________________
૧૭૭
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
ઐરિક તાપસને પણ જાણ થઈ કે આ નગરનો એક શ્રીમંત મને વંદન કરવા આવ્યો નથી તેથી તેને ક્રોધ ચઢ્યો પણ શું થાય? એમાં ત્યાંના રાજાએ પારણું કરવા મહેલમાં પધારવાની સાગ્રહ વિનંતિ કરી. તાપસે કહ્યું- “જો કાર્તિક શેઠ પીરસે-જમાડે તો તમારે ત્યાં પારણું કરું. રાજાએ હા પાડી, ઘેર આવ્યા ને કાર્તિક શેઠને વાત કરી. શેઠ સાંભલી ખિન્ન થયા. તે વ્રતધારી શ્રાવક હતા. સમ્યકત્વ અને વ્રતને બાધા પહોંચતી હતી. રાજાભિયોગના આગારનો વિચાર કરી ન છૂટકે તેઓ બોલ્યા-“આપનો તેવો આગ્રહ છે તો આપના કહેવાથી તેને જમાડવા આવીશ.” બીજે દિવસે સમય થતાં શેઠ રાજમહેલમાં આવ્યા. તાપસ પણ આવી પહોંચ્યો હતો.
પારણા વખતે કાર્તિક શેઠ તેને પીરસવા નમ્યા, ત્યારે ગૅરિકે પોતાના નાક પર આડી આંગળી ઘસી સંજ્ઞા કરતા જણાવ્યું કે-કેવું નાક કાપ્યું ! તું તો નમતો ન હતો પણ મેં કેટલો નમાવ્યો?” આથી શેઠને ઘણું લાગી આવ્યું. તેમણે વિચાર્યું કે “આ સંસારમાં રહેવાનાં ફળ છે. જે પહેલાથી જ દીક્ષા લીધી હોત તો આ પરાભવ સહવાનો વખત ન આવત.” ઘેર આવી તેણે પોતાના મિત્ર-સંબંધી વેપારી વર્ગમાં વાત કરી કે મારે દીક્ષા લેવી છે.
એમની વાતની એવી અસર થઈ કે એક હજાર શેઠિયાઓ અને શ્રેષ્ઠી પુત્રોએ તેમની સાથે દીક્ષા લીધી. બાર વર્ષ ચારિત્ર ધર્મ પાળી, દ્વાદશાંગીના જ્ઞાતા થઈ પ્રાંતે પ્રથમ દેવલોકમાં સૌધર્મ નામના ઈન્દ્ર થયા. ઐરિક પણ ઘણું ઘોર પરન્તુ બાલ તપ કરી પ્રાંતે તે જ સૌધર્મેન્દ્રનો ઐરાવત હાથી થયો. નવા ઉત્પન્ન થયેલા તે દિવ્ય હાથીએ અવધિજ્ઞાનથી જાણી લીધું કે તે કાર્તિક શેઠ જ ઈન્દ્ર થયો છે. તેથી તેને ઈન્દ્રને સવારી ન કરવા દેવા ઘણા તોફાન કર્યા ને છેવટે ભાગવા લાગ્યો. પણ ઈન્દ્ર પોતાના સામર્થ્યથી તેને પકડયો. ઈન્દ્રને હરાવવા હાથીએ બે રૂપ કર્યા તો ઇન્દ્ર પણ બે રૂપ કર્યા. તેણે ચાર તો ઈન્દ્ર ચાર, આમ બંને પોતાના રૂપ વધારતા ગયા. તે જોઈ વિચારમાં પડેલા ઈન્દ્ર અવધિજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે આ તો ઐરિક છે. તરત ઇન્દ્ર હાથી પર ચડી જતાં તર્જના કરતાં કહ્યું
“રે ઐરિક ! જરાક તો સમજ, સમજણ વગરના આટલા તપ-અનુષ્ઠાન નિષ્ફળ ગયા. હવે અહીં તારું શું ચાલે એમ છે?” ઈન્દ્રના પ્રતાપને નહીં સહી શકતો તેના વચન સાંભળી તે નમ્ર થયો ને કહ્યા પ્રમાણે વર્તવા લાગ્યો. ઈન્દ્ર બનેલા કાર્તિક શેઠનો જીવ એક અવતાર કરી મોક્ષે જશે. (આ વાત શ્રી ભગવતીસૂત્રમાં સવિસ્તર છે.) અર્થાતુ પોતાના નિયમ વિરુદ્ધ આ રાજાજ્ઞા હતી પણ રાજાભિયોગેણં નામનો આગાર રાખેલ હોઈ નિયમનો ભંગ થયો ગણાય નહીં.
કેટલાક દઢધર્મી આત્માઓ એટલા પ્રબળ અને આંતરિક શક્તિવાળા હોય છે કે રાજા આદિની આજ્ઞાને પણ મહત્ત્વ ન આપી, પોતાનો નિયમ સાચવે છે. તેઓ એમ દઢતાથી માને છે કે નિયમ ઉપર જ ધર્મ ઉભો છે. નિયમ એટલે નિયમ. તે સંબંધમાં કોશાનું દૃષ્ટાંત છે.