________________
૬૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ તુંબડી કોઈ સાધુપુરુષ પાસે હોય તો તે પાત્રની શોભા પામે. ગવૈયા પાસે હોય તો તેને વાંસમાં જોડી એકતારો કે તંબૂરો બનાવે, સરસ મજાનું ગાય અને તુંબડીમાં જોડેલા તારમાંથી સુમધુર સૂર પેદા કરે. તરવા ઈચ્છનાર તુંબડીને કેડે બાંધી દુસ્તર જળ-પ્રવાહને સહેલાઈથી તરી જાય છે. વ્યસની તેમાં દારૂ પીવે કે કાપાલિક લોહી ભરી પીવે, અર્થાત્ તુંબડી કદાચ એકજ વેલડીની હોય, પણ સંગત પ્રમાણે ગુણ-દોષ દેખાય છે.
એકવાર શ્રીધરના ઘરમાં ચોર લોકોની ધાડ પડી. તેના ઘરમાંથી સારભૂત બધી વસ્તુઓ તે ઉઠાવી ગયા. છેવટે શ્રીધરને ખાવામાં પણ સાંસા પડવા લાગ્યાં. શું કરવું? કાંઈ સમજાયું નહીં. છેવટે ઘરમાં ભેગાં કરેલા દેવતાઓ પાસે ત્રણ દિવસની લાંઘણ કરી બેઠો. ત્રીજા દિવસે એક દેવે કહ્યું- તું શા માટે મારી સામે ભૂખે મરે છે?” તેણે કહ્યું- “ઘણી ઉપાધિમાં આવી પડ્યો છું. કોઈ રીતે મને માર્ગ બતાવો, સંપત્તિ વિના હવે તો આબરૂ પણ જવા બેઠી છે.” ખીજાયેલા દેવે કહ્યું
જા પેલી કુળદેવતા પાસે, તારી તો એ સગી છે, ને તને તો તેના ઉપર અપાર વિશ્વાસ છે. જા ત્યાં. તેણે કુળદેવતાને વિનંતી કરી, તેણે કહ્યું-“અરે ! અક્કલ વિનાના, મારી પાસે આવતાં તને શરમ પણ ન આવી, હું તારા કુળની પરંપરાની દેવી અને તું મને મૂકી બીજે રડ્યો. મારું મહત્ત્વ ઝાંખું પાડ્યું. ઊઠ ઊભો થા, જા તારા વ્હાલા ગણેશ પાસે.” તેણે ચંડિકા બતાવી, ચંડિકાએ યક્ષ બતાવ્યો. યક્ષે કહ્યું જા, જા, ડાહ્યા તારા શાસનદેવતા પાસે જા. જ્યારે હોય ત્યારે શાસનદેવતાના ગુણ ગાતો ફરતો હતો હવે ત્યાંજ જાને, એ જ તારો ઉદ્ધાર કરશે ચાલ ભાગ અહીંથી. અને એ ગભરાઈને શાસનદેવીને શરણે ગયો. તેણે કહ્યું- “ભાઈ, સ્વસ્થ થા. નિદ્રા-પ્રમાદ-વિકથાનો ત્યાગ કરી સર્વદોષ રહિત-સમસ્તગુણના ભંડાર એવા દેવાધિદેવનું શરણ લે. તેમને ભજ, તેમની સેવા આદિ કર તો તારું કલ્યાણ થાય.” અને તે પોતાના ધર્મમાં સ્થિર થયો. શાસનદેવીએ તેને પછીથી ચિંતામણિ રત્ન આપ્યું.'
તેથી તે અતિસમૃદ્ધિશાળી થયો, પ્રાંતે થોડા જ ભવ કરી તે મુક્તિ પામ્યો. શ્રી જિનશાસનના જાણકાર જીવે દોષોમાં ગહિત અને ઉપહાસ્યપાત્ર કાંક્ષા નામનો દોષ ન લગાડવો. દોષથી શ્રીધરની જેમ અસ્થિરતા અને ઉપાધિ મળે છે, ને ત્યાગથી તેની જેમ જ સર્વ સમૃદ્ધિ અને છેવટે મુક્તિ મળે છે.
૨૧
વિચિકિત્સા દેશથી (આંશિક) અથવા સર્વથી સંપૂર્ણ) પોતે આચરેલી ક્રિયાના ફળમાં સંદેહ કરવો તેને વિચિકિત્સા નામનું દૂષણ સમજવું. સામાયિક, પૌષધ, પ્રતિક્રમણ, તપ, જપ, વ્રત, પચ્ચકખાણ આદિ ક્રિયાનું-વાવેલા બીજનું ફળ મળે તેમ ફળ મળશે કે નહીં ? ફળમાં સંદેહ થવો તેનું નામ