________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ ઉજ્જડ–વૈરાન બનાવી તેની ભૂમિ પર ગધેડા પાસે હળ ખેડાવું ત્યાર પછી જ અહીંથી પાછો જાઉં. વર્ષો વીત્યા પણ કોણિક ફાવ્યો નહીં. નિરાશ થયો પણ તેણે ભરડો ઉપાડ્યો નહીં.
૪૬
એવામાં કોઈ ક્ષેત્રદેવતાએ તેને જણાવ્યું કે અમુક નદીના કાંઠે રહેતા તપસ્વી પણ ગુરુવચનના ઉત્થાપક એવા કૂળવાલક નામના મુનિને માગધિકા નામની ગણિકા લાવે તો તે મુનિ આ નગરીના નાશનું કારણ શોધી આપશે. કોણિકે આ કાર્ય માટે માગધિકાને તૈયાર કરી. તે પણ બનાવટી શ્રાવિકા થઈ ત્યાં આવી, વંદનાદિ કરી બોલી- ‘ભગવન્ ! હું યાત્રાએ નિકળી છું. મુનિરાજો તેમજ દહેરાસરો જુહાર્યા વગર હું પાણી પણ લેતી નથી. આજ આપના દર્શનથી હું કૃતાર્થ થઇ.... વિના વાદળે વૃષ્ટિ થઇ.... ધન્ય છે કૃપાળ ! મને આહારાદિનો લાભ દો.’ એમ કહી તેણે આદ૨પૂર્વક મોદક વહોરાવ્યા. પણ તેમાં નેપાળાનું ચૂર્ણ મેળવેલું હોઇ મુનિને ઝાડા થઈ ગયા. ત્યાં બીજું કોઈ સારવાર કરે તેવું હતું નહીં. તેથી ગણિકા સેવા સુશ્રુષા કરવા લાગી. પણ મુનિને ઝાડાનું પ્રમાણ વધી જવાથી ઘણી અશક્તિ આવી ગઇ હતી.
પહેલા તો કપડાં અને પછી તો મુનિનું શરીર પણ ગણિકા ધોવા લાગી. આમ રૂપવતી યુવતીનો સ્પર્શયુક્ત સહવાસ સહચારમાં પરિણમ્યો. મુનિનું પતન થયું. ગણિકા તેમને સાથે લઇ કોણિક પાસે આવી. કોણિકે મુનિને વિશાલા નહીં જીતાવાનું કારણ પૂછતાં તેણે કહ્યું -‘મુનિવેશે હું નગરીમાં જઈ શકીશ અને કારણ જોઇ તમને જણાવીશ. તેણે નગરીમાં પ્રવેશ કરી જાણ્યું કે અહીં શ્રી મુનિસુવ્રતસ્વામિનો સ્તૂપ હોવાથી આ નગરી અજેય છે.' એવામાં કેટલાક લોકો ત્યાં આવી પૂછવા લાગ્યા - ‘મહારાજ ! આ યુદ્ધનો અંત ક્યારે આવશે ? બાર બાર વર્ષ થયા હવે તો બધી રીતે થાકી ગયા છીએ.' દુર્વિનીત સાધુએ કહ્યું કે- ‘આ સ્તૂપ પાડી નાંખો એટલે યુદ્ધનો અંત.’ લોકોએ ઉત્સાહમાં આવી સ્તૂપ તોડવા માંડ્યો. અહિં સંકેત પ્રમાણે કોણિક ઘેરો ઉપાડી બે ગાઉ પાછો જતો રહ્યો. લોકોને વિશ્વાસ જતાં તેમણે મૂળમાંથી સ્તૂપ ઉખાડી પાડ્યો. રાજા-પ્રજા નિર્ભય થયા. બાર વર્ષથી બંધ દરાવજા ઉઘાડી નાંખ્યા. લોકો આનંદમાં આવી ગયા. ત્યાં અચાનક કોણિકે નગરમાં પેસી આક્રમણ કર્યું અને કોઇ કલ્પી પણ ન શકે તેવું ઘોર યુદ્ધ થયું.
આવું યુદ્ધ આ અવસર્પિણીમાં ક્યાંય થયું નથી. તેમાં એક કરોડ એંશી લાખ માણસો મર્યા. તેઓમાંથી દશ હજાર માછલાં થયાં. એક દેવ થયો. એક સારા કુળમાં મનુષ્ય થયો. બાકી બધા તિર્યંચ અને નારક થયા. વિશાળાની દુર્દશા ને પરાજય જોઇ ચેડારાજા ચાલી જવાની તૈયારી કરતા હતા, ત્યારે કોણિકે તેમને કહ્યું-‘હે તાત ! તમે મારા પૂજ્ય છો, હું તમારો દાસ છું. તમે જતા રહેવાનો વિચાર ના કરતા. આપ જેમ ફરમાવશો તેમ કરીશ.' ચેડારાજાએ કહ્યું-‘ભાઈ ! થોડીવાર ઉભો રહે. હું આ વાવડીમાં સ્નાન કરી આવું છું.' એમ કહી તેઓ વાવડીમાં ઉતરી મોટો પથરો ગળે બાંધી અરિહંતાદિના શરણા કરી સમાધિપૂર્વક વાવડીમાં કૂદકો માર્યો ત્યાં ધરણેન્દ્રે તેમને ઝીલી લીધા. પથરો દૂર કરી પાતાળલોકમાં પોતાને સ્થાને લાવ્યા. તેમણે ઘણું સમજાવ્યું પણ ચેડારાજા ન માન્યા અને અણસણ લઈ આઠમે સ્વર્ગે દેવેન્દ્ર થયા.