________________
૨૦૪
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧ સ્વયંભૂરમણ સમુદ્રમાં મત્સ્ય થઈ ત્યાંથી ફરી સાતમી નરકે ગયો. ત્યાંથી પાછો મત્સ્ય થઈ છઠ્ઠી નરકે, એમ એક- એક નરકાગારમાં તે બે-બે, ત્રણ-ત્રણ વાર ઉત્પન્ન થયો. હલકા દેવની અને તિર્યંચની યોનિમાં ઉદ્ભવ અને મૃત્યુ પામ્યો, પૃથ્વી, અપ-તેઉ- વાયુ અને અનંતકાય આદિમાં ભ્રમણ કરતા એ પદ્મરાયના જીવે અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી ઘોર વ્યથા ને ન કલ્પી શકાય તેવી વેદનાઓ સહી. અકામ નિર્જરાથી તે કોઈક વણિકને ત્યાં ઉત્પન્ન થયો. ત્યાં પણ દુર્ભાગીએ દુઃખ અને અછતથી કંટાળી તાપસી સંન્યાસ લીધો. બાલતપથી તે આ ભવમાં હે રાજા! આ તમારા પુત્ર તરીકે જન્મ્યો છે. મુનિ હત્યાનું પાતક ઘણું જ ઘાતક હોઈ તે અવશિષ્ટ કર્મો આ વ્યાધિની વ્યથાથી ખપી ગયા છે. હવે થોડા વખતમાં જ રોગો શાંત થશે.' સાંભળતા પણ અરેરાટી થાય તેવું પોતાનું ચરિત્ર જાણી વિક્રમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે કેવળીભગવંતના પગ પકડી કહ્યું – “દયાળ ! મિથ્યાત્વ મોહથી મૂઢ થયેલો આ જીવ ક્યાં ક્યાં નથી ભમ્યો અને તેણે છેદનભેદન પ્રમુખ કયા દુઃખો સહ્યાં નથી?
હે અશરણશરણ ! હવે તો કોઈ માર્ગ બતાવો, જેથી મારો ઉદ્ધાર થાય અને આવી પીડાઓ ભવાંતરમાં પણ ન સહેવી પડે.” જ્ઞાની ગુરુએ કહ્યું- “તું છએ ભાવના સહિત સમક્તિને આદર અને બારે વ્રતનું સાવધાનીપૂર્વક પાલન કર. યુવરાજ વિક્રમકુમાર સમ્યકત્વ ને વ્રતધારી થઈ રાજમહેલમાં આવ્યો ને સત્ત્વપૂર્વક ધર્મનું આરાધન કરવા લાગ્યો. તેથી તેના વ્યાધિ ઉપશાંત થઈ ગયા. તે દૃઢતાપૂર્વક ધર્મનું આસેવન કરવા લાગ્યો. એવામાં જે યક્ષની તેણે માનતા માનેલી તેણે પ્રગટ થઈ કહ્યું- “તારા રોગો ઉપશાંત થઈ ગયા હવે કહ્યા પ્રમાણે તું બલિદાન કેમ કરતો નથી? જલ્દી સો પાડા લાવ.” કુમારે કહ્યું – “કેવળી મહારાજ અને ધર્મના પ્રતાપે મારા રોગો મટ્યા છે, છતાં તમારે જે ઇચ્છા હોય તે કહો, બાકી પાડો તો શું પણ ઝીણા કુંથવાની પણ હિંસા થશે નહિ.” આ સાંભળી કૃદ્ધ થયેલા યક્ષે કહ્યું – વિચારીને બોલજે આના પરિણામ તારા માટે ઘણા ખરાબ અને ભયંકર આવશે. તેણે કહ્યું – “મારે કશો વિચાર કરવાનો નથી.” દેવે કહ્યું - જોઈ લેજે ત્યારે અને એ ચાલ્યો ગયો.
એકવાર ઉપવનના મોટા જિનમંદિરની પૂજા કરી કુમાર પાછો ફરતો હતો ત્યાં યક્ષે તેને પછાડી છાતી પર ચઢી બેઠો ને બોલ્યો – ‘તને હમણાં હતો નહતો કરી શકું છું પણ દયા આવે છે, બોલ ! હજી જીદ છોડે છે કે નહીં?” કુમારે કહ્યું - “તમે હિંસાની જીદ છોડી દો, હિંસાના ફળ સારા નથી. હજારો લાખો શું પણ કરોડો શ્લોકોના સારવાળા અર્ધા શ્લોકમાં કહ્યું છે કે – પરોપકારઃ પુણ્યાય, પાપાય પરપીડન” એટલે કે પરોપકાર પુણ્ય માટે અને પરને ઉપજાવેલી પીડા પાપ માટે થાય છે. મારાથી પાપ નહીં બને.” યક્ષે કહ્યું – “તું કેટલો નિર્વિવેકી છે કે રોગો નષ્ટ થવા છતાં મારો ઉપકાર-આભાર પણ માનતો નથી. પ્રણામ આદિ કરીને નમ્રતા પણ બતાવતો નથી? તારા ઉપરનો અણગમો દૂર થાય તેવી લાગણી પણ બતાવી શકતો નથી?