________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૨૨૩
એક સ્થાનમાં વસવારૂપ ચાતુર્માસમાં સ્થિરતા કરે છે. જીવયતના (જયણા) તો ધર્મની માતા છે.’ ઇત્યાદિ મર્મ જાણી શ્રી કૃષ્ણ મહારાજાએ એવો નિયમ કર્યો કે - ‘મારે વર્ષા કાળના ચાર માસ રાજસભામાં જવું નહીં, મારા જવાથી જ અનેક રાજા, સામંત આદિ દૂર દૂરથી આવે જાય, અને તે નિમિત્તથી અનેક જીવોની વિરાધના થાય તથા જિનમંદિર આદિ ધર્મકાર્ય અર્થે જવા સિવાય મહેલમાંથી પણ બહાર નીકળવું નહીં.’
પરિણામે વર્ષાકાળમાં શ્રી કૃષ્ણ મહારાજાને મળવા- નમનાદિ કરવા આવનારા સાવ બંધ થઈ ગયા. શ્રી કૃષ્ણને ધર્મકાર્યમાં પણ અપૂર્વ શાંતિ મળવા લાગી, દ્વારિકામાં એક વીરા નામનો સાળવી રહેતો. તેણે એવો નિયમ કરેલો કે કૃષ્ણ મહારાજના દર્શન કરીને જ ખાવું.’ શ્રી કૃષ્ણના દર્શન વિના તે ભૂખે રહેવા લાગ્યો. બે-ચાર દિવસે તેને ખબર પડી કે મહારાજા ચાર માસ દર્શન નથી દેવાના ! તે ઘણો મુંઝાયો પણ કશો માર્ગ ન મળતાં તેણે અન્ન છોડી દીધું. નખ-વાળ આદિ ઉતરાવવા બંધ કર્યા ને રાજદરબારના દરવાજે કંકુ-દુર્વાદિથી પૂજાના છાંટણા કરી સંતોષ માનવા લાગ્યો. ચાતુર્માસ પૂર્ણ થયે કૃષ્ણ મહારાજા મોટા દમામ-આડંબર સાથે રાજસભામાં પધાર્યા. વીરો શાળવી પગે લાગતા પગમાં જ ચોંટી પડ્યો. વાળ- દાઢી નખ વધી ગયેલાં ને શરીર સાવ દુબળું થઈ ગયેલું. શ્રીકૃષ્ણ પણ તેને ઓળખી ન શક્યા. દ્વારપાળે બધી બીના જણાવી ત્યારે કૃષ્ણ વાસુદેવ સાથે આખી સભા મહાઅચરજ પામી. શ્રી કૃષ્ણે આજ્ઞા આપી કે - ‘આ વીરાને હું જ્યાં હોઉં ત્યા આવવા દેવો-રોકવો નહીં.' પછી શ્રીકૃષ્ણ શ્રી નેમિનાથ પરમાત્માને વાંદવા ગયા. પ્રભુજીએ દીક્ષાનું માહાત્મ્ય સમજાવ્યું. તેના અચિંત્ય લાભો વર્ણવ્યા એ સાંભળી શ્રીકૃષ્ણને દીક્ષા પ્રત્યે મહાન અનુરાગ અને અભિરુચિ ઉત્પન્ન થયા. દીક્ષાના મનોરથ અને પુરુષાર્થ પણ કર્યા પરંતુ દીક્ષા લઈ શક્યા નહીં. પ્રભુને પોતાની ભાવના જણાવતા કૃષ્ણે કહ્યું -‘ભગવન્ ! દીક્ષા વિના તો કદીય નિસ્તાર થવાનો નથી. તે દિશામાં હું પ્રયત્ન કરું છું છતાં ફાવ્યો નથી. મારી એવી ભાવના છે કે જે કોઈ મહાનુભાવ દીક્ષા લે તેનો દીક્ષા મહોત્સવ હું કરીશ.' આવો નિયમ લઈ તેઓ મહેલમાં પાછા ફર્યા.
તેઓ ધર્મ પ્રત્યે અનન્ય રુચિ અને અનુરાગ ધરાવતા હતા, દીક્ષિત આત્માઓનાં ગુણાનુવાદ તો કરતા રહેતા તેમની વિવાહ યોગ્ય પુત્રીઓને તેઓ નક્કર વાસ્તવિકતા સમજાવતા અને કહેતા - ‘દીકરીઓ ! મહારાણી થવું છે કે દાસી ?' રાજકન્યા ઉત્તર આપતી - ‘પિતાજી, અમારે રાણી થવું છે. આપ જેવા સમર્થની પુત્રીઓ દાસી શાને થાય ?’
શ્રીકૃષ્ણ કહેતા - ‘જો એમ જ હોય તો તમે ભગવાન શ્રી નેમિનાથજી પાસે જાવ અને દીક્ષા લ્યો. ત્યાં સાચું સ્વાતંત્ર્ય છે, સ્વાધીન જીવન છે ને દાસવૃત્તિનો પૂર્ણતયા અભાવ છે. પરલોકમાં પણ પરાધીનતાની બેડી પહેરવાનો વખત નહીં આવે. અન્યથા ઘર- પરિવાર જ નહીં સંસાર આખાની ગુલામીમાં તમે જકડાઈ જશો.' આ સાંભળી રાજકન્યાઓએ પ્રભુ પાસે દીક્ષા લીધી. આમ ઘણી કન્યાઓને શ્રીકૃષ્ણ મહારાજાએ ભાવ ઉત્પન્ન કરાવી પ્રભુ પાસે મોકલી, ને