________________
૧૪૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ મહિના વીત્યા. જીર્ણશેઠને હવે વિશ્વાસ થઈ ગયો કે ભગવાને ચારમાસી તપ કર્યું, તેનું આજે અવશ્ય પારણું હશે. તે પ્રભુ પાસે આવી બોલ્યો -“ઓ નિતારક નાથ ! દુર્વાર સંસારરોગના ધવંતરી ! આપની કરુણામય દષ્ટિ એકવાર મારા ઉપર નાંખો. મારી વિનતિ સ્વીકારજો ને આજે પારણા માટે અવશ્ય પધારજો.” એમ કહી તે ઘરે આવ્યો. પ્રભુના સ્વાગતની તૈયારી કરી. મધ્યાહુને પ્રભુને આવવાનો સમય થતાં મોતીનો થાળ ભરી પ્રભુને વધાવવા તે આંગણામાં આવી ઉભો અને ભાવના ભાવવા લાગ્યો કે-“હમણાં જ ત્રિલોકબંધુ ભગવાન પધારશે. હું પરિવાર સાથે તેમને વંદન કરીશ. શાતા પૂછીશ. તેઓ કરુણામય નજરે અમને જોશે. ઘણા આદરમાન સાથે ઘરમાં પધરાવીશ. ઉત્તમ પદાર્થો તેમને વહોરાવીશ અને શેષ ભાગ મારા આત્માને ધન્ય માનતો શાંતિથી ખાઈશ.” ઈત્યાદિ શુભ ભાવથી શેઠે બારમા દેવલોકને યોગ્ય કર્મ ઉપાર્યું.
એવામાં ભગવંત તે જ શેરીના નાકે અભિનવશેઠને ત્યાં પધાર્યા. વીતરાગી ભગવાન ! એમની તો વિસ્મય પમાડે તેવી સમતા. અભિનવશેઠને ત્યાં સહુએ જમી પરવારી લીધું હતું. થોડા અડદના બાકળા હતા તે પ્રભુને ધર્યા. પ્રભુએ હાથ લાંબો કરી સ્વીકારી લીધા. દાનના પ્રભાવથી ત્યાં પુષ્પ-વસ્ત્ર અને સુવર્ણમુદ્રાની વૃષ્ટિ, દુંદુભિનો આકાશમાં ગડગડાટ અને “અહો દાનમ્... અહો દાનમ્'ની ઘોષણા સ્વરૂપ પંચદિવ્ય પ્રગટ થયાં. ભાવનાની હેલીએ ચઢેલા જીર્ણશેઠની વિચારધારા દુંદુભિ ગગડતાં જ ટુટી પડી. નક્કી ભગવાને બીજે પારણું કર્યું. હું અભાગી. નિષ્ણુણ્ય અને અધન્ય છું માટે જ પ્રભુ મારે ઘરે પધાર્યા નહીં.' એમ વિચારી તેઓ ઘરમાં આવી જમવા બેઠા.
કેટલાક વખત પછી એક જ્ઞાની ગુરુમહારાજ પધારતાં રાજા વંદને આવી કહેવા લાગ્યો“મારૂં નગર વખાણવા યોગ્ય છે. કેમકે શ્રી મહાવીરપ્રભુ જેવાં મહાતપસ્વીને પારણું કરાવનાર અભિનવશેઠ જેવા ધર્માત્મા અહીં વસે છે. તેથી મારું નગર શોભાપાત્ર છે. ગુરુએ કહ્યું-“રાજા, અભિનવશેઠની દ્રવ્ય (બાહ્ય) ભક્તિ હતી, જે સાવ સુલભ છે, ત્યારે જીર્ણશેઠની (અંતરંગ) ભાવભક્તિ હતી. તેણે વગર પારણું કરાવ્ય મહાપુણ્ય બાંધ્યું છે. જો તેણે દુંદુભિનાદ ન સાંભળ્યો હોત, તેની ભાવવધારા ન તૂટી હોત તો તેને થોડી જ વારમાં કેવળજ્ઞાન થાત. એવી હતી તેની ઉત્તમ ભાવનાશ્રેણી.” આ સાંભળી સહુ દ્રવ્ય અને ભાવ ભક્તિમાં સાવધાન થયા અને જીર્ણશેઠની ખૂબ અનુમોદના કરવા લાગ્યા. જીર્ણશેઠ બારમે દેવલોકે ગયા, ક્રમે કરી મોક્ષે જશે.
૪૦
પાંચમું ભૂષણ-તીર્થસેવા તીર્થોની સતત સેવા, સંવેગશીલ મુનિઓનો નિરંતર સંગ કરવો તે તીર્થસેવા સ્વરૂપ સમ્યક્ત્વનું પાંચમું ભૂષણ છે. સંસારસાગર જેનાથી તરાય તે તીર્થ કહેવાય. શત્રુંજય ગિરનાર,