________________
૧૬૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ જવાતો હતો. ગધેડા પર બેસાડી ફેરવાતો ને અનેક વિડંબના સહતો રાણીના જોવામાં આવ્યો. રાણીએ રાજાને કારણ પૂછતાં રાજાએ રાજપુરુષને પૂછતાં તેણે કહ્યું-“આ ચોર છે. તેને નગરમાં આમ ફજેત કરી આજે શૂળીએ ચડાવવામાં આવશે. આ સાંભળી રાણીને દયાની લાગણી થઈ આવી. તેણે રાજાને કહ્યું- બીચારો ચોર માર્યો જશે. તેણે શું ખાધું ભોગવ્યું હશે? તમારી પાસે થાપણ રહેલું વચન હું આજે માગું છું કે આજનો દિવસ આ ચોરને મારો મહેમાન બનાવવા દો.' રાજાએ સ્વીકાર કર્યો. રાણીએ ચોરને તેડાવી, સ્નાન, વસ્ત્ર અલંકારથી સજાવરાવી, ઉત્તમ ભોજન કરાવી, મનોવિનોદની આશ્ચર્યકારક ગોઠવણ કરી. આમ શૈલી ઉપર ચઢાવતાં ચોરને તેણે એક દિવસનું જીવન આપ્યું અને તેના પ્રમોદ માટે એક દિવસમાં એક હજાર સુવર્ણમુદ્રાનો વ્યય કર્યો.
બીજા દિવસે બીજી રાણીએ રાજાને વિનંતી કરી અને ચોરને મહેમાન બનાવ્યો. તેના આમોદ-પ્રમોદ માટે રાણીએ દસ હજાર સુવર્ણમુદ્રાનો વ્યય કર્યો. ત્રીજા દિવસે ત્રીજી રાણીએ લાખનો અને ચોથા દિવસે ચોથી રાણીએ કરોડ દ્રવ્યનો વ્યય કર્યો. પાંચમા દિવસે રાજદરબારમાં ચોરને ઉપસ્થિત કરવામાં આવ્યો. ચોરનો ચહેરો ફીક્કો ને ભયથી આતંકિત હતો. એવામાં રાજાની અણમાનીતી પાંચમી રાણી આવી રાજાને કરગરતી કહેવા લાગી કે-“હે નાથ ! આજ સુધી મેં આપની પાસે કદી કાંઈ માંગણી કરી નથી. આજે વિશ્વાસ લઈ આવી છું કહો તો યાચના કરૂં આપ તો દયાળુ છો જ. રાણીની નમ્રવાણીથી પ્રસન્ન થયેલા રાજાએ કહ્યું- “તારી જે ઈચ્છા હોય તે કહે રાણી બોલી-“આ ચોરને ક્ષમા આપી છોડી દો.” રાજાએ તેની પ્રાર્થના માન્ય રાખી ચોરને મુક્ત કર્યો. બીજી રાણીઓ હસવા લાગી કે આણે તો કાંઈ ખર્ચ કર્યું નહીં, ને આવી મોટી પ્રાર્થના કરવા ! બીજીએ કહ્યું-ખર્ચે શું? પાસે જોઇએ ને?” અણમાનીતીએ કહ્યું-નાણા ખર્ચીને જ કાંઇ ઉપકાર થતો નથી.”
આ સાંભળી ચારે રાણીએ તેને નાણાની-રૂપિયાની મહત્તા બતાવી. વાત વધી પડતાં રાજાએ હસ્તક્ષેપ કરતા ચોરને પૂછ્યું, “આ પાંચ રાણીઓ પૈકી કઈ રાણીએ તને વધારે સુખઆમોદ-પ્રમોદ આપ્યા ને વધુ ઉપકાર કર્યો. ચોરે ઉત્તર આપતાં કહ્યું-“મહારાજા ! જો કે મહારાણીબા આદિએ ઘણો ખર્ચ કર્યો હશે મેં જીવનમાં નહીં જોયેલાં-સાંભળેલા પદાર્થો તેમને ત્યાં ખાધાંભોગવ્યાં, જોયાં હશે ! પરંતુ ખરું પૂછો તો મને કશામાં જરાય સ્વાદ આવ્યો નથી. અરે ! મને યાદ પણ નથી કે મારી સામે શા શા કૌતુક કરવામાં આવ્યાં હતાં. જેમ સિંહની સામે બકરાને બાંધી તેને લીલાં લીલાં યવ નીરવામાં આવે છતાં તેને સામે મૃત્યુ જ દેખાતું હોય તેવી મારી દશા હતી, પરંતુ કોઈક વણિક શેઠના ઘરે રહી સૂકું ઘાસ ખાઈ ઉછરતા વાછરડા જેવો આનંદ આજ મને જીવિતના લાભથી મળ્યો છે. આજે જે હર્ષ હું અનુભવું છું તેવો ક્યારેય કલ્પનામાં પણ અનુભવ્યો નથી. આનંદ માતો નથી ને હૃદય જાણે નાચી ઉડ્યું છે. આ સાંભળી રાજાએ અભયદાનની પ્રશંસા કરી અને તે રાણીને પણ ઉચિત સ્થાને પુનઃ સ્થાપન કરી.