________________
૨૩૬
| ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ ભાગ-૧ પ્રહાર કર્યા પણ તેમ કરવાથી અંદર રહેલા રાજા આદિને અનેક ઉપદ્રવ થયા અને પ્રહાર વાગવા લાગ્યા. કમળની કોર પણ ક્યાંયથી ભાંગી નહીં. લાચાર થયેલા ત્યાંના આગેવાનો ઉજ્જયિની આવી કાકજંઘ અને કોકાશને વિનવણી કરવા લાગ્યા. કોકાશે કહ્યું- “તમારો રાજા મારા મહારાજાનો ખંડિયો રાજા થઈ જીવનપર્યત ખંડણી ભરે તો તેમને મુક્ત કરું.” બધાયે તેમ માન્ય રાખ્યું. મહાબલશાલી યોદ્ધાઓ સાથે કોકાશે ત્યાં આવી સહુને કમળમાંથી બહાર કાઢ્યા. કનકપ્રભ રાજાએ સારો આદર-સત્કાર કરી વિદાય કર્યો. કોકાશ કાકજંઘ પાસે સુખે રહેવા ને આરાધના કરવા લાગ્યો.
એકવાર જ્ઞાની ગુરુની પધરામણી થતાં રાજા અને કોકાશ વાંદવા ગયા અને પોતાના પૂર્વભવ પૂછ્યા. ગુરુ મહારાજે કહ્યું – “રાજા ! ગજપુર નગરમાં પૂર્વે તું રાજા હતો. તારો એક સુથાર શ્રી જિનધર્મની આરાધના કરતો હતો. તેના કથનથી તે કેટલાક જિનમંદિરો પણ બંધાવ્યા હતા, એકવાર એક વિદેશી સુથાર ક્યાંકથી આવી ચડ્યો તે ઘણો જ ચતુર અને કળામાં કુશળ તેમજ જિનધર્મનો આરાધક હતો. રાજાએ પોતાના સુથારને જણાવ્યું કે - “આ વિદેશી સુથાર પાસે કેટલુંક કામ કરાવવા જેવું છે, તે કરાવી લઈએ.' ત્યારે તેણે રાજાના સુથારે) વિદેશી સુથારની કુળ- જાતિ આદિની નીચતા બતાવી નિંદા કરી. કારણ કે પોતાના સરખા કુળ- ગુણ કે કળાવાનને માણસ સહી શકતો નથી. કહ્યું છે કે, કળાવાન, ધનવાન, અભિમાનવાળો, રાજા તપસ્વી અને દાતા આટલા જીવો પોતાની બરોબરી કરનારને સહી શક્તા નથી. અર્થાત્ બ્રેષ- ઈર્ષ્યા કરે છે.
પોતાના સુથારની ચડામણીમાં આવી, કોઈ સામાન્ય વાંકે હે રાજા ! તેં વિદેશી સુથારને છ ઘડી કેદમાં નાખ્યો, પછી વળી અજુગતું લાગવાથી તેને છોડી મૂક્યો. આ પાપને આલોચ્યા વિના તમે બંને કાળ કરી સૌધર્મ કલ્પમાં દેવ થયા. ત્યાંનું આયુ પૂર્ણ કરી આ ભવમાં પણ તમે રાજા અને સુથાર થયા. કોકાશે પૂર્વભવમાં પોતાના જાતિકુળનો ઘમંડ કર્યો. આ ભવમાં તે દાસીપુત્ર તરીકે ઉત્પન્ન થયો. “રાજા! છ ઘડી કેદના દુષ્કર્મ તને આ ભવે છ માસ કેદમાં રાખ્યો.” ઈત્યાદિ ગુરુવચન સાંભળી કર્મનું વૈચિત્ર્ય અને પ્રાબલ્ય વિચારી કાકજંઘ અને કોકાશે દીક્ષા સ્વીકારી, આત્મસાધનામાં સાવધાન થયા અને ક્રમે કરી તે જ ભવમાં કેવળી થઈ મોક્ષે સિધાવ્યા.
લોકપ્રસિદ્ધ કાકજંઘ રાજા કોકાશની સંગતિને બુદ્ધિથી ધર્મ અને તેની દઢતા પામ્યા તેમજ કારક સમકિતના પ્રતાપે અતીન્દ્રિય જ્ઞાન અને મુક્તિ પામ્યા.