________________
૨૧૨
ઉપદેશપ્રાસાદ મહાગ્રંથ : ભાગ-૧ એટલે પૃથ્વીનો ઉપયોગ તેમાં જ નાશ પામી બીજા પદાર્થોમાં ઉપયુક્ત થાય છે.તેથી પૂર્વનો ઉપયોગ રહેતો નથી. જેમાંથી ઉપયોગ ઉદભવ્યો તે બીજો ઉપયોગ આવતાં તેમાં જ લય પામ્યો.’
અહીં કોઈને એવી શંકા થાય છે કે એક આત્મામાં ત્રણ સ્વભાવ હોઈ શકે ? તેના ઉત્ત૨માં ગ્રંથકાર કહે છે કે પૂર્વના ઉપયોગનો નાશ થતાં તે આત્મા પણ નાશ પામ્યો કહેવાય તેથી આત્મા વિનાશી થયો. બીજા પદાર્થના જ્ઞાનોપયોગથી આત્મા ઉત્પન્ન થયો કહેવાય અને અનાદિકાલીન સામાન્ય જ્ઞાનોપયોગની સંતતિથી આત્મા અવિનાશી છે. (આમ સંસારના સમસ્ત પદાર્થો ત્રણ સ્વભાવી માટે જાણવું) બીજી વસ્તુનો ઉપયોગ ઉત્પન્ન થતાં પૂર્વનો ઉપયોગ નાશ પામે છે (એટલે ઉપયોગ તેમાં જ નાશ પામે છે; જીવ નહીં) માટે ગૌતમ ! શાંતિથી વિચાર કરીશ તો જણાશે કે અમે કહ્યો તે અર્થ યર્થાથ છે.
વિશ્વજંતુને પ્રતિબોધ દેવામાં સુકુશળ પ્રભુની વાણી સાંભળી શ્રી ગૌતમસ્વામી બોધ પામ્યા ને પચાસ વર્ષની વયે પાંચસો શિષ્યો સાથે ભાગવતી દીક્ષા લીધી અને પ્રભુજીના પ્રથમ પટ્ટધર ગણધર થયા.
સુવર્ણવાન, સાત હાથ પ્રમાણ શરીર, અને લબ્ધિથી સમૃદ્ધ, શુદ્ધ ચારિત્રના પરિપાલનથી મન:પર્યવ જ્ઞાન પામેલા, ક્ષયોપક્ષમિક સમ્યક્ત્વ પામેલા, જીવન પર્યંત છટ્ઠના પારણે છઠ્ઠનો તપ કરનારા, સકલ વિષયના વિકારો અને કષાયોના વિજેતા શ્રી ઈંદ્રભૂતિ ગૌતમ ગણધર મહારાજા નિરંતર ત્રીસ વર્ષ સુધી પરમાત્મા શ્રી મહાવીરદેવની સતત સેવા કરનાર ગૌતમસ્વામી તરીકે વિશ્વમાં વિખ્યાત થયા. શ્રી ગૌતમસ્વામીનો ભગવંત ઉપર અપાર રાગ અને અસીમ સ્નેહ હતો.
પરમાત્મા શ્રી મહાવીરદેવે પોતાનો નિર્વાણ સમય જાણી શ્રી ગૌતમસ્વામીને પાસેના ગામમાં કોઈ દેવશર્મા નામક બ્રાહ્મણને પ્રતિબોધ આપવાના વિષે મોકલ્યા. જેથી ભગવંતના નિર્વાણજન્ય વિરહને સહી શકે અને સ્નેહની સાંકળ તૂટે.
આ તરફ ભગવંતે એકધારી સોળ પ્રહર દેશના આપી અને નિર્વાણ પામ્યા. શ્રી ગૌતમસ્વામી દેવશર્માને પ્રતિબોધી પાછા વળતા હતા, ત્યાં માર્ગમાં ઉદાસ મુખવાલા દેવો અને મનુષ્યો પાસેથી તેઓ પ્રભુજીના નિર્વાણના સમાચાર જાણી જાણે માથે વ્રજ પડ્યું હોય તેમ બેબાકળા ને વિમૂઢ થઈ ગયા. ક્ષણવાર તો જાણે ચેતના જ ચાલી ગઈ. પરિસ્થિતિને બદલી શકાય એવું હતું જ નહીં ને તેઓ મહાશોકમાં ડૂબી ગયા, બાળકની જેમ હિબકાં ખાતાં તેઓ વિચારવા લાગ્યા કે-‘અહો દયાના સમુદ્ર ભગવંતે આ શું કર્યું. જીવન પર્યંત હું પડછાયાની જેમ સાથે રહ્યો ને અંતસમયે મને છેટો મોકલ્યો ! મને અહીં મૂકી તમે ચાલ્યા ગયા ! હું સાથે આવત તો આપને કષ્ટ ન આપત ને મોક્ષમાં કાંઈ સંકડાસ ન થાત. મને નહોતો લઈ જવો તો દૂર પણ નહોતો કરવો. હું કાંઈ આપને પકડીને મુક્તિએ ન જવા દેત ? ઓ કરુણાના સિંધુ ! સકલ ગુણ ભંડાર ! ઓ ત્રિભુવન દિવાકર ! હવે હું કોને પૂછીશ ? ને મને ગૌતમ-ગૌતમ કહીને કોણ બોલાવશે ને કોણ