________________
૨૩૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ અશાશ્વતા તીર્થો અને કલ્યાણક ભૂમિઓ રાજાને બતાવી. આ બધું જોઈ જાણી રાજા ઘણો પ્રસન્ન થયો. એક વાર કોકાશ રાજાને લઈ હસ્તિનાપુર આવ્યો. રાજાના કહેવાથી ત્યાંનો ઈતિહાસ રજૂ કરતા તેણે કહ્યું – “રાજા ! મહારાજા સનકુમાર તથા શ્રી શાંતિનાથ સ્વામી, શ્રી કુંથુનાથ સ્વામી અને શ્રી અરનાથ સ્વામી ચારે ચક્રવર્તીઓ, પાંચ પાંડવો આદિ અહીં થયા છે. તથા શ્રી ઋષભદેવ સ્વામીનું વરસીતપનું પારણું પણ શ્રેયાંસકુમારના હાથે અહીં થયું છે. શ્રી શાંતિનાથ સ્વામી આદિ ત્રણે તીર્થકરોના મોક્ષ સિવાયના ચારે કલ્યાણકો પણ અહીં જ થયા છે. વિષ્ણુકુમાર મુનિએ લાખ યોજન ઉત્તરવૈક્રિય શરીર અહીં બનાવ્યું હતું. તેમજ કાર્તિક શેઠે એક હજાર શેઠીયા ને શેઠપુત્રો સાથે અહીં જ દીક્ષા લીધી હતી. આમ આ પાવન ભૂમિ ખરેખર શુભ સ્થળ બનાવના સૌભાગ્યને પામેલી છે. આવી રીતે જૈન તીર્થોના સદા દર્શન અને તેના મહાભ્ય શ્રવણથી કોકાશે કાકજંઘને જિનધર્મ પર ભક્તિ અને રુચિવાળો બનાવ્યો. ધર્મ પર શ્રદ્ધા થતાં કોકાશ રાજાને ગુરુ મહારાજના દર્શને લઈ આવ્યો તે વખતે આ પ્રમાણે દેશના ચાલતી હતી.
ત્રણે લોકમાં ધર્મ સિવાય આપણી ખેવના કરનાર કોઈ નથી. ધર્મહીન જીવન એ મૃત્યુની વાટ જોવા બરાબર છે. ધર્મના આજે આપણને જે સંયોગો મળ્યા છે એ આપણા મહાભાગ્યની વાત છે. પરંતુ એ મેળવીને ખોઈ નાંખવું એ તો પરાકાષ્ઠાએ પહોંચેલી હતભાગિતા છે. વિરતિ વિના ધર્મનો સંભવ નથી. વ્રતથી વિરતિની આદરણા થાય છે. સમ્યકત્વયુક્ત પાંચ અણુવ્રત અને ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ બાર પ્રકારે શ્રાવકના વ્રતો અનંત ઉપકારી તીર્થકર પરમાત્માઓએ ફરમાવ્યા છે. અકાળે વર્ષેલા મેઘની જેમ બીજાં ધર્મોની સફળતામાં સંદેહ રહ્યો છે. ત્યારે પુષ્પરાવર્તમેઘની જેમ શ્રી જિનધર્મ તો અવશ્ય ફળ આપનાર છે. આમાં સંશયને સ્થાન નથી.' - ઈત્યાદિ ધર્મદેશના સાંભળી ભાવ ઉલ્લસિત થતાં કાકજંઘ રાજાએ ત્યાં જ સમ્યકત્વમૂલક બાર વ્રત સ્વીકાર્યા. તેમાં દિશાવિરમણ વ્રતમાં તેણે પ્રતિ દિવસ એક દિશામાં સો યોજનથી દૂર ન જવાનો નિયમ કર્યો. ઘેર આવી સાવધાનીપૂર્વક રાજા ધર્મારાધના કરવા લાગ્યો.
- એકવાર તે પોતાની યશોદેવી નામની પટ્ટરાણી સાથે લાકડાના ગરૂડ પર બેઠો, કોકાશ ચાલકની જગ્યાએ બેઠો. આ રાજાની વિજયા નામની બીજી રાણીએ સપત્ની- શોક્યની ઈર્ષાને લીધે ગરુડમાં લાગેલી પાછા ફરવાની કળ કાઢી લીધી ને તેની જગ્યાએ તેવી જ દેખાતી બીજી કળ ત્યાં ગોઠવી દીધી. આની કોઈને જાણ થઈ નહીં. કહ્યું છે કે –
ઉન્મત પ્રેમના આવેશથી સ્ત્રીઓ જે કાંઈ કાર્ય આરંભે છે, તેમાં બ્રહ્મા પણ વિદ્ધ નાંખી શકતા નથી.”