________________
૨૬
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથઃ ભાગ-૧
એવામાં પાટલીપુત્રના રાજા જિતશત્રુએ વિરધવળના ચારે નરરત્નોને મેળવવા ઉજ્જયિની ઉપર ચડાઈ કરીને નગરને ચારે તરફથી ઘેરી લીધું. એમાં અકસ્માત વરધવળ રાજાને શૂળનો રોગ ઉપડ્યો ને તેઓ ચારિત્રની અભિલાષામાં જ મૃત્યુ પામ્યા. કેટલાક રોગો મૃત્યુના નાટકના વિચિત્ર વાદ્ય જેવા હોય છે. શૂલ, વિષભક્ષણ, સર્પદંશ, વિશુચિકા (કોલેરા), પાણીમાં ડૂબવું, શસ્ત્રનો મર્મમાં ઘા, અગ્નિથી મર્મમાં દાઝવાથી તથા સંભ્રમ, ઘોર આઘાત આદિથી મુહૂર્ત માત્રમાં જીવ એ શરીર છોડી બીજામાં પ્રવેશ કરે છે. રાજાના મૃત્યુથી નિરાશ થયેલા મંત્રીઓ અવસર જાણી જિતશત્રુને શરણે ગયા. માલવા પર જિતશત્રુનું સ્વામીત્વ સ્થપાયું. નવા રાજાએ માલવાના ચારે નરરત્નોને બોલાવ્યા અને પરીક્ષા કરી પોતાને ત્યાં માનપૂર્વક રાખ્યા. પોતે સાંભળેલ પ્રશંસા કરતા પણ તેઓ વધુ ચતુર હતા તે જાણી રાજા ઘણો પ્રસન્ન થયો.
એકવાર અંગમર્દક મર્દન (માલિશ) કરી રાજાની જાંઘ (સાથળ)માંથી તેલ પાછુ કાઢતો હતો ત્યારે થોડું (પાંચ કર્ષ) તેલ બાકી રહેવા દઈ રાજાએ નગરના અંગમર્દકોને એ તેલ કાઢવા અને કાઢી આપે તો મોટું ઇનામ આપવા જણાવ્યું. ઘણા મર્દકોએ આવી ઘણી તરકીબો અજમાવી પણ એક ટીપું તેલ કાઢી ન શક્યા. આમાં આખો દિવસ ચાલ્યો ગયો ને રાત્રે રાજા પોઢી ગયા. બીજે દિવસે શરીરમાં તેલ ઉતારનાર નરરત્ન મર્દકને કહેવાથી તેણે તેલ પાછું કાઢવાના પ્રયત્ન કર્યા પણ બીજે દિવસે તો તે ય કાઢી શકે તેમ નહોતું. તેથી રાજાના પગમાં તે તેલ જામી ગયેલું હોઈ તેનો સાથળ શ્યામ થઈ ગયો. કાગડાના જેવી જંઘા થઈ જવાને કારણે જિતશત્રુનું નામ લોકોએ “કાકજંઘ' રાખ્યું. કારણ કે ગમે તેટલા સારા નામને, નિમિત્ત પામી લોકો બદલી નાંખી સારુ કે અળખામણું ઉપનામ આપે છે. જેમ માસતુસ, કૂરગડૂક, સાવદ્યાચાર્ય, રાવણ, દુર્યોધન આદિ નામો વિશ્વમાં પ્રસિદ્ધ થયા.
એકવાર કોંકણ દેશમાં નિધનનો નાશ અને ધનવાનને નિર્ધન કરનાર મહાદુષ્કાળ પડ્યો. રાજા પણ રાંક જેવા થઈ ગયા. ક્યારે પણ નહીં દેખાતા દુઃખો દુષ્કાળમાં જોવા મળે છે. સુધાથી પીડિત થયેલા લોકો દુષ્કાળમાં માન મૂકી દે છે. ગૌરવ છોડી દીનતા ધારે છે. લજ્જા, મર્યાદા મૂકી નિર્દય થઈ જાય છે. નીચતાના ચોકખા દર્શન થવા લાગે છે. પત્ની, બંધુ, પુત્ર અને પુત્રીની દાક્ષિણ્યતા છોડી તેમને સાથ તો નથી આપતા પણ તેમનું યે અહિત કરવા તૈયાર થાય છે. સુધાથી પીડિત માણસ બીજા પણ કયા નિદિત કાર્યો નથી કરતો?
આવા ઘોર દુષ્કાળમાં ચિંતિત થયેલા કોકાશ. કુટુંબનો નિર્વાહ ન કરી શકવાને કારણે કોંકણથી માળવા તરફ ચાલ્યો. કારણ કે દેવિલ મંદબુદ્ધિનો હોઈ આખા કુટુંબનો ભાર કોકાશ ઉપર હતો. અને કોંકણમાં આજીવિકાનું સાધન નહોતું. તે ઉજ્જયિની આવી તો ગયો પણ રાજાને મળી શક્યો નહીં. કેમ કે તે સાવ નિધન હતો અને ત્યાં કોઈ સહાયક નહોતું.