________________
૨૨૮
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
માન્ય થાય છે. માટે સોમિલે ઘણા પ્રકારે પુત્રને કળાનો જાણ કરવા પ્રયત્ન કર્યો પણ તે સફળ ન થયો. કોકાશ દાસીપુત્ર હતો, છતાં ઘણો વિચક્ષણ હતો, તેને કોઈ શિખવનાર નહોતું, તેની કોઈને ખેવના પણ નહોતી, તે સાવ ઉપેક્ષિત હતો, છતાં દેવિલને જે કાંઈ પણ શિખવવામાં આવતું તે કોકાશ લક્ષ્ય રાખી શીખી લેતો ને તન્મય થઈ કળાના મર્મને પણ પકડી લેતો. આમ થવાથી થોડા જ સમયમાં તે દેવિલ કરતા પણ અધિક ચતુર અને કળામર્મજ્ઞ થઈ ગયો. દેવિલ કાંઈ શીખી શક્યો નહિ. સોમિલના મૃત્યુ પછી તેની જગ્યા કોકાશને આપવામાં આવી. કારણ કે તે માટે તે યોગ્ય પુરવાર થયો. રાજમાં તે સોમિલ કરતા પણ વધારે માન પામ્યો.
કોકાશ દાસીપુત્ર હતો છતાં ગૃહસ્વામી જેવી સાહ્યબી ભોગવવા લાગ્યો, અને દેવિલ ઘરનો સ્વામી છતાં દાસીપુત્ર જેવી દશામાં તે આવી પડ્યો. અહો, પૂર્વના શુભાશુભ કર્મની કેવી વિચિત્રતા છે !
કોકાશમાં એવી વિલક્ષણ બુદ્ધિ પ્રતિભા હતી કે તે તરત જ વસ્તુના મર્મને પકડી લેતો. એકવાર કોઈ આચાર્ય મહારાજનો ધર્મોપદેશ સાંભળી તે ધર્મ પામ્યો. નવતત્ત્વ આદિ મૌલિક પદાર્થોના મર્મનો જાણ થયો અને કોકાશ સારી રીતે ધર્મના આચરણમાં સાવધાન થયો.
એ અરસામાં માળવાના મહારાજા વીરધવળ ઉજ્વળ કીર્તિ પામ્યા હતા. તેમની પાસે ચાર નરરત્નો હતા. તેમાં પહેલો રસોઈઓ હતો. તેમાં કોઈ એવી અદ્ભુત કળા હતી કે ખાનારની ઇચ્છા પ્રમાણેની જ, તેના વિના પૂછે જ સરસ રસવતી બનાવી શકતો અને જમ્યા પછી ફરી જ્યારે જમવાની ઇચ્છા થાય, ઘડી કે પ્રહર પછી યાવત્ આઠ-પંદર દિવસે કે છ–બાર મહિને પછી જ્યારે ઇચ્છા થાય ત્યારે જ ભૂખ લાગે ! તેથી લોકો તેને દૈવી સહાય છે એમ માનતા. તેથી તે નરરત્ન કહેવાતો. બીજો હતો શય્યાપાલક. તેનામાં એવી ખૂબી હતી કે તેની પાથરેલી શય્યામાં સૂનારને તરત ઊંઘ આવે અને તેને જ્યારે જાગવું હોય ત્યારે આપમેળે જાગી શકે ! તેથી તે બીજો નરરત્ન કહેવાતો. ત્રીજો નરરત્ન હતો અંગમર્દક. તે પાશેરથી લઈ પાંચશેર તેલ તે ચોળતા ચોળતા અંગમાં સમાવી દે. મર્દન કરાવનારને એવું સુખ થાય કે તેનું વર્ણન તે પણ ન કરી શકે. ખૂબીની વાત એ હતી કે શરીરમાં સમાવેલું તેલ એ પોતાના કૌશલથી પાછું કાઢી આપતો. તેથી તે નરરત્ન ગણાતો. ચોથો હતો ભંડારી, તેનામાં એવી ખૂબી હતી કે ભંડાર કે ખજાનામાં તેણે મૂકેલી વસ્તુ તેના સિવાય બીજાના હાથમાં આવે જ નહીં. કોઈ તેને જોઈ શકે નહીં. અગ્નિ-પાણી કે. ચોર આદિનો ઉપદ્રવ અડપલાં કરી શકે નહીં, તેથી તે પણ નરરત્ન ગણાતો. આ ચારે નરરત્નોની સહાયથી વીરધવળ રાજા પોતાની ઇચ્છા મુજબ કાર્ય કરી શકતો અને શાંતિથી રહેતો. રાજાની તેમજ તેના ચારે રત્નોની બધે ઘણી જ પ્રસિદ્ધિ થઈ ચૂકી હતી. ઘણાં વર્ષોના દામ્પત્ય છતાં રાજાને સંતાન હતું નહીં, કેટલાક વખતથી તેમને દીક્ષાના અભિલાષ હતા, છેવટે તેમણે નક્કી કર્યું કે કોઈ સગા-સંબંધીનો યોગ્ય પાત્ર પુત્ર મળે તો તેને રાજ્ય ભળાવી દીક્ષા લઈ લેવી.