________________
૨૦૦
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ કઠોર સાધનાની પ્રશંસા કરતો તે પાછો ફર્યો. રાત વિતાવી બીજી પરોઢે તે વનમાં ગાયો ચરાવવા ઉપડ્યો. મુનિને તે જ જગ્યામાં – તેવી જ રીતે ધ્યાનમાં ઉભેલાં જોઈ આશ્ચર્ય પામ્યો. આવી ટાઢમાં હાડ પણ થીજી જાય, માણસ મડદુ થઈને પડે. આમને ધન્ય છે.” અને એ જાણ્યે અજાણ્યે મુનિ પાસે આવી ઊભો તેમના દર્શન કરતો પોતાને પણ ધન્ય માનતો રહ્યો. એટલામાં સૂર્યોદય થતાં મુનિ “નમો અરિહંતાણં બોલી આકાશ માર્ગે ચાલ્યા ગયા. આથી સુભગ ગોવાળે ચિંતવ્યું કે આ નમો અરિહંતાણે આકાશગમનનો મંત્ર લાગે છે. આનાથી તેઓ આકાશમાં ઉડી ગયા.
તેમણે આખી રાત ધ્યાન ધર્યું તેથી ઊડી શક્યા. જો હું પણ ધ્યાન ધરું તો હું પણ આકાશ વાટે જઈ શકું. બસ પછી તો એ નવરો પડેને “નમો અરિહંતાણં'નું ધ્યાન ધરે. એકવાર તેને ધ્યાનમાં જોઈ તેના શેઠે પૂછ્યું - “તું શાનું ધ્યાન કરે છે?” તેણે કહ્યું “નમો અરિહંતાણં'નું. “ક્યાંથી શિખ્યો?” તે બોલ્યો- “એક મુનિ પાસેથી.” અને તેણે આખી વાત કહી, શેઠે રાજી થઈ આખો નવકાર શિખવ્યો ને તે બરાબર ગણવા લાગ્યો. એવામાં આવ્યું ચોમાસું. ઝરમર મેઘ વર્ષે ને પૃથ્વી હરિયાળીથી હર્ષ. ગોવાળ ગાયો લઈ ચાલ્યો વગડામાં, વચમાં આવેલ એક નદી ઉતરીને ગયો સામે પાર. વરસાદ તો વધવા લાગ્યો. થોડીવારમાં તો પાણી પાણી થઈ ગયું. નદીમાં આવ્યું પુર. સાંજ પડવા આવી પણ પાણી ઓછાં થયાં નહિ. ગામમાં જવાય કેમ ! જ્યાં જુઓ ત્યાં જળ બંબાકાર તેને લાગ્યું કે- “હવે ઘણા જાપ થઈ ગયા હોઈ હવે આકાશમાં ઉડી શકાશે.” એણે નદી કાંઠે આવી “નમો અરિહંતાણં' કહી કૂદકો માર્યો. ઉડવાને બદલે પડ્યો પાણીમાં. એ જ્યાં પડ્યો ત્યાં મોટો અણીદાર ખીલો ઉભો હતો. છાતીમાં વાગવાથી એ તરત મૃત્યુ પામ્યો. અને તે જ અતુદત્ત શેઠને ત્યાં બાળક રૂપે અવતર્યો. તે એટલો બધો સુંદર હતો કે તેનું નામ સુદર્શન પાડવામાં આવ્યું. યુવાન થતાં મનોરમા નામની એક શ્રીમંત શ્રેષ્ઠીની કન્યા સાથે તેના લગ્ન થયાં. દામ્પત્યના ફળસ્વરૂપ તેને દીકરા પણ થયા.
ત્યાંના રાજાના પુરોહિત કપિલ સાથે સુદર્શનને મૈત્રી હતી, પુરોહિત ઘણીવાર પોતાની પત્ની પાસે સુદર્શનના ગુણ અને સૌન્દર્યના વખાણ કરતો. તેની ઉદારતા, સજ્જનતા આદિની ઘણી ઘણી પ્રશંસા કરતો. તેથી પુરોહિત પત્નીને આશ્ચર્ય તો થતું જ પણ ભારોભાર અનુરાગ પણ થયો. એકવાર પુરોહિત બહાર ગયા હતા ત્યારે તે સુદર્શનના ઘરે આવી કહેવા લાગી કે- સ્વાથ્ય સારું ન હોવાથી તમારા મિત્ર તમને યાદ કરે છે. ઘેર ચાલો, સરળ સ્વભાવે સુદર્શન તેના ઘરે આવ્યા. સુદર્શને પૂછ્યું- “મારા મિત્ર ક્યાં?” કપિલાએ કહ્યું – “અંદર સૂતા છે.” તે અંદર જતા બારણા બંધ કરી કપિલા તેમની પાસે જઈ લજ્જા-મર્યાદા છોડી સહચારની માગણી કરવા ને તેવી ચેષ્ટા કરવા લાગી. ઉત્તરમાં શેઠ સુદર્શને કહ્યું – “હું તો નપુંસક છું. મારી સાથે ગમે તેટલી ચેષ્ટા કરીશ તો ય ઇચ્છા પૂરી થશે નહીં.” પેલીની બધી ઉત્તેજના ટાઢી થઈ ગઈ ને શેઠ ત્યાંથી બચીને ઘરે આવ્યા.