અતિ હર્ષની વાત કહું. અતિદઢ સમકિતના પ્રભાવે ત્રીજે ભવે તું મારા જેવો જ પાનાભ નામનો પ્રથમ તીર્થંકર થશે.” ઇત્યાદિ પ્રભુના વચનો સાંભળી પ્રસન્નચિત્ત રાજા નગરમાં આવ્યા ને સુખે રાજય સંચાલન કરવા લાગ્યાં. .
શ્રેણિક મહારાજા રોજ ત્રણે-કાળ જિનપૂજા કરતા હતા, પ્રભુની સન્મુખ રોજ એક સો આઠ સુવર્ણના નવા યવ(જવ)નો સાથીયો કરતા હતા. તેમને કોઇ જાતના પચ્ચકખાણ ન હોઈ તે અવિરત હતા, પણ ક્ષાયિક સમ્યકત્વના પ્રતાપે તેઓ બોંતેર વર્ષની સ્થિતિવાળા શ્રી મહાવીર ભગવાન જેવા આવતી ચોવીશીમાં પહેલા તીર્થંકર થશે. -
પરમાર્થ-સંસ્તવ હવે સમતિના સડસઠ ભેદનું વર્ણન કરતાં, ચાર પ્રકારની શ્રદ્ધામાંથી પહેલી પરમાર્થસંસ્તવ નામની શ્રદ્ધાનું સ્વરૂપ કહેવાય છે.
જીવ-અજીવ આદિ તત્ત્વોનું સત્ આદિ સાત પદ વડે ચિત્તમાં સ્થિર ચિંતન કરવું તે પહેલી શ્રદ્ધા કહેવાય.
જીવ એટલે પ્રાણોનો ધારણ કરે છે, તેના સ્વરૂપનો બોધ એ જીવતત્ત્વ. તેનાથી જૂદો