________________
૨૪૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
કરી આપ્યો. અને સાવચેતીની સમજણ આપતા કહ્યું- ‘જુઓ ! સમૃદ્ધિશાલી શ્રીમંતે હીરા, માણેક, મણિ આદિથી ભરેલું ઘર તર્પણ કર્યું. (પુણ્યાર્થે બાળી નાંખ્યું) તેથી લોકો તેની ઘણી પ્રશંસા કરવા લાગ્યા કે આ શેઠ કેવા નિર્લોભી છે ? ઝવેરાતથી ભર્યું ઘર બાળી નાંખ્યું. પણ ક્ષણવારમાં પવનનું ઝાપટું લાગતાં અગ્નિની જ્વાળાએ બાજુના ઘર પણ પકડમાં લીધા ને જોતજોતામાં આખું ગામ બળીને રાખ થઈ ગયું. ખીજાયેલા રાજાએ શેઠને પકડીને દેશપાર કાઢી મૂક્યો.
વળી બીજી વાર કોઈ બીજા શેઠને યશોવાદના અભરખા જાગ્યા ને તેણે પણ ઝવેરાત ભરેલા ઘરને ફૂંકવાની તૈયારી કરી. રાજાને ખબર પડતાં જ તેનું વારણ કરી નગરજનો પર આવી પડતી આપત્તિનું નિવારણ કર્યું. તેવી જ રીતે હું પણ તમને ચેતવું છું કે - ‘આ દેખાવ કરતા સાધુની ખોટી પ્રશંસા ક૨વાનું છોડી દો. કારણ કે આ બિચારો પોતાની પ્રશંસા થાય તે માટે જ આ બધો અભિનય કરે છે.' આ સાંભળ્યા પછી થોડી ચોકસાઈ કરતા તેમને આગંતુક મુનિની વાત સાચી લાગી અને તેમની શિખામણ તેઓએ શિરોમાન્ય કરી.
વિજયસેનસૂરિજીએ પણ રુદ્રાચાર્યના શિષ્યોને કહ્યું કે - ‘હે મહાનુભાવો ! અમે તમારા આચાર્યની યોગ્યતા જોઈ લીધી છે, તેઓ અતિ ક્રૂર અને જીવદયાથી સાવ નિરપેક્ષ હોય એમ લાગે છે કે તેઓ અભવ્ય હશે. તેઓના સંસર્ગમાં તમારા ચારિત્રને માટે સદા જોખમ રહેલું છે.’ ઇત્યાદિ સાંભળી તે પાંચસો શિષ્યો આચાર્યની ચર્ચાનું પર્યવલોકન કરવાની પરિસ્થિતિ પામી ગયા. તત્કાળ તેમનો સાથ છોડી ઉત્તમ પ્રકારે સંયમ આરાધી દેવલોક પામ્યા. ત્યાંનું આયુષ્ય પૂરું થયે દિલીપ રાજાને ત્યાં એ પાંચસો એ પાંચસો પુત્ર તરીકે ઉપન્યા. ક્રમે કરી યુવાવસ્થા પામ્યા.
ગજપુર નરેશે પોતાની યૌવનવતી પુત્રીનો સ્વયંવર મંડપ માંડ્યો હતો. અનેક રાજા અને રાજપુત્રોને આમંત્રણ આપતા દિલીપ રાજાના પાંચસો કુમારને પણ આમંત્ર્યા હતા. તેઓ સ્વયંવર મંડપમાં બેઠા હતા ત્યારે (અંગારમર્દક - રુદ્રાચાર્યનો જીવ ઘણા ભવોમાં ભમી ઊંટ બન્યો હતો તે) ઊંટ પર ઘણો બધો ભાર ભરીને કોઈ વટેમાર્ગુ તેમની પાસેથી નીકળ્યો. ભાર ઘણો હોઈ ઊંટ ઉતાવળે ચાલી શકતો ન હતો. તેથી તેનો માલિક તેને જોરથી ચાબુક ફટકારતો હતો અને ઊંટ બરાડા પાડતો હતો. તેની દશા દયનીય હતી. આ જોઇ પાંચસો રાજકુમારને દયા આવી તેઓ બોલી ઊઠ્યા- ‘અરે આ બિચારાએ પૂર્વભવમાં શા દુષ્કર્મ કર્યા હશે કે આ ભવમાં આવો દુઃખિયારો, અનાથ, અશરણ થઈ માર ને ગાળો ખાય છે, શક્તિ ઉપરાંત ભાર વેંઢારે છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે, ‘તિર્યંચનું આયુષ્ય-ગૂઢ હૃદયવાળો (અંતર કપટી) શઠતા આચરવાવાળો અને શલ્યવાળો જીવ બાંધે છે. આણે એવું તો શું કર્યું હશે ? એમ વિચારતા સ્વયંવર મંડપમાં પાંચસો રાજકુમારોને જાતિ સ્મરણ જ્ઞાન થઈ આવ્યું. આ ઊંટને પૂર્વભવનો ઉપકારી માની તે વટેમાર્ગુને મોં માગ્યા દામ આપી તેની પાસેથી છોડાવ્યો. ભવનાટકના આ દૃશ્યને પ્રત્યક્ષ નિહાળી વૈરાગ્ય પામેલા પાંચસો કુમારો ઊભા થયા ને ત્યાંથી સીધા ગુરુ મહારાજ પાસે આવી ચારિત્ર્ય લીધું. ત્રિકરણ શુદ્ધે સંયમ પાળતા સર્વે કેવળી થયા અને મુક્તિ પામ્યા.