________________
૨૦૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ આત્માના સાવ અજાણ એવા જીવો અથવા તો શરીરને સર્વસ્વ સમજી ભટકી રહેલાઓ આત્માનું નાસ્તિત્વ એટલે ન હોવાપણું સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે. તેમને એ ખ્યાલ નથી આવતો કે જેનો નિષેધ કરાય તે પદાર્થ ક્યાંક અવશ્ય હોય. તેઓ પદાર્થ સિદ્ધિની શૈલીથી આત્માના અભાવને હેતુ, ઉદાહરણ, ઉપનય, નિગમનાદિથી સિદ્ધ કરે છે. જેમ કે, “આત્મા નથી” પાંચે ઇંદ્રિયમાંથી એકે તેને પ્રત્યક્ષ કરતી નથી. માટે પાંચ ઇન્દ્રિયમાંથી એકે ઇન્દ્રિય જેને ગ્રહણ ન કરે, પ્રત્યક્ષ ન કરી શકે તે તે બધું ન હોઈ શકે. જેમ કે આકાશનું ફૂલ તેવી જ રીતે આત્મા પણ નથી.
જ આવું માનનારને જ્ઞાની કહે છે કે- જીવ સહુને અનુભવસિદ્ધ છે. તે અરૂપી હોઈ ઇંદ્રિયગ્રાહ્ય નથી પણ કેવળજ્ઞાની માટે પ્રત્યક્ષ છે જ, છમસ્થ (જ કેવળી ન હોય તે)ને આત્મા અનુમાનથી સિદ્ધ થાય છે. અનેક વાંછા એટલે અભિલાષાથી જેમ કે “હું શેઠ છું. દાસ છું. દુઃખી છું, હું સુખી છું.' ઇત્યાદિ કલ્પના જાળથી નિશ્ચિત થાય છે કે આ વાંછાઓનો સ્વામી આત્મા છે, આ કર્મનો કર્તા આત્મા છે. આ “હું” એ આત્મા જ છે. આત્માને આ રીતે પ્રમાણિત કરાય” આત્મા છે કારણ કે તેમાં ચૈતન્ય, સુખ, દુઃખ, ઇચ્છા આદિ છે. જેમાં જેમાં ચૈતન્ય કે સુખ-દુઃખ આદિની અનુભૂતિ હોય તે તે આત્મા કહેવાય. કાર્ય-કારણની એક વ્યવસ્થા છે. જેમ ઘડાના કારણભૂત પદાર્થ માટી છે, માટી વગર ઘડો શક્ય નથી તેમ સુખ-દુઃખનું કારણ આત્મા છે. તેનું કાર્ય સુખ-દુઃખ છે. આત્મા વગર સુખ-દુઃખનું ભાન શક્ય નથી.
આમ અનેક રીતે અનુમાનાદિથી પણ આત્માનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. “આત્મા છે જ.” એવું દૃઢપણે જેને સમજાયું છે, તે સમજણ સમ્યકત્વનું પ્રથમ સ્થાનક છે.
જીવનું અસ્તિત્વ અપેક્ષાએ નિત્ય કે અનિત્ય માનવું તે સમ્યકત્વનું બીજું સ્થાનક કહેવાય.
દ્રવ્યની અપેક્ષાએ આત્મા નિત્ય છે. કારણ કે આ આત્મા ક્યારેય ઉત્પન્ન થયો નહોતો અને ક્યારે પણ મરવાનો નથી, તેથી વ્યય-ઉત્પાદ રહિત એ નિત્ય છે, અને પર્યાય = એક ગતિથી બીજી ગતિમાં જવાની અપેક્ષાએ અનિત્ય છે. કારણ કે; પૂર્વનું કરેલું કે વેદેલું તેને કોઈ નિમિત્તબળે બધું યાદ આવે છે. જેમ કોઈને જિનપ્રતિમા જોઈને યાદ આવે છે કે પૂર્વાદિ ભવમાં મેં આવા પ્રતિમાજી કરાવ્યા- ભરાવ્યા કે પ્રતિષ્ઠિત કર્યા હતા.આથી નિશ્ચિત થાય છે કે આ આત્માએ પૂર્વભવમાં આ કાર્યો કરેલા તેથી પર્યાયની અપેક્ષાએ આ આત્મા સાદિ સાંત (આદિ અને અંતવાળો) છે. માટે આત્મા અનિત્ય પણ છે, કારણ કે આત્માના પર્યાય અનિત્ય છે. જે જે પર્યાય હોય તે અનિત્ય જ હોય, જે નવું ઉત્પન્ન થાય તે અનિત્ય જ હોય. આત્મા ષડ્રદ્રવ્યમાનું એક દ્રવ્ય છે અને જે જે દ્રવ્ય હોય તેને અવશ્ય પર્યાય પણ હોય જ. માટે કહ્યું છે કે,
પર્યાય વિનાનું દ્રવ્ય અને દ્રવ્ય વગરનો પર્યાય ક્યાંય ક્યારેય કોઈ રૂપે કે કોઈ પ્રમાણથી કોઈએ જોયો છે? અર્થાત્ તે સંભવિત નથી.