________________
ઉપદેશપ્રાસાદું મહાગ્રંથ : ભાગ-૧ હે આયુષ્યવાન્ ! જો તું કર્મ જ નથી એમ કહીશ તો ધર્મ, અધર્મ, દાન, શિયલ, વ્રત, નિયમ બધું કરવું-કરાવવું વ્યર્થ થશે. માટે કર્મથી વાસ્તવિકતાને ઓળખ.
.
૨૧૬
કોઈ એમ પણ કહેશે કે-‘આ વિશ્વ તેમજ તેમાં રહેલાં પદાર્થોનો કર્તા એક માત્ર સર્વશક્તિમાન ઈશ્વર છે, તો પછી વાંઝણીને પુત્ર થવાની આશા-લીલા જેવી અદૃશ્ય રહેલાં કર્મની કલ્પના શા માટે ? તેનો ઉત્તર આ ગ્રંથકાર આપે છે કે-‘આ વિશ્વ આદિના કર્તા તરીકે જેને તમે માનો છો તે ઈશ્વર રૂપી છે કે અરૂપી ? જો રૂપી હોય તો ઘટ-પટ આદિના બનાવનારની જેમ તે દેખાવો જોઈએ, અને કહો કે તે અરૂપી છે, તો અરૂપીને હાથ-પગ પ્રમુખ શરીર જ ન હોય તો તે સૃષ્ટિની રચના કરી શકે નહીં. અર્થાત્ ઈશ્વરનું સર્જન દુઃખી, રોગી, વ્યભિચારી, વ્યસની, હિંસક કે ચોર આદિ ન જ હોય. માટે નક્કી વાત કર્મનો કર્તા અને ભોક્તા આ જીવ જ છે. અનંત તીર્થંકારોને પૂછાયું છે કે જીવ પોતે કરેલા, પરના કરેલાં કે બંનેએ કરેલાં દુ:ખો ભોગવે છે? ઉત્તર મળ્યો છે કે પોતાનાં કરેલાં દુ:ખ (કર્મ) જીવ ભોગવે છે, પણ પરકૃત કે ઉભયકૃત ભોગવતો નથી.
ઓ અગ્નિભૂતિ ! આઠ પ્રકારના કર્મો છે. ને હું પ્રત્યક્ષ તેને જોઉં છું. પ્રત્યક્ષજ્ઞાનથી કોઈ પણ સૂક્ષ્મ કર્મોને જોઈ-જાણી શકે છે. વેદમાં પણ લખ્યું છે કે પુણ્યકાર્યથી પુણ્ય અને પાપ કાર્યોથી પાપ બંધાય છે, ઇત્યાદિ. માટે બધાં જ પ્રમાણોથી કર્મનું હોવું સિદ્ધ થાય છે. પ્રજ્ઞાવાન પુરુષે તો માનવું જ જોઈએ.’
ઇત્યાદિ પ્રભુજીનાં વચનો સાંભળી અગ્નિભૂતિની ઇર્ષ્યાની આગ ઠરી -ગઇ. અહંનો પર્વત ઓગળી ગયો, તે વિચારવા લાગ્યા ‘મારા અહોભાગ્ય છે કે સાક્ષાત્ જગદીશના મને દર્શન થયા. અજ્ઞાનના અંધારા દૂર કરનારા સૂર્યસમાન, અનંતગુણના સાગર, સુરાસુરમનુષ્ય અને તેમના રાજાઓને પણ પૂજવા યોગ્ય, એવા મહાજ્ઞાની ગુરુમહારાજ આજે મળ્યા. જુઓને ઇંદ્રભૂતિ ગૌતમ કેટલા બધા પ્રમુદિત અને ઉલ્લાસમય જણાય છે. તેમણે ભોળવાઈને નહીં પણ સાચા ગુરુના યોગે તેઓ દીક્ષિત થયા છે, મારે પણ શા માટે વિલંબ કરવો જોઈએ.’ એમ વિચારી અગ્નિભૂતિએ પણ પોતાના પાંચસો શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી. તેમણે છેંતાલીસમે વર્ષે દીક્ષા લઇ-દશ વર્ષ છદ્મસ્થપણે વિચરી કેવળજ્ઞાન મેળવ્યું. સોળ વર્ષ કેવળી પર્યાયે રહી મોક્ષ પામ્યા. (અહીં કર્મવાદના સંદર્ભમાં ઘણી યુક્તિઓ છે, તે સવિસ્તર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણકૃત મહાભાષ્યની બૃહદ્દીકાથી જાણવી.)
શ્રી જિનેશ્વરદેવના કલ્યાણકારી વાક્યથી કર્મસંબંધી સંશયનો નાશ થવાથી બીજા ગણધર શ્રી અગ્નિભૂતિ સંયમ પામ્યા અને ત્રસાદિક જીવોને માટે દયામય જિનાગમની પ્રરૂપણા કરી અંતે મુક્તિ પામ્યા.