________________
૨૩૩
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ: ભાગ-૧
- થોડી જ વારમાં ગરુડ ઉડ્યું ને વાદળામાં ઉડવા લાગ્યું. કેટલીક ધરણીનું ઉલ્લંઘન થયા પછી રાજાએ કોકાશને પૂછ્યું - “આપણે કેટલેક દૂર આવ્યા?” તેણે કહ્યું- “લગભગ બસો યોજન છેટે આવી ગયા.” સાંભળતા જ સખેદ રાજાએ કહ્યું – “અરે જલ્દી ગરુડને વાળી લે. આ તે શું કર્યું? સો યોજનથી વધુ દૂર ન જવાનો નિયમ છે ને ? હવે વિલંબ ન કર અને જલ્દીથી પાછું વાળ. અજાણતા અતિચાર અને જાણીને થયેલા વ્રતભંગમાં તો અનાચારનો પણ દોષ લાગે. અજાણે લાગેલા દોષની શુદ્ધિ પ્રતિક્રમણાદિથી થાય પણ જાણપણે થયેલા વ્રતભંગની મોટી આલોયણા આવે, અરેરે, કૌતુક પ્રિય મને ધિક્કાર છે, મને મારું આત્મહિત પણ વિસરાઈ ગયું?'
આમ રાજા પોતાના પ્રમાદને નિંદી રહ્યો ને લાગેલો દોષ તેને ડંખવા લાગ્યો. ગરુડને પાછા ફેરવવા કોકાશે કળ પર હાથ મૂક્યો ત્યાં તેણે કળ બદલાઈ ગયેલી જાણીને ચિત્કાર કરી ઊઠ્યો- ધોખો, દગો.' મહારાજા આ કળ કોઈએ બદલાવી બનાવટી મૂકી દીધી છે. હવે આ ગરુડ પાછો વળે તેમ નથી. આમને આમ આગળ વધી આકાશમાં મોટું વર્તુળ લે તો કદાચ વળી શકે.”
એમ કહી કોકાશ ચિંતાતુર થઈ ગયો, રાજાએ કહ્યું – “ના આપણે આગળ તો નથી જવું. આ પાછું પણ નથી વળતું તો નીચે તો ઉતરી શકશે ને? શીઘ્રતાથી નીચે ઉતાર. કોકાસે જોઈને કહ્યું – “મહારાજ, નીચે તો ઉતરી શકાશે પણ આ આપણા શત્રુ કનકપ્રભની રાજધાની છે. આપણા માટે અહીં ઉતરવું અનર્થકારી થશે.” રાજાએ કહ્યું – “શત્રુ આત્માનું કશું બગાડી શકે તેમ નથી, પણ વ્રતખંડનથી આત્માની અપાર હાનિ થાય છે. હવે જાણી જોઈને વ્રતખંડન ન કરી શકાય. અજાણપણે થયેલ અતિચાર કાચા ઘડાની જેમ વ્રતને સાંધી શકે પણ જાણીને કરેલ ભંગરૂપ અનાચાર ફૂટેલા પાકા ઘડાની જેમ ન સાંધી શકાય. માટે જે થશે તે જોવાશે. તું તારે અહીં જ ગરુડને ઉતાર.” પ્રતિજ્ઞાનો સાચો રાજા એક ડગલું પણ આગળ વધવા તૈયાર ન થયો. કહ્યું છે કે“સામાન્ય જનોની પ્રતિજ્ઞા સંયોગ પામી પાણી, ધૂળ કે પૃથ્વી પર ખેંચેલી લીટી સમાન સાબિત થાય છે. (અર્થાત્ વિપરીત સંયોગોમાં તરત તૂટી જાય છે.) પણ સત્ત્વશીલ મહાનુભાવોની પ્રતિજ્ઞા ગમે તેવા વિષમ સંજોગોમાં પત્થરની સમાન અખંડ સિદ્ધ થાય છે.'
કોકાશે ગરુડને નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો ને તેની પાંખો બીડાતા ગરુડ ધરતી તરફ પટકાયું. પણ ભાગ્યજોગે તે એક તળાવમાં પડતા કોઈને વાગ્યું નહિ ને તેઓ તરીને કાંઠે આવ્યા. કોકાશે કહ્યું – “મહારાજા, આ કંચનપુર છે. અહીં શત્રુથી સાવધાની રહેવાનું છે. ભૂલે ચૂકે પણ તમારું નામ જણાઈ ન જાય તેવી સાવચેતી રાખવાની છે. પછી એક ઠેકાણે રાજા-રાણીને બેસાડી તે નગરમાં નવી કળ બનાવી લાવવા ગયો. એક ચતુર ગણાતા સુથારને ત્યાં જઈ તેણે કળ બનાવવા માટેના સાધન માગ્યા તે વખતે એ સુથાર રથનું એક ચક્ર બનાવતા કંટાળી ગયો.