________________
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧
૨૧૦
લાવે ? તેમ આત્મા નિરૂપમ હોઈ તેના જેવું બીજું કાંઈ જ ન હોય. ઉપમા પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ ન થઈ શકવાથી તું આત્માના સંદેહમાં પડ્યો પણ તારૂં વિચારવું અવાસ્તવિક છે.' ઇંદ્રભૂતિ ગૌતમના સંશયનો નાશ કરવા ને તેને સાચો બોધ થાય માટે ભગવંતે કહ્યું - ‘હે આયુષ્યમાન્ ! ઇંદ્રિયથી ન જાણી શકાય એવા તારા મનોગત સંશયને હું જાણું છું, ને પ્રત્યક્ષ જાણું છું, તેમ હું સમસ્ત આત્માઓને પણ જાણું છું જોવું છું. તેવી જ રીતે તારી જાત માટે ‘હું છું’ને એવો બોધ તો તને પણ છે જ. તેથી આત્મા તને પણ પ્રત્યક્ષ તો છે જ. તું પણ તારા આત્માને જોનાર થયો જ.’ ‘હું છું, હું જાઉં છું કે અમુક કરું છું. તેમાં હું કોણ ? આત્મા જ ને ? છતાં આત્મા નથી એમ કહી તું ‘મારી મા વાંઝણી છે' એમ બોલતા દીકરાના વાક્યની જેમ તારા પોતાના વાક્યોમાં જ તું દોષ ઊભો કરે છે. પરલોકના હિતાર્થે તું યજ્ઞ કરાવે છે, ને આત્મતત્ત્વમાં જ સંદેહ છે ? સ્વસંવેદનથી ને સ્વાનુભૂતિથી આત્માની સ્વતઃ સિદ્ધિ છે જ. પાછલી બાબતોનું સ્મરણ, ક્યાંય જવા કે કાંઈ કરવાની ઇચ્છા સંશય આદિ જ્ઞાન વિશેષ આ બધું કોને થાય છે ? આ બધા આત્માના જ ગુણો છે. જો કાર્યો કરાય છે તો તેનો કોઈ કર્તા છે જ. જ્યારે સ્વયંમાં આત્મા પ્રત્યક્ષ છે તો બીજામાં સિદ્ધ કરવાની શી આવશ્યકતા ? માટે હે ગૌતમ ! તારે આત્માને પ્રત્યક્ષ માનવો જ રહ્યો.'
અનુમાન પ્રમાણથી પણ આત્માની સિદ્ધિ થાય છે જેમ ઘર જોઈને અનુમાન થાય છે કે આમાં કોઈ રહેનાર હશે જ. તેમ આ શરીરનો પણ સ્વામી હોવો જ જોઈએ. જો શરીર આદિ ભોગ્ય છે તો તેનો ભોક્તા અવશ્ય હોય જ. આ શરીર ઇન્દ્રિયનો અધિષ્ઠાતા તથા ભોક્તા આત્મા છે. ગધેડાના સિંગની જેમ જેનો કોઈ ભોક્તા ન હોય તો તે ભોગ્ય પણ નહીં હોય. તને જીવ બાબતમાં સંશય હોવાથી તારામાં આત્માનું અસ્તિત્વ સિદ્ધ થઈ ચૂક્યું કેમ કે, આ સંશય કોને થયો? જ્યાં સંશય થાય ત્યાં તો સંશયનો પણ પદાર્થ હોય જ. જેમ કોઈએ દૂરથી વૃક્ષનું ઠુંઠું કે માણસ પૂર્વે જોયેલા હોઈ ફરી જ્યારે એવું જ કાંઈક જાવે તો તે તેમાં ઠુંઠા અને મનુષ્યના લક્ષણો જોવે છે કે આ ઠુંઠું છે કે માણસ ? પછી અન્વય વ્યતિરેકે વિચારે છે કે- ‘પક્ષી આવીને બેસે છે માટે તે ઠુંઠું છે અથવા હાથ-પગ આદિ અવયવોના હલન-ચલનથી માણસ છે, એમ ધા૨ણાવાળો થાય છે એમ આત્મા અને શરીર આ બેના અસ્તિત્વમાં સંદેહ થઈ શકે પણ બંનેમાંથી એકના અભાવમાં સંદેહ થઈ શકે નહિ. બેમાંથી એકનો નિશ્ચય થતાં સંદેહ ચાલ્યો જાય છે. આમ અનુમાન પ્રમાણથી પણ આત્માનું અસ્તિત્વ નિશ્ચિત થાય છે.
તેમજ હે ગૌતમ ! સર્વ આગમો - ધર્મશાસ્ત્રો પરસ્પર વિરુદ્ધ હોવાથી કયા પ્રમાણભૂત માનવા અને કયા ન માનવા એમ તું સંદિગ્ધ થાય છે તે પણ અનુપયુક્ત છે. કારણ બધા જ ધર્મગ્રંથો આત્માના અસ્તિત્વને તો એકી અવાજે સ્વીકારે છે જ.
શબ્દ પ્રમાણવાળા (વૈયાકરણી) શાબ્દિક કહે છે કે- ‘જે વ્યુત્પત્તિવાળું સાર્થક એક જ પદ હોય તો તે પદાર્થ હોય જ. જેમ કે તપતિ ઇતિ તપન એટલે કે તપાવે તે તપન કહેવાય. આ